શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઇન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI Image |
Market Crash : મંગળવારનો દિવસ શેરબજારના રોકાણકારો માટે 'અમંગળ' સાબિત થઈ રહ્યો છે. ઘટાડા સાથે ખુલેલું બજાર જોતજોતામાં ક્રેશ થઈ ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો સેન્સેક્સ ખુલ્યા બાદ સતત ગગડતો રહ્યો અને બપોરે 12 વાગ્યાની આસપાસ 1150 પોઇન્ટથી વધુ તૂટી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 300 પોઇન્ટથી વધુ નીચે સરકી ગઈ છે, જેના કારણે રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સ્વાહા થઈ ગયા છે.
માત્ર શેરબજાર જ નહીં, પરંતુ સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે કોમોડિટી માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ સોનાના ભાવમાં (Gold Rate) અચાનક મોટો ઘટાડો થયો છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.
જોતજોતામાં સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ
શેરબજારની વાત કરીએ તો, મંગળવારે સેન્સેક્સ અગાઉના 83,294 ના બંધની સરખામણીએ ઘટાડા સાથે 83,052 પર ખૂલ્યો હતો. ઓપનિંગ બાદ ઘટાડો ઝડપી બન્યો અને થોડી જ વારમાં સેન્સેક્સ 1157 પોઇન્ટ તૂટીને 82,137ના સ્તરે પહોંચી ગયો હતો.
સેન્સેક્સની જેમ નિફ્ટી-50માં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી સોમવારે 25,713ના સ્તરે બંધ થઈ હતી અને મંગળવારે 25,641 પર ખૂલી હતી. ત્યારબાદ નિફ્ટી 326 પોઇન્ટ ગગડીને 25,387ના સ્તરે આવી ગઈ હતી.
સોનું અચાનક આટલું સસ્તું થયું
કોમોડિટી માર્કેટમાં સોનાની ચાલ પણ બદલાયેલી જોવા મળી છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરીવાળું સોનું સોમવારે ₹1,61,598 (પ્રતિ 10 ગ્રામ) પર બંધ થયું હતું, જે મંગળવારે ઘટીને ₹1,60,295 સુધી પહોંચી ગયું હતું. એટલે કે સોનું ₹2303 સસ્તું થયું છે. આ ઘટાડા બાદ 24 કેરેટ સોનું તેના હાઇ લેવલથી ₹32,801 જેટલું સસ્તું મળી રહ્યું છે.
ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ
ચાંદીના ભાવમાં શરુઆતથી જ અસ્થિરતા જોવા મળી રહી છે. 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદી ગ્રીન ઝોનમાં ખૂલી હતી, પરંતુ અચાનક તેમાં ₹2100થી વધુનો ઘટાડો થયો હતો. જોકે, થોડી વાર બાદ તે ફરી રિકવર થઈને ગ્રીન ઝોનમાં આવી ગઈ હતી. અહેવાલ લખાય છે ત્યારે ચાંદી ₹1300ના ઉછાળા સાથે કારોબાર કરી રહી હતી, પરંતુ તેના હાઇ લેવલ(₹4,20,048 પ્રતિ કિલો)ની સરખામણીએ તે હજુ પણ આશરે ₹1.56 લાખ જેટલી સસ્તી મળી રહી છે.
(આંકડા સ્ટોરી લખાઈ રહી છે ત્યાં સુધીના છે)









