Get The App

30 અબજ ડોલરની નિકાસ સાથે સ્માર્ટફોન ભારતમાં ટોચનું ક્ષેત્ર

- ભારત હવે વિશ્વનું સ્માર્ટફોન ઉત્પાદન કેન્દ્ર

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
30 અબજ ડોલરની નિકાસ સાથે સ્માર્ટફોન ભારતમાં ટોચનું ક્ષેત્ર 1 - image

અમદાવાદ : ૨૦૨૫માં ભારતમાં ઉત્પાદિત ૩૦ અબજ ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી છે. આ સાથે મોબાઈલ એક્સપોર્ટ સેગમેન્ટ ભારતનું ટોચનું નિકાસ ક્ષેત્ર બની ગયું છે તેમ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે  જણાવ્યું હતું.

ભારત હવે વિશ્વનું સ્માર્ટફોન ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, જાન્યુઆરી-ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન દેશની સ્માર્ટફોન નિકાસ ૩૦ અબજ ડોલર હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન, દેશમાં આશરે ૬૦ બિલિયન ડોલર એટલેકે રૂ. ૫.૫ લાખ કરોડના મોબાઇલ ફોનનું ઉત્પાદન થયું હતું, જ્યારે આ સમયગાળા દરમિયાન નિકાસ આશરે ૨૨ બિલિયન ડોલર એટલેકે રૂ. ૨ લાખ કરોડ આસપાસ હતી.

૨૦૨૫માં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાંથી કુલ નિકાસ ૪૪ બિલિયન ડોલર અર્થાત રૂ. ૪ લાખ કરોડથી વધુ થવાનો અંદાજ છે. આ વર્ષે ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઉત્પાદન શરૂ કર્યા પછી આ ક્ષેત્રની નિકાસમાં વધુ વધારો થવાની ધારણા છે. 

માર્કેટ એક્સપર્ટના અંદાજ અનુસાર ચીન પર અમેરિકાના ટેરિફ પછી એપલે ભારતમાં ઉત્પાદન વધારીને દેશને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપી છે. ભારત ૨૦૨૫માં લગભગ ૩૦ કરોડ મોબાઇલ ફોનનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે અને દર ચાર સ્માર્ટફોનમાંથી એક નિકાસ કરવામાં આવશે. ઊંચી સરેરાશ વેચાણ કિંમત  સાથે યુએસ બજારમાં એપલ, સેમસંગ અને મોટોરોલાની મજબૂત માંગે નિકાસ મૂલ્યને રેકોર્ડ સ્તરે પહોંચાડયું છે. 

ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઈડીસી) અનુસાર એપલે ૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં સ્થાનિક બજારમાંથી ૫૦ લાખ આઇફોન સપ્લાય કર્યા હતા, જે અત્યાર સુધીના કંપનીના કોઈપણ એક ત્રિમાસિકગાળામાં સૌથી વધુ છે.