- યુદ્વ વિરામે ક્રુડ ઓઈલના ભાવ 18 ટકા તૂટી 100 ડોલરની સપાટી અંદર
- ચાર મહિનાના સૌથી મોટા ઉછાળામાં સેન્સેક્સમાં 2946 પોઈન્ટ, નિફટીમાં 874 પોઈન્ટની તેજી જોવાઈ : સોના-ચાંદીમાં ભાવો ઉંચકાયા
મુંબઈ : ઈરાનના માથે અમેરિકા અને ઈઝરાયેલે થોપેલા મહાયુદ્વમાં બન્ને તરફ મોટી ખુવારી બાદ ૪૦માં દિવસે બન્ને પક્ષો બે અઠવાડિયા માટે યુદ્વ વિરામ માટે સંમત થતાં વૈશ્વિક અર્થતંત્ર પર કટોકટીનું મોટું જોખમ ટળતાં આજે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ૧૮ ટકા જેટલો કડાકો બોલાઈ જવા સાથે વૈશ્વિક શેર બજારોમાં ફરી તેજી હિલોળા લેવા લાગી હતી. ભારતીય શેર બજારોમાં આજે ચાર મહિનાની સૌથી મોટી તેજી આવ્યા સાથે રોકાણકારોના ચહેરા પરની ૪૦ દિવસથી છીનવાયેલી ખુશી પરત ફરતી જોવાઈ હતી. શેરોમાં રોકાણકારોની સંપતિમાં એક દિવસનો વિક્રમી રૂ.૧૬.૨૫ લાખ કરોડનો જંગી વધારો થયો હતો. દેશના ઝવેરી બજારોમાં આજે વિશ્વ બજાર પાછળ સોના અને ચાંદીના ભાવોમાં ઝડપી ઉછાળો જોવાયો હતો.
પશ્ચિમ એશીયાના યુદ્વમાં અંતે વિરામને લઈ હવે ઈરાન સાથે મિડલ ઈસ્ટના દેશોમાં થયેલા ઈન્ફ્રાસ્ટ્રકચરના મોટા નુકશાનને લઈ આગામી મહિનાઓમાં નવા પ્રોજેક્ટોના નિર્માણની તકો સર્જાવાની ધારણા અને હોર્મુઝ માર્ગે અટકેલો વિદેશ વેપાર પુન:પટરી પર આવવાની અપેક્ષાએ આજે સિમેન્ટ, સ્ટીલ-મેટલ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તોફાની તેજી જોવાઈ હતી. સેન્સેક્સ ૩.૯૫ ટકા એટલે કે ૨૯૪૬.૩૨ પોઈન્ટની છલાંગે ૭૭૫૬૨.૯૦ અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૩.૭૮ ટકા એટલે કે ૮૭૩.૭૦ પોઈન્ટના ઉછાળે ૨૩૯૯૭.૩૫ની સપાટીએ પહોંચી ગયા હતા.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શેરોમાં વેચવાલી ધીમી પડી માત્ર રૂ.૨૮૧૨ કરોડની રહી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી જળવાઈ રૂ.૪૧૬૮ કરોડની રહી હતી. શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૬.૨૫ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૫૧ લાખ કરોડ પહોંચ્યું હતું.
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં આજે ઈન્ટ્રા-ડે ૧૮થી ૨૦ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. મોડી સાંજે બેરલ દીઠ ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ભાવ ૧૭.૫૦ ટકા એટલે કે ૨૦ ડોલર તૂટીને ૯૩ ડોલર નજીક અને બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૬ ટકા એટલે કે ૧૭ ડોલર તૂટીને ૯૨ ડોલર નજીક રહ્યા હતા. ફોરેક્સ માર્કેટમાં પણ આજે યુદ્વ વિરામની અસરે અને તાજેતરના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સટ્ટોડિયો સામે કડક અંકુશોની અસરે રૂપિયામાં મજબૂતી આગળ વધી હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો ઝડપી મજબૂત બન્યો હતો. ડોલર સામે રૂપિયો ૪૧ પૈસા સુધરીને ૯૨.૫૮ રહ્યો હતો. યુદ્વ વિરામની અસરે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટીને ૯૯ની અંદર ઉતરતા બે સપ્તાહના તળીયે આવી ગયો હતો. દેશના ઝવેરી બજારોમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂપિયા ૩૦૦૦ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ રૂ.૧૨૦૦૦થી ૧૩૦૦૦ વધ્યા હતા.
વર્ષ 2026માં સેન્સેક્સના પ્રમુખ ઉછાળા
|
વર્ષ ૨૦૨૬ |
પોઈન્ટ |
|
૮,એપ્રિલ |
+૨૯૪૬ |
|
૩,ફેબુ્રઆરી |
+૨૦૭૨ |
|
૧૮, માર્ચ |
+૮૧૦ |
|
૬,એપ્રિલ |
+૭૮૦ |
|
૭,એપ્રિલ |
+૫૫૦ |


