Business

શેરબજારમાં ધબડકો : રોકાણકારોની સંપત્તિમાં રૂ.10 લાખ કરોડનું ધોવાણ

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં આજે શેરબજારમાં મોટો કડાકો બોલ્યો હતો. રિઝર્વ બેંકની કડક નીતિ અને વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે સેન્સેક્સ 1045 પોઈન્ટ તૂટી 71,593 પર, જ્યારે નિફ્ટી 371 પોઈન્ટ ઘટી 22,231 પર બંધ થયો. રોકાણકારોની સંપત્તિમાં ₹10.01 લાખ કરોડનું ધોવાણ થયું. વૈશ્વિક બજારોમાંથી પણ નબળા સંકેતો મળ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં ધબડકો : રોકાણકારોની સંપત્તિમાં રૂ.10 લાખ કરોડનું ધોવાણ
  • સેન્સેક્સ ૧૦૪૫ પોઈન્ટ તૂટીને ૭૧,૫૯૩ જ્યારે એનએસઈનો નિફ્ટી ઇન્ડેક્સ ૩૭૧.૨૫ પોઈન્ટ તૂટીને ૨૨,૨૩૧ ઉતરી આવ્યો

અમદાવાદ : રિઝર્વ બેંકની કડક નીતિ, વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી સહિતના અન્ય કારણોસર આજે ઘરેલુ શેરબજારમાં ગાબડું નોંધાયું હતું. ચોમેરની વેચવાલીના દબાણે આજે સેન્સેક્સ માં ૧૦૪૫ અને નિફ્ટીમાં ૩૭૧ પોઇન્ટ નો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સમાં બોલેલા કડાકાને પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસસઈ માર્કેટ કેપ.)રૂપિયા ૧૦.૦૧ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૪૬૦.૯૭ લાખ કરોડ રહ્યું હતું.
રિઝર્વ બેંક દ્વારા લગભગ સાડા ત્રણ વર્ષ પછી પહેલી વાર રેપો રેટમાં વધારો કરાયો છે. બજાર વિશ્લેષકોએ જણાવ્યું હતું કે મુશ્કેલ વૈશ્વિક ભૂરાજકીય પૃષ્ઠભૂમિ વચ્ચે કેન્દ્રીય બેંકનો પોતાનો વલણ તટસ્થથી ચુસ્ત કરવાનો નિર્ણય સંકેત આપે છે કે વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહી શકે છે. વૈશ્વિક બોન્ડમાં વેચાણ વધવાને કારણે બોન્ડ યીલ્ડ બહુ-વર્ષીય ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. યુએસમાં ૩૦-વર્ષીય બોન્ડ યીલ્ડ ૫.૭૧% થી ઉપર, બેન્ચમાર્ક ૧૦-વર્ષીય નોટ યીલ્ડ ૫.૩% થી ઉપર છે, જ્યારે બે-વર્ષીય નોટ યીલ્ડ ૪.૯% ની નજીક છે. ભારતીય બજારો માટે ક્રૂડ ઓઇલ સૌથી મોટી ચિંતાઓ પૈકીનું એક બનીને ઊભરી આવ્યું છે. મધ્ય પૂર્વમાંથી પુરવઠો ખોરવાઈ જવાની ચિંતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૩.૫% થી વધુ વધીને પ્રતિ બેરલ ૧૦૩ ડોલર પહોંચી ગયા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાં આક્રમક વેચવાલ રહ્યા છે. વિદેશી રોકાણકારો દ્વારા સતત કરવામાં આવતી વેચવાલીએ લાર્જ-કેપ શેરો પર દબાણ વધાર્યું છે. આ ઉપરાંત જે શેરોમાં અગાઉ મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો, તે શેરોમાં હવે પ્રોફિટ બુકિંગ (નફો વસૂલવાની પ્રક્રિયા) થઈ રહ્યું છે.
આજે વૈશ્વિક બજારોમાંથી પણ નબળા સંકેતો સાંપડતા હતા. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૨%થી વધુ ઘટયો હતો, જ્યારે જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગ સેંગ ૧%થી વધુ ઘટયા હતા.
ઉપરોક્ત અહેવાલો પાછળ આજે બજારમાં ગભરાટ ફેલાયો હતો. ચોમેરની વેચવાલી પાછળ ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી લગભગ ૨% ઘટીને એપ્રિલ ૨૦૨૫ પછીના સૌથી નીચા સ્તરે ઊતરી આવ્યો હતો. જે ૨૨,૧૭૯ ના ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરે જ્યારે સેન્સેક્સ ૧,૨૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૧,૪૦૦ ના સ્તરથી નીચે સરકી ગયો હતો.
આ અહેવાલો પાછળ આજે સેન્સેક્સ ૧૦૪૫.૪૬ પોઈન્ટ અથવા ૧.૪૪% તૂટીને ૭૧,૫૯૩.૨૪ પર ઉતરી આવ્યો હતો. સેન્સેક્સના ૩૦ માંથી ૨૭ શેર નુકસાન સાથે બંધ થયા હતા. એનએસઈનો નિફ્ટી ઇન્ડેક્સ ૩૭૧.૨૫ પોઈન્ટ અથવા ૧.૬૪% તૂટીને ૨૨,૨૩૧.૮૦ પર બંધ રહ્યો હતો.