IPO બાદ શેરોના ઊંચા પ્રીમિયમે શેર બજારમાં લિસ્ટિંગ કરવાનો સટ્ટાકીય ખેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાચું વેલ્યુએશન કેટલું ? ઈસ્યુ ભાવથી ૧૦૦ ટકાથી વધુ પ્રીમિયમે શેરોનું લિસ્ટિંગ થવા લાગતાં સમીક્ષકોને સટ્ટાકીય તોફાનની શંકા
મુંબઈ : ભારતના પ્રાઈમરી માર્કેટમાં ફરી શંકા ઊપજાવે એવા અનેક ગણા ભરણાં છલકાવવાની અને ત્યાર બાદ આઈપીઓના શેરોનું શેર બજારો પર અસાધારણ પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી તોફાની તેજીનો અતિરેક થવા લાગ્યો છે. ઘણી કંપનીઓના ભરણાંને તાજેતરના દિવસોમાં મોટાપાયે છલકાવીને હવે લિસ્ટિંગમાં પણ અસાધારણ પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને લલચાવવાની શરૂઆત થઈ ગઈ છે.
તાજેતરના મહિનાઓમાં અનેક સંખ્યામાં આઈપીઓની વણઝાર ચાલી હોવા સાથે હવે ભરણાઓને અનેક ગણા છલકાવી દેવાનું અને હવે તો અસાધાણરણ ઊંચા ભાવે લિસ્ટિંગ કરાવી થઈ રહેલું તોફાન બજારના મોટા વર્ગમાં શંકા ઉપજાવી રહ્યું છે.કંપનીઓના ફંડામેન્ટલ અને આઈપીઓમાં બુક રનીંગ લીડ મેનેજરો દ્વારા રોડશો દરમિયાન ઈન્વેસ્ટરો તરફથી જબ્બર માંગ હોવાના દાવાઓ કરીને વેલ્યુએશન મૂકવામાં આવી રહ્યું હોવા સાથે હવે આ વેલ્યુએશનથી પણ આગળ નીકળી જઈ લિસ્ટિંગમાં આશંકા ઉપજાવે એવા ઊંચા ભાવે શેરો લિસ્ટ થતાં જોવાઈ રહ્યા છે. અગાઉ ઘણી કંપનીઓના શેરોના વેલ્યુએશનથી ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થતું હોવાનું રોકાણકારોમાં નિરાશા છવાતાં ઈન્વેસ્ટરોનો આઈપીઓમાં રોકાણ કરવામાં નિરૂત્સાહ જોવાઈ રહ્યો હતો. હવે બજારના અમુક જાણકારોમાં થઈ રહેલી ચર્ચા અને બતાવાતા આશ્ચર્ય મુજબ અત્યારે એવું તો શું થઈ ગયું અને વેલ્યુએશન એવા તે શું રાતોરાત બદલાઈ ગયા કે શેરોનું અસાધારણ ૧૦૦ ટકાથી વધુ પ્રીમિયમે લિસ્ટિંગ થઈ અસાધારણ ગેઈન બતાવાઈ રહ્યો છે?સમીક્ષકોના મતે અગાઉ કંપનીઓના ઊંચા વેલ્યુએશન બતાવીને ભરણા છલકાવીને બાદમાં લિસ્ટિંગમાં ફિયાસ્કો થતો જોવાતો હતો. જ્યારે હવે વેલ્યુએશન કરતાં પણ અસાધારણ ઊંચા ૧૦૦ ટકાથી વધુ ભાવે થઈ શેરોનું લિસ્ટિંગ ફંડામેન્ટલ કરતાં સટ્ટાકીય પ્રવૃતિનો અતિરેક વધુ હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. જેથી રોકાણકારોએ પણ આ પ્રકારે થઈ રહેલા તોફાનમાં લલચાઈ ન જઈને સાવચેત રહેવાની જરૂર છે. લિસ્ટિંગ ઊંચા ભાવે થતું જોઈને ખરીદવાની દોટ મૂકવી સલાહભર્યું નથી. કંપનીઓના ફંડામેન્ટલ તપાસવા જરૂરી છે અને લિસ્ટિંગના થોડા દિવસો બાદ તોફાન શાંત થવા સુધી રોકાણમાં રાહ જોવી હિતાવહ છે.




