ચાર મહિના આઉટફલો બાદ સિલ્વર ઈટીએફમાં વિક્રમી ઈન્ફલો જોવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂન મહિનામાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણકારોનું ફરી આકર્ષણ જોવાયું
મુંબઈ : સમાપ્ત થયેલા જૂનમાં સિલ્વર એકસચેેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રૂપિયા ૪૨૮૬ કરોડનો વિક્રમી ઈન્ફલોસ જોવા મળ્યો છે. સતત ચાર મહિના સુધી આઉટફલોસ રહ્યા બાદ જૂનમાં સિલ્વર ઈટીએફસમાં ઈન્ફલોસ જોવા મળ્યો હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે.
વર્તમાન વર્ષમા ફેબુ્રઆરીથી મેના ગાળામાં આ સેગમેન્ટસમાં સતત રિડમ્પશનનું દબાણ રહ્યું હતું. ઊંચા ભાવેથી ચાંદીમાં પીછેહઠ થતા રોકાણકારોએ પોતાના રોકાણ પાછા ખેંચ્યા હતા. જો કે જૂનમાં નીચા ભાવે રોકાણકારો ફરી પાછા કિંમતી ધાતુ તરફ વળ્યાનું જોવા મળી રહ્યું છે.
ચાંદીના ભાવમાં આવેલા કરેકશનને કારણે સિલ્વર ઈટીએફસની એસેટ અન્ડર મેનેજમેન્ટ જે મેમાં રૂપિયા ૮૬૨૧૭ કરોડ હતી તે જૂનમાં ઘટી રૂપિયા ૭૮૯૪૩ કરોડ પર આવી ગઈ હતી.જૂનમાં રિટેલ સહભાગમાં વધારો થયો હતો અને સિલ્વર ઈટીએફ ફોલિઓ વધી ૫૩.૯૩ લાખ જોવા મળ્યો હતો. સિલ્વરની જેમ ગોલ્ડ ઈટીએફસમાં પણ રોકાણકારોનું ગત મહિને આકર્ષણ રહ્યું હતું. ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોનો રૂપિયા ૩૪૪૩ કરોડનો નેટ ઈન્ફલોસ રહ્યો હતો. ગોલ્ડ ઈટીએફસની એયુએમ જે મેમાં રૂપિયા ૧.૮૪ લાખ કરોડ હતી તે ભાવ કરેકશનને પરિણામે ઘટી જૂનમાં રૂપિયા ૧.૭૦ લાખ કરોડ પર આવી ગઈ હતી.
કિંમતી ધાતુમાં કરેકશનને રોકાણકારો ખરીદીની તક તરીકે લઈ રહ્યા હોવાનું એમ્ફીના સુત્રોએ જણાવ્યું હતું.
કિંમતી ધાતુમાં ભારતના રોકાણકારોએ વૈશ્વિક ટ્રેન્ડથી વિપરીત જૂનમાં ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં નોંધપાત્ર રોકાણ કર્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. ગત મહિનામાં દેશના ગોલ્ડ ઈટીએફસમાં ૩૮.૮૦ કરોડ ડોલરનો ઈન્ફલો રહ્યો હતો.
રોકાણકારો હજુપણ સોનાના ભાવમાં વધારો થવાના આશાવાદ સાથે નીચા ભાવે ઈટીએફ મારફત કિમતી ધાતુમાં નાણાં ઠાલવી રહ્યા છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
આ અગાઉ મેમાં ૬.૧૦ કરોડ ડોલરનો આઉટફલો જોવા મળ્યો હતો. સરકારે ગોલ્ડની આયાત પર ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારો કરતા સોનાના ભાવમાં રેલી આવી હતી જેનો રોકાણકારોએ પ્રોફિટ બુક કરવામાં લાભ લઈ લીધો હતો.
વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં તેની ટોચેથી ૨૫ ટકા જેટલું કરેકશન જોવા મળ્યું છે.
જો કે વૈશ્વિક રોકાણકારોએ જૂનમાં ગોલ્ડ ઈટીએફમાંથી પોતાના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હતો. વૈશ્વિક રોકાણકારોનો ગત મહિને ગોલ્ડ ઈટીએફસમાં ૮.૯૦ અબજ ડોલરનો આઉટફલો રહ્યો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વના નવા ચેરમેને વ્યાજ દરમાં વધારો થવાના આપેલા સંકેત બાદ રોકાણકારો ગોલ્ડમાંથી નીકળીને ડોલર તરફ વળવા લાગ્યા છે.









