સેન્સેક્સમાં 1000 તો નિફ્ટીમાં 250થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 4 લાખ કરોડ ધોવાયા, બજાર તૂટવાના 4 કારણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market and Sensex-Nifty News : ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. બજારની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી, પરંતુ ત્યારબાદ એવી ભારે વેચવાલી આવી કે બજાર ક્રેશ થઈ ગયું. બપોરના સુમારે સેન્સેક્સ તેની દિવસની ઉચ્ચ સપાટીથી 1000 અંકથી વધુ ગગડી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 250થી વધુ પોઇન્ટ તૂટીને 23000ની નીચે આવી ગયો હતો.
માર્કેટ કેપમાં મોટો ઘટાડો
આ અચાનક આવેલા કડાકાના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) પર લિસ્ટેડ કંપનીઓના રોકાણકારોના અંદાજે 4 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. આ સાથે જ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 472 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 468 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
બજારમાં ભારે ઘટાડાના 4 મુખ્ય કારણો:
- બૅન્કિંગ શેરોમાં ભારે વેચવાલી:
પ્રાઇવેટ બૅન્કોના નબળા દેખાવે બજારની કમર ભાંગી નાખી છે. HDFC બૅન્કના શેર લગભગ 2% ગગડ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો બાદ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) પર દબાણ અને નફાની શિથિલ વૃદ્ધિને કારણે રોકાણકારોમાં ચિંતા ફેલાઈ હતી. આ ઉપરાંત એક્સિસ બૅન્ક, કોટક બૅન્ક, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સમાં પણ 1.72%થી 3.80% સુધીનો ઘટાડો નોંધાયો છે.
- ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો:
અંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ(Crude Oil)ના ભાવ 108 ડૉલર પ્રતિ બેરલની ઉપર જળવાઈ રહેતા ભારતીય અર્થતંત્ર પર દબાણ વધ્યું છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર હોવાથી મોંઘું ક્રૂડ ઓઇલ દેશના આયાત બિલ અને ફુગાવાને વધારે છે, જેની સીધી અસર કંપનીઓના માર્જિન પર પડે છે.
- વૈશ્વિક બજારોના નબળા સંકેતો:
એશિયન બજારોમાં પણ નરમાઈ જોવા મળી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) સાથે જોડાયેલી કંપનીઓમાં મોટા પાયે ફંડિંગ અને રોકાણને લઈને ઊભી થયેલી ચિંતાઓને કારણે ટૅક્નોલૉજી શેરો દબાણ હેઠળ રહ્યા છે, જેનાથી વૈશ્વિક સ્તરે રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગડ્યું છે.
- ઇન્ડિયા VIX(વોલેટિલિટી ઇન્ડેક્સ)માં ઉછાળો:
બજારમાં અસ્થિરતા અને ઉતાર-ચઢાવ દર્શાવતો ઇન્ડિયા VIX આશરે 4% વધીને 14.52ના સ્તરે પહોંચી ગયો છે. VIXમાં આ તેજી બજારમાં વધતી અનિશ્ચિતતા અને આગામી દિવસોમાં વધુ વધઘટ થવાની આશંકા દર્શાવે છે.
આગળ બજારની ચાલ કેવી રહેશે?
આવતીકાલે (20 ઑક્ટોબર) દશેરાના તહેવાર નિમિત્તે ભારતીય શેરબજાર બંધ રહેશે. જો કે, બજાર ખુલ્યા બાદ રોકાણકારોની નજર ક્રૂડ ઓઇલના ભાવ, વૈશ્વિક વલણો અને કોર્પોરેટ ક્વાર્ટરના પરિણામો પર રહેશે. બૅન્કિંગ શેરોની આગામી ચાલ પણ બજારની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.




