ડિજિટલ બૅન્ક કૌભાંડ બાદ આ દેશમાં રાતોરાત સત્તાપલટો! રાષ્ટ્રપતિને પદ પરથી હટાવી નજરકેદ કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Paraguay President Santiago Pena Impeached & Detained Over Ueno Bank Crisis | સત્તાની ટોચ પર બેઠેલા શાસકો જ્યારે નાણાકીય સંસ્થાઓ સાથે મિલીભગત કરીને પ્રજાના પૈસા જોખમમાં મૂકે છે, ત્યારે તેનું પરિણામ કેટલું ગંભીર હોઈ શકે તેનો દાખલો પેરાગ્વેમાં સામે આવ્યો છે. પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને ઉએનો બૅન્કના પતન અને નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલા કૌભાંડમાં સેનેટ દ્વારા સર્વાનુમતે મહાભિયોગ ચલાવીને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે. સત્તા છીનવાયાના ગણતરીના કલાકોમાં જ પ્રોસિક્યુટર્સે તેમની સામે ધરપકડનું વોરંટ પણ બહાર પાડી દીધું છે, જેના કારણે સમગ્ર દક્ષિણ અમેરિકાના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
પેરાગ્વેમાં 'ઉએનો બૅન્ક' (Ueno Bank) નામની એક ખાનગી ડિજિટલ બૅન્ક અચાનક ડૂબી ગઈ, જેના કારણે આશરે 30 લાખ સામાન્ય લોકોના પૈસા અને ખાતાઓ બ્લોક થઈ ગયા. તપાસમાં બહાર આવ્યું કે તત્કાલીન રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પહેલાં આ જ બૅન્કમાં શેરહોલ્ડર હતા અને તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને બૅન્કના જ એક પૂર્વ અધિકારીને બૅન્કિંગ રેગ્યુલેટર (સેન્ટ્રલ બૅન્ક)ના વડા બનાવી દીધા હતા. આટલું જ નહીં, કાયદાકીય મર્યાદા બહાર જઈને સરકારી પેન્શન ફંડના 35.5 કરોડ ડૉલર પણ નિયમો નેવે મૂકીને આ ખાનગી બૅન્કમાં જમા કરાવી દીધા હતા. જ્યારે બૅન્કનું સંકટ ઘેરું બન્યું અને લોકો રસ્તા પર આવ્યા, ત્યારે રાષ્ટ્રપતિએ કાનૂની રક્ષણ મેળવવા રાજીનામાનો દાવ ખેલ્યો; પરંતુ સેનેટે રાજીનામું ફગાવી 44-0થી મહાભિયોગ ચલાવી તેમને સત્તા પરથી હટાવી દીધા, તેમની આજીવન ઈમ્યુનિટી રદ કરી અને તેમને ઘરમાં નજરકેદ કર્યા, જ્યારે ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
સેનેટમાં 44-0થી ઐતિહાસિક વોટિંગ: બચાવની તક ન મળી
ઉએનો બૅન્ક સંકટ બાદ ઊભા થયેલા વિરોધ વચાળે પેરાગ્વેની સેનેટમાં પેના વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ 44 સેનેટરોએ તેમના વિરોધમાં અને પદ પરથી હટાવવાની તરફેણમાં એકમતથી મતદાન કર્યું હતું. જોકે, સેન્ટિયાગો પેનાએ પોતાનો બચાવ તૈયાર કરવા માટે વધારાના સમયની માગણી કરી હતી અને એવી દલીલ કરી હતી કે તેમને મહાભિયોગના આરોપોનું દસ્તાવેજ ગુરુવારે મોડી રાત્રે જ મળ્યું હતું. સેનેટે તેમની આ દલીલ ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે પેના પોતે બચાવ રજૂ કરવા માટે નિર્ધારિત સમયે હાજર રહ્યા નહોતા. ત્યારબાદ સેનેટે સીધા પુરાવાઓની સમીક્ષા શરૂ કરી દીધી હતી. જોકે કાર્યવાહીના અંતિમ તબક્કામાં તેમના બચાવ પક્ષના વકીલો કોંગ્રેસમાં પહોંચ્યા હતા, પણ ત્યાં સુધીમાં નિર્ણય લેવાઈ ચૂક્યો હતો.
વિશ્વાસઘાત, પેન્શન ફંડનો દુરુપયોગ અને 4 પ્રોસિક્યુટર્સની ટીમ
સ્થાનિક અખબાર ABC Colorના અહેવાલ મુજબ, આ મોટા બૅન્કિંગ કૌભાંડની તપાસ કરી રહેલી ચાર પ્રોસિક્યુટર્સની ટીમે પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ સામે વિશ્વાસઘાત સહિતના અન્ય ગુનાઓ હેઠળ ધરપકડનો આદેશ આપ્યો છે. આ આદેશ અમલમાં મૂકવા માટે નેશનલ પોલીસને મોકલી દેવાયો છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, પેના પર ખાનગી બૅન્ક સાથે હિતોના ટકરાવ, નિયમોમાં ગોટાળા અને સરકારી પેન્શન ફંડના દુરુપયોગ જેવા ગંભીર આરોપો લાગેલા છે.
30 લાખ ગ્રાહકોના ખાતા સીઝ અને બૅન્કિંગ સંકટ
આ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્ર ઉએનો બૅન્કનું અચાનક થયેલું પતન છે. સરકારી સત્તાવાળાઓએ જ્યારે ઉએનો બૅન્કમાં હસ્તક્ષેપ કર્યો ત્યારે પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે શરૂઆતના તબક્કામાં આશરે 30 લાખ ગ્રાહકો પોતાના જ બૅન્ક ખાતામાંથી નાણાં ઉપાડવા કે વ્યવહાર કરવા માટે લાચાર બની ગયા હતા. પ્રજાના આક્રોશ અને બૅન્કિંગ સિસ્ટમ ઠપ્પ થઈ જવાને કારણે આ મુદ્દો સીધો રાષ્ટ્રપતિની ખુરશી સુધી પહોંચ્યો હતો.
રાજીનામાનો દાવ નિષ્ફળ અને સંસદમાં ડ્રામા
મહાભિયોગની આબરૂ બચાવવા માટે પેનાએ ગુરુવારે જ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાનો દાવ ખેલ્યો હતો. પરંતુ સેનેટે તેમના રાજીનામાને 24 વિરુદ્ધ 20 મતોથી ફગાવી દીધું હતું. ત્યારબાદ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સાંસદોના વોકઆઉટના કારણે ચેમ્બર ઓફ ડેપ્યુટીઝમાં કોરમનો અભાવ સર્જાયો હતો. આમ છતાં, ચેમ્બર ઓફ ડેપ્યુટીઝે અગાઉ અલગથી પેના વિરુદ્ધ મહાભિયોગના આરોપોને મંજૂરી આપી દીધી હતી, જેના પગલે સેનેટમાં આ ટ્રાયલનો રસ્તો સાફ થયો હતો.
પેડ્રો અલિયાના નવા રાષ્ટ્રપતિ: ઓગસ્ટ 2028 સુધી સંભાળશે બાગડોર
સેન્ટિયાગો પેનાની હકાલપટ્ટી બાદ સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. અલિયાના હવે પેનાનો બાકી રહેલો કાર્યકાળ એટલે કે ઓગસ્ટ 2028 સુધી પૂર્ણ કરશે. સત્તા સંભાળતાની સાથે જ તેમણે પોતાના પ્રથમ સંબોધનમાં ઉએનો બૅન્ક કટોકટીથી પ્રભાવિત લાખો લોકોને મદદ કરવાની અને તેમની ફસાયેલી થાપણો પરત અપાવવા માટે કટોકટીના પગલાં ભરવાની ખાતરી આપી છે.
જનતા રસ્તા પર, સોમવારથી રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન
બૅન્ક ડૂબવાના કારણે રાજધાની અસુન્સિઓન સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. સેન્ટ્રલ બૅન્કના દાવા મુજબ વીમા કવચ હેઠળ મોટાભાગની નાની થાપણો સુરક્ષિત છે અને ગુરુવારથી 1 કરોડ ગુઆરાની સુધીની રકમ પરત આપવાની શરૂઆત થઈ છે. તેમ છતાં લોકોમાં ભારે આક્રોશ છે. પેન્શન ફંડની સલામતીની માગ સાથે શિક્ષકોના એક વિશાળ સંગઠને સોમવારથી અનિશ્ચિત મુદતની રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી દીધી છે.




