Get The App

રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04

- પાઉન્ડ તૂટી રૂ.૧૨૪ની અંદર: યુરોએ રૂ.૧૦૭ની સપાટી ગુમાવી: ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં પણ પીછેહટ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 1 - image

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તીવ્ર કડાકો બોલાતાં રૂપિયો સ્પ્રિંગની જેમ ઉછળ્યો હતો. અમેરિકાએ ભારત પરની ટેરીફ ઘટાડતાં તથા મુંબઈ શેરબજારમાં ૨૦૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો આવતાં મુંબઈ કરન્સી બજારમાં રૂપિયામાં પણ આજે મોટી તેજી આવી હતી. ડોલરના ભાવ રૂ.૯૧.૫૨ વાળા આજે સવારે રૂ.૯૦.૪૦ ખુલી ઉંચામાં ભાવ રૂ.૯૦.૫૨ થયા પછી નીચામાં ભાવ રૂ.૯૦.૦૪ થઈ રૂ.૯૦.૧૧ રહ્યા હતા.

રૂપિયા સામે આજે ડોલરના ભાવ ૧૪૧ પૈસા ગબડતાં ડોલર સામે રૂપિયો ૧.૫૪ ટકા ઉછળ્યો હતો. રૂપિયામાં આજે જોવા મળેલો મોટો ઉછાળો ડિસેમ્બર ૨૦૧૮ પછીનો સૌથી મોટા ઉછાળો હોવાનું બજારના જાણકાર જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૦.૨૨ ટકા ઘટયો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૭.૫૪ તથા નીચામાં ૯૭.૩૪ થઈ ૯૭.૪૨ રહ્યો હતો. અમેરિકામાં સરકારના આંશીક શટ ડાઉનના કારણે ત્યાં હવે જોબગ્રોથના આંકડા બહાર પડવામાં વિલંબ થશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૦૬ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૨૪ની અંદર રૂ.૧૨૩.૩૫ થઈ રૂ.૧૨૩.૩૯ રહ્યા હતા.  જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૨૦૩ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૦૭ની અંદર રૂ.૧૦૬.૪૮ થઈ રૂ.૧૦૬.૫૩ રહ્યા હતા. 

જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૧.૯૦ ટકા ગબડી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૧.૩૭ ટકા તૂટી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.