મુંબઈ : વિશ્વ અત્યારે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ચાઈના, રશીયા બાદ હવે અમેરિકાની વિસ્તારવાદી નીતિના પરિણામે નાના-નાના દેશોનું અસ્તિત્વ જોખમમાં મૂકાવા લાગ્યું છે અને જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું છે. જ્યારે બીજી તરફ આર્થિક મોરચે વિશ્વને ટેરિફ શસ્ત્રથી હંફાવનારા ટ્રમ્પને અમેરિકા માટે અપેક્ષિત પરિણામો નહીં મળતાં વધુ ટેરિફની એક યા બીજા કારણોસર ધમકી આપતાં રહીને પોતાનું ધાર્યું કરાવવાની કોશીષ કરી રહ્યા છે. જે વૈશ્વિક બજારોના સેન્ટીમેન્ટને હજુ ડહોળતું રહેશે એવી શકયતા છે. અલબત મોદી સરકારે ટેરિફ ધમકી કે એનજીૅ સિક્યુરિટીના ભોગે કોઈ વૈશ્વિક વેપાર સમજૂતી નહીં કરવાના અને એમાં હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ સ્પષ્ટ કરી દેતાં આ મક્કમ નિર્ધારને જોતાં આગામી દિવસોમાં ભારતની અમેરિકા સાથે કોઈપણ ટ્રેડ ડિલમાં ભારતનો હાથ ઉપર રહેવાની પૂરી શકયતાએ સેન્ટીમેન્ટમાં એકાએક પલટો આવી શકે છે.અમેરિકાના અંકુશો સામે તમામ વૈશ્વિક વિકલ્પો સંશોધતા રહીને સરકાર પણ યુરોપ, એશીયાના અન્ય દેશો સાથે ટ્રેડ સમજૂતી કરીને આર્થિક મોરચે જોખમની અસર ઘટાડવાના જે સરાહનીય પ્રયાસ કરી રહી છે એ પણ બજારમાં કરેકશન બાદ મોટી રિકવરી આપી શકે છે. કોર્પોરેટ પરિણામોની સીઝન અને વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૫૦૦થી ૮૨૫૦૦ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૬૦૦૦થી ૨૫૦૦૦ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા રહેશે.
અર્જુનની આંખે : FORCE MOTORS LTD.
બીએસઈ (૫૦૦૦૩૩), એનએસઈ (FORCEMOT) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ,ફોર્સ મોટર્સ લિમિટેડ(FORCE MOTORS LIMITED), દેવા મુક્ત, ભારતીય બહુરાષ્ટ્રીય-મલ્ટિનેશનલ કંપની છે. બજાજ-ટેમ્પો સંયુક્ત સાહસમાં મૂળ ધરાવતી હોવા સાથે વધુ વૈશ્વિક વિસ્તરણની યોજના ધરાવતી કંપની વૈશ્વિક સ્તરે કાર્યરત છે, આંતરરાષ્ટ્રીય બજારોમાં સર્વિસિઝ આપે છે અને રોલ્સ-રોયસ, બીએમડબલ્યુ અને મર્સિડીઝ-બેન્ઝ જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે સંયુક્ત સાહસો અને સપ્લાય એગ્રીમેન્ટ્સ ધરાવે છે. જાન્યુઆરી ૨૦૨૩માં ફોર્સ મોટર્સે અર્બેનીયા બ્રાન્ડ, લાઈટ કમર્શિયલ વ્હીકલ રજૂ કર્યું હતું, જેણે ભારતમાં કંપનીની ઓળખ બદલી નાખી છે. ફોર્સ મોટર્સ પાસે પણ તે જ શ્રેણીમાં ટ્રાવેલર બ્રાન્ડ છે. આ ઉપરાંત મોનોબસ બસો અને મોડયુલર યુટિલિટી માટે બ્રાન્ડ છે. વાહનોમાં ટ્રેક્સ અને ગુરખા બ્રાન્ડ્સ જીપ છે. ફોર્સ મોટર્સ એમ્બ્યુલન્સ, સ્કુલ બસ અને બેંકની કેશ કેરી વાન પણ બનાવે છે. કંપની ઓટોમોટિવ કોમ્પોનન્ટ્સ અને વાહનોના ડેવલપમેન્ટ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે પ્રવૃત છે. તેના ઉત્પાદનોની શ્રેણીમાં લાઈટ કમર્શિયલ વ્હીકલ્સ (એલસીવી), મલ્ટિ-યુટિલિટી વ્હીકલ્સ (એમયુવી), સ્મોલ કમર્શિયલ વ્હીકલ્સ (એસસીવી), સ્પેશ્યલ વ્હીકલ્સ (એસવી) અને એગ્રી ટ્રેકટરનો સમાવેશ થાય છે.
કંપની તેની સબસીડિયરી કંપની ટેમ્પો ફાઈનાન્સ (વેસ્ટ) દ્વારા ફાઈનાન્શિયલ સર્વિસિઝ પૂરી પાડે છે અને તેની સંયુક્ત સાહસ કંપની ફોર્સ એમટીયુ પાવર સિસ્ટમ્સ દ્વારા તે એન્જિન અને જનરેટર સેટનું ઉત્પાદન કરે છે. ફોર્સ મોટર્સે ડેમલર, બીએમડબલ્યુ, રોલ્સ-રોયસ, ઝેડએફ, બોશ, માન વગેરે જેવા વૈશ્વિક ઓટોમોટિવ નામો સાથે ભાગીદારી કરી છે. તે મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા અને બીએમડબલ્યુ-ઈન્ડિયા માટે એન્જિન અને એક્સેલનું ઉત્પાદન કરે છે. આજ સુધી કંપનીએ મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા માટે ૧,૫૦,૦૦૦થી વધુ એન્જિન અને ૧,૪૦,૦૦૦થી વધુ એક્સેલ તેમ જ બીએમડબલ્યુને ૭૦,૦૦૦થી વધુ એન્જિન પૂરા પાડયા છે. કંપની એલસીવી સ્કૂલ બસો અને એમ્બ્યુલન્સ સેગ્મેન્ટમાં ૭૦ ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ તાજેતરમાં વાનની એક નવી શ્રેણી રજૂ કરી છે, જે ટ્રાવેલર શ્રેણીનું વિસ્તરણ છે, જે બ્રાન્ડ નામ અર્બનિયા હેઠળ છે, એક મોનોકોક ૩૩ અને ૪૧-સીટર મોનો-બસ છે. કંપનીએ ગુરખાનું નવું પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે.
વર્ષ ૨૦૧૫માં બીએમડબલ્યુ એ ફોર્સ મોટર્સને ભારતમાં બનનારી તમામ સેડાન અને એસયુવી માટે એન્જિનનું ઉત્પાદન અને પરીક્ષણ કરવાનું કામ સોંપ્યું. ૨૦૧૬માં, ફોર્સ મોટર્સે ભારતમાં બનનારી તમામ મર્સિડીઝ-બેન્ઝ કાર અને એસયુવી માટે એન્જિન અને એક્સેલ બનાવવા માટે ચાકનમાં મર્સિડીઝ-બેન્ઝ માટે એક સમર્પિત સુવિધા શરૂ કરી હતી. ત્યાર બાદ ચેન્નઈમાં રેકોર્ડ નવ મહિનામાં કાર્યરત, બીએમડબલ્યુના ચોક્કસ ધોરણોને પૂર્ણ કરતી એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપવામાં આવી હતી. માર્ચ ૨૦૧૮માં ફોર્સ મોટર્સે રોલ્સ-રોયસ પાવર સિસ્ટમ્સ એજી સાથે સંયુક્ત સાહસ કરાર કર્યો હતો. આ સાહસ ફોર્સ એમટીયુ પાવર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ નામનું છે. જે ભારતમાં ૧૦ અને ૧૨-સિલિન્ડર, ૧૬૦૦ એન્જિન (૫૪૫એચપીથી ૧૦૫૦એચપી)નું ઉત્પાદન કરે છે અને વિશ્વભરમાં સપ્લાય કરે છે.
કંપની ઉત્પાદનોની શ્રેણીને વિસ્તૃત કરવા દર વર્ષે આર એન્ડ ડી પર આવકના ૫થી ૬ ટકા ખર્ચ કરે છે. કંપનીએ આગામી ત્રણ નાણાકીય વર્ષમાં રૂ.૧૫૦૦થી રૂ.૧૭૦૦ કરોડના મૂડી ખર્ચ કરવાની યોજના કરી છે, જે ડેટ અને આંતરિક નાણા સ્ત્રોતના મિશ્રણ થકી પૂરૂ પાડવામાં આવે એવી અપેક્ષા છે. ફોર્સ મોટર્સે ૩૧, માર્ચ ૨૦૨૪ના ટ્રેકટર બિઝનેસને અસરકારક રીતે બંધ કરી દીધો, જેણે અગાઉ એગ્રી ટ્રેકટર વેચાણ દ્વારા આવકમાં ફાળો આપ્યો હતો.
મેન્યુફેકચરીંગ સવલતો : (૧) ફોર્સ મોટર્સ-પીથમપુર, ૩૦૦થી વધુ એકરનો સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ મધર પ્લાન્ટ, બોડી વેલ્ડિંગથી લઈને પેન્ટિંગ અને અંતિમ એસેમ્બલી સુધીના સંપૂર્ણ ઉત્પાદન પ્રોસેસ કરે છે. જેમાં એન્જિન, ગિયરબોક્સ અને એક્સલ્સના ઈન-હાઉસ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. (૨) ફોર્સ મોટર્સ - ચાકણ, પૂણે, આ અત્યાધુનિક સુવિધા ભારતમાં બનેલી મર્સિડીઝ-બેન્ઝ કાર અને એસયુવી માટે એન્જિન અને એક્સલ્સનું ઉત્પાદન કરે છે. (૩) ફોર્સ મોટર્સ - ચેન્નઈ, આ અત્યાધુનિક સુવિધા ભારતમાં બનેલી બધી બીએમડબલ્યુ કાર અને એસયુવી માટે એન્જિન અને કૂલિંગ મોડયુલનું ઉત્પાદન કરે છે. (૪) ફોર્સ એમટીયુ સંયુક્ત સાહસ - ચાકણ, પૂણે, રોલ્સ રોયસ પાવર સિસ્ટમ્સ એજી સાથે સંયુક્ત સાહસ હેઠળ સ્થાપિત, આ સુવિધા એકમાત્ર ઉત્પાદન પ્લાન્ટ છે, જે વૈશ્વિક બજારો માટે શ્રેણી ૧૬૦૦ એન્જિનનું ઉત્પાદન કરે છે. (૫) ફોર્સ મોટર્સ - આકુર્ડી, પૂણે ફોર્સ મોટર્સની આકુર્ડી ખાતેની કોર્પોરેટ ઓફિસ એન્જિનિયરીંગ અને આર એન્ડ ડી સેન્ટર, ટુલ રૂમ, ટેસ્ટિંગ સેન્ટર, જેમાં એનવીએચ લેબનો સમાવેશ થાય છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૧૫ ટકા વૃદ્વિએ રૂ.૮૦૭૨ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૩૬ ટકા વધીને રૂ.૮૪૩ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૮૫ ટકા થકી ચોખ્ખો નફો ૩૯ ટકા વધીને રૂ.૬૩૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૮૦ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૨૨ ટકા વધીને રૂ.૨૨૯૭ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૫૪ ટકા વધીને રૂ.૨૮૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૬૬ ટકા થકી ચોખ્ખો નફો ૫૨ ટકા વધીને રૂ.૧૭૬ કરોડ હાંસલ કરી શેર દીઠ-ઈપીએસ રૂ.૧૩૩.૮૨ નોંધાવી છે.
(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૭.૨૨ ટકા વધીને રૂ.૨૦૮૧ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૨૧ ટકા ઘટીને રૂ.૩૧૬ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૬.૮૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૬ કરોડની ડેફર્ડ ટેક્ષની જોગવાઈના કારણે રૂ.૩૫૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૬૬.૧૪ હાંસલ કરી છે.
(૪) પ્રથમ છમાસિક એપ્રિલ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૧૪.૪૨ ટકા વધીને રૂ.૪૩૭૯ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો ૫૧ ટકા વધીને રૂ.૫૯૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૮ કરોડની ડેફર્ડ ટેક્ષની જોગવાઈના કારણે રૂ.૫૨૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૯૯.૯૬ હાંસલ કરી છે.
(૫) અપેક્ષિત બીજા છમાસિક ઓકટોબર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૩૪ ટકા વધીને રૂ.૫૭૦૦ કરોડ મેળવી અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૮૬૦ કરોડ અને નેટ પ્રોફિટ માર્જન-એનપીએમ ૧૧.૩૨ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૬૪૫ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૯૦ અપેક્ષિત છે.
(૬) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૨૫ ટકા વૃદ્વિએ રૂ.૧૦,૦૭૯ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૭૨ ટકા વધીને રૂ.૧૪૫૫ કરોડ નોંધાવી, અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૬૩ ટકા થકી ચોખ્ખો નફો ૪૬ ટકા વધીને રૂ.૧૧૭૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮૯૦ અપેક્ષિત છે.
વાહનોનું વેચાણ : ત્રીજા ત્રિમાસિક ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૫માં વેચાણ ઐતિહાસિક હાંસલ કર્યું છે. સામાન્ય રીતે આ સમયગાળો મંદ-નબળી સીઝનના હોય છે, એમાં કંપનીએ ગત વર્ષના સમાનગાળાના ૬૦૬૭ વાહનોની તુલનાએ ૪૫ ટકા વધીને ૮૭૬૬ વાહનોનું વેચાણ હાંસલ કર્યું છે. પ્રથમ નવમાસિકમાં કંપનીનું વાહનોનું વેચાણ ૨૧,૧૭૧થી ૨૨ ટકા વધીને ૨૫,૭૬૬ વાહનોનું કર્યું છે.
આવક : વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૩૨૪૦ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૫૦૨૮ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૬૯૯૨ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૮૦૭૨ કરોડ, અપેક્ષિત વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૧૦,૦૭૯ કરોડ
શેર દીઠ આવક-ઈપીએસ : વર્ષ ૨૦૨૧-૨૨માં (- રૂ.૬૯.૧૩), વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧૦૧.૪૩, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨૯૪.૫૪, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૬૦૭.૭૧, અપેક્ષિત વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૮૯૦
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૫૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૪૦૦ ટકા
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૩૫૬, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૪૬૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૭૬૫, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૩૫૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૩૨૪૫
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : પાંચ વર્ષમાં ૨૧ ટકા, ત્રણ વર્ષમાં ૩૬ ટકા, ટીટીએમ ૧૫ ટકા
ક્મ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : પાંચ વર્ષમાં ૪૭ ટકા, ત્રણ વર્ષમાં ૧૦૦ ટકા, ટીટીએમ ૭૨ ટકા
શેર ભાવ સીએજીઆર : પાંચ વર્ષમાં ૭૧ ટકા, ત્રણ વર્ષમાં ૧૩૬ ટકા, એક વર્ષમાં ૨૦૬ ટકા
ઈક્વિટી પર વળતર-આરઓઈ : પાંચ વર્ષમાં ૮ ટકા, ત્રણ વર્ષમાં ૧૫ ટકા, પાછલા વર્ષમાં ૨૧ ટકા
બોનસ શેર ઈતિહાસ : વર્ષ ૧૯૭૩માં ૧:૧, વર્ષ ૧૯૭૮માં ૧:૧, વર્ષ ૧૯૮૬માં ૧:૧
ઉદ્યોગની કંપનીઓના પી/ઈ રેશીયો : અશોક લેલેન્ડ ૩૧, એસએમએલ મહિન્દ્રા ૪૨ ટકા, ફોર્સ મોટર્સ ૨૩
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર ફિરોદિયા ફેમિલી પાસે ૬૧.૬૩ ટકા, એફઆઈઆઈઝ પાસે ૧૦.૨૭ ટકા, એચએનઆઈ અને સંસ્થાઓ પાસે ૮.૦૬ ટકા અને રિટેલ પાસે ૨૦.૦૪ ટકા છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)ભારતીય મલ્ટિનેશનલ, ૪૭ ટકા સીએજીઆર નફા વૃદ્વિ ધરાવતી, ડેટ-ફ્રી, ફોર્સ મોટર્સ લિમિટેડ, બીએમસડબલ્યુ, મર્સિડીઝ બેન્ઝ અને રોલ્સ રોયસ સાથે સંયુક્ત સાહસ ધરાવતી, ત્રણ બોનસ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૪૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, લીન સીઝન ત્રીજા ત્રિમાસિકમાં વાહનોના વેચાણમાં ૪૫ ટકા વૃદ્વિ હાંસલ કરનાર, અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮૯૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૨૪૫ સામે શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૨૦,૫૮૦ ભાવે એલસીવી/એચસીવી ઉદ્યોગના ૩૫ના પી/ઈ સામે ૨૩ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.


