Gold New Rule SGB Tax : ભારતમાં સોના પર મળતી ટેક્સ છૂટને લઇને એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) હેઠળ સેકન્ડરી માર્કેટ(શેરબજાર)માંથી સોનું ખરીદવા પરના નિયમો બદલાઈ રહ્યા છે. અત્યાર સુધી, મેચ્યોરિટી પૂરી થયા પછી SGBના વેચાણ પર કોઈ કેપિટલ ગેઇન ટેક્સ આપવો પડતો નહોતો, પરંતુ હવે આ છૂટ નાબૂદ કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે, જો કોઈ વ્યક્તિ 1 એપ્રિલથી સેકન્ડરી માર્કેટમાં મેચ્યોરિટી પૂરી થયા પછી SGBની લેવડ-દેવડ કરે છે, તો તેણે કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. આ નિયમમાં ફેરફાર ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવ્યો છે.
શું કહે છે નિષ્ણાતો?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2026થી ટેક્સ ફ્રી લાભ માત્ર એવા રોકાણકારોને જ મળશે જેમણે પ્રાયમરી ઇશ્યુ(Primary Issue) દરમિયાન સીધા RBI દ્વારા SGB ખરીદ્યા હોય અને તેને મેચ્યોરિટી (પરિપક્વતા) સુધી પોતાની પાસે રાખ્યા હોય. જો તમે શરુઆતના ઇશ્યુ દરમિયાન સીધા RBI પાસેથી બોન્ડ ખરીદ્યા નથી અને બજારમાંથી લીધા છે, તો સરકાર તમારા નફા પર ટેક્સ વસૂલશે. આ ફેરફારથી હવે રોકાણકારોના બે પ્રકાર પડી જશે.
ટેક્સની ગણતરી કેવી રીતે બદલાશે?
અત્યાર સુધી રોકાણકારો એક્સચેન્જ પરથી ઓછા ભાવે SGB ખરીદીને મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી નફો મેળવતા હતા, જે વ્યૂહરચના હવે નબળી પડી છે.
આ બાબતને ઉદાહરણ દ્વારા સમજીએ તો જો તમે એક્સચેન્જમાંથી એક SGB 7,000 રૂપિયામાં ખરીદ્યો. મેચ્યોરિટી સમયે તેની કિંમત 11,000 રૂપિયા થઈ તો તમને નફો 4,000 રૂપિયા થયો. નવા નિયમ અંતર્ગત આ 4,000 રૂપિયાના નફા પર 12.5% લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ટેક્સ વસૂલાશે. એટલે કે, તમારે દરેક બોન્ડ દીઠ 500 રૂપિયા ટેક્સ ભરવો પડશે. પહેલા આ પૂરેપૂરો નફો રોકાણકારનો રહેતો હતો. તેને એક પણ રૂપિયો ટેક્સ સ્વરૂપે ચૂકવવો પડતો નહોતો.
આ ફેરફારથી સેકન્ડરી માર્કેટમાંથી ડિસ્કાઉન્ટ ભાવે SGB ખરીદીને ટેક્સ-ફ્રી રિટર્ન મેળવવાની તક હવે ખતમ થઈ ગઈ છે. જો તમે ટેક્સ બચાવવા માંગતા હોવ, તો સીધા RBIના ઇશ્યુ વખતે જ સબસ્ક્રિપ્શન લેવું હિતાવહ રહેશે.


