Business

સેન્સેક્સ 423 પોઈન્ટ ગબડીને 76619

By GS Team
18 Jan 20254 mins read
This article was originally published on 18 Jan 2025
સેન્સેક્સ 423 પોઈન્ટ ગબડીને 76619

મુંબઈ : સપ્તાહના અંતે શેરોમાં ફરી ઉછાળે સાવચેતી સાથે ફંડો, રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછી નુકશાનીએ શેરો વેચીને હળવા થવાનું પસંદ કરતાં સુધારાને બ્રેક લાગી બજાર ઘટાડા તરફી થઈ ગયું હતું. આરંભથી જ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ઈન્ફોસીસના ગઈકાલે સાધારણ પરિણામ પાછળ મોટું ઓફલોડિંગ થતાં નરમાઈ તરફી થઈ ગયેલા બજારમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટા  કડાકો બોલાઈ જતાં પીછેહઠ જોવાઈ હતી. અલબત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ અપેક્ષાથી સારા આવતાં અને જિયો પ્લેટફોર્મ, ડિજિટલ સર્વિસિઝની સારી કામગીરીએ શેરમાં આકર્ષણ રહેતાં અને એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદીએ સેન્સેક્સ, નિફટી બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું. ચાઈનાના પોઝિટીવ ડેવલપમેન્ટે આજે મેટલ શેરોમાં સતત આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૪૨૩.૪૯ પોઈન્ટ તૂટીને ૭૬૬૧૯.૩૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૮.૬૦ પોઈન્ટ ઘટીને ૨૩૨૦૩.૨૦ બંધ રહ્યા હતા.

ઈન્ફોસીસ પરિણામ પાછળ રૂ.૧૧૧ તૂટી રૂ.૧૮૧૫ : આઈટી ઈન્ડેક્સ ૧૦૬૩ પોઈન્ટ ગબડયો

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ઈન્ફોસીસના ગઈકાલે જાહેર થયેલા પરિણામને એનાલિસ્ટોએ અપેક્ષાથી નબળા લેખાવતાં ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. ઈન્ફોસીસ રૂ.૧૧૧.૧૦ તૂટીને રૂ.૧૮૧૫.૧૦, ટીસીએસ રૂ.૮૨.૪૦ ગબડીને રૂ.૪૧૨૫.૭૦, ટેક મહિન્દ્રા રૂ.૩૦.૬૦ ઘટીને રૂ.૧૬૫૮.૮૫ રહ્યા હતા. વિપ્રો લિમિટેડના આજે જાહેર થયેલા પરિણામ આવકમાં નજીવી ૦.૫ ટકાની વૃદ્વિ સામે ચોખ્ખા નફામાં ૨૪ ટકાની વૃદ્વિએ રૂ.૩૩૫૪ કરોડ જાહેર થતાં પૂર્વે શેર રૂ.૬.૨૦ ઘટીને રૂ.૨૮૧.૮૫ રહ્યો હતો. ન્યુજેન રૂ.૪૬.૬૫ ઘટીને રૂ.૧૫૮૫.૪૦, સાસ્કેન રૂ.૫૮.૮૫ ઘટીને રૂ.૨૦૨૭.૮૫, નેલ્કો રૂ.૧૮.૭૦ ઘટીને રૂ.૧૧૨૪, સોનાટા સોફ્ટવેર રૂ.૧૦.૬૫ ઘટીને રૂ.૫૭૪.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૬૩.૩૧ પોઈન્ટ તૂટીને ૪૧૭૪૬.૬૬ બંધ રહ્યો હતો.

રિલાયન્સના અપેક્ષાથી સારા પરિણામે શેર રૂ.૩૩ વધીને રૂ.૧૩૦૧ : બીપીસીએલ, ઈન્દ્રપ્રસ્થમાં મજબૂતી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ત્રીજા ત્રિમાસિકનો ચોખ્ખો નફો અપેક્ષાથી વધુ  ૭.૩૯ ટકા વધીને રૂ.૧૮,૫૪૦ કરોડ થતાં શેરમાં આકર્ષણે રૂ.૩૨.૬૦ વધીને રૂ.૧૩૦૧.૩૦ રહ્યો હતો. બીપીસીએલ રૂ.૬.૬૦ વધીને રૂ.૨૭૩.૬૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૭.૭૫ વધીને રૂ.૪૦૫.૧૦, ઓએનજીસી રૂ.૩.૨૫ વધીને રૂ.૨૬૬.૫૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૪.૭૫ વધીને રૂ.૪૭૫.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૨૧.૧૦ પોઈન્ટ વધીને ૨૬૧૦૫.૧૮ બંધ રહ્યો હતો.

એક્સિસ બેંક નબળા પરિણામે રૂ.૪૯ તૂટયો : કોટક બેંક રૂ.૪૭ તૂટયો : બેંકેક્સ ૧૦૨૬ પોઈન્ટ તૂટયો

બેંકિંગ શેરોમાં આજે ફંડોએ એક્સિસ બેંકના નબળા ત્રિમાસિક પરિણામ પાછળ ઓફલોડિંગ કર્યું હતું. એક્સિસ બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૩.૮ ટકા વધીને અને બીજા ત્રિમાસિકની તુલનાએ ૮.૯ ટકા ઘટીને જાહેર થતાં અને ચોખ્ખી વ્યાજ આવક ૯ ટકા વધીને રૂ.૧૩,૪૮૩ કરોડ થતાં શેરમાં વેચવાલીએ રૂ.૪૮.૯૫ તૂટીને રૂ.૯૯૧.૨૫ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૬.૬૦ તૂટીને રૂ.૧૭૫૮.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૩.૯૦ ઘટીને રૂ.૧૨૨૫.૯૦, એચડીએફસી બેંક રૂ.૧૬.૦૫ ઘટીને રૂ.૧૬૩૬.૭૦, ફેડરલ બેંક રૂ.૩.૮૫ ઘટીને રૂ.૧૯૧.૫૫ રહ્યા હતા.

હિન્દ એરોનોટિક, ભારત ડાયનામિક, એનબીસીસીમાં તેજી : કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૨૬ પોઈન્ટ ઉછળ્યો

કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ આજે કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૨૫.૯૧ પોઈન્ટ ઉછળીને ૫૪૯૧૯.૧૫ બંધ રહ્યો હતો. એનબીસીસી રૂ.૭.૫૦ વધીને રૂ.૯૫.૩૨, ભારત ડાયનામિક્સ રૂ.૭૫.૬૫ વધીને રૂ.૧૨૭૬ય૭૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૯૭.૪૦ ઉછળી રૂ.૪૧૧૫.૯૦, આરવીએનએલ રૂ.૧૫.૫૦ વધીને રૂ.૪૨૬.૫૦,  સીજી પાવર રૂ.૨૦.૯૫ વધીને રૂ.૬૪૮.૫૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૯૮.૩૫ વધીને રૂ.૬૫૦૯.૫૦, સિમેન્સ રૂ.૧૬૯.૨૫ વધીને રૂ.૬૧૭૭.૩૫, ટીટાગ્રહ વેગન રૂ.૨૮.૪૫ વધીને રૂ.૧૦૮૨.૨૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૬ વધીને રૂ.૨૮૨.૧૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૫૬.૧૦ વધીને રૂ.૩૫૬૮.૫૦  રહ્યા હતા.

સપ્તાહના અંતે ખેલંદાઓ, રિટેલ ઈન્વેસ્ટરો સ્મોલ, મિડ કેપ શેરોમાં હળવા થયા : ૧૯૫૫ નેગેટીવ બંધ

સપ્તાહના અંતિમ દિવસે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી ખેલંદાઓ, રિટેલ ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નબળી પડી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૨૫થી ઘટીને ૧૯૯૧  અને ઘટનારની સંખ્યા ૧૨૫૮થી વધીને ૧૯૫૫  રહી હતી.

મેટલ-માઈનીંગ શેરોમાં સતત વધતો ચળકાટ : નાલ્કો, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલમાં આકર્ષણ

ચાઈના અને અમેરિકાના સંબંધો ટ્રમ્પ શાસનમાં સુધરવાની અપેક્ષાએ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં સતત પસંદગીની ખરીદી રહી હતી. નાલ્કો રૂ.૬.૬૫ વધીને રૂ.૨૦૫.૨૫, હિન્દાલ્કો રૂ.૧૪.૬૦ વધીને રૂ.૬૧૭.૦૫, કોલ ઈન્ડિયા રૂ.૮.૬૫ વધીને રૂ.૩૮૭.૮૫, ટાટા સ્ટીલ રૂ.૨.૫૦ વધીને રૂ.૧૩૦.૩૦, એનએમડીસી રૂ.૬૬.૬૩, એપીએલ અપોલો રૂ.૨૧.૦૫ વધીને રૂ.૧૫૬૮.૨૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૮.૧૦ વધીને રૂ.૬૩૩.૬૫ રહ્યા હતા.  બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૩૫.૧૪ પોઈન્ટ વધીને ૨૮૭૦૬.૬૭ બંધ રહ્યો હતો.

સ્ટર્લિંગ એન્ડ વિલસન રૂ.૪૬ તૂટયો : કલ્યાણ જવેલર્સ, જિન્દાલ વર્લ્ડ, પોલીસી બઝાર, પીજી ઈલેક્ટ્રો તૂટયા

એ ગુ્રપના શેરોમાં આજે ઘટનારમાં સ્ટર્લિંગ એન્ડ વિલસન રિન્યુએબલ એનજીૅ રૂ.૪૬.૦૫ તૂટીને રૂ.૪૧૪.૫૦, કલ્યાણ જવેલર્સ રૂ.૩૭.૩૫ તૂટીને રૂ.૫૦૧.૬૫, હટસન રૂ.૬૯.૪૫ તૂટીને રૂ.૯૭૧.૧૫, જય કોર્પ રૂ.૭.૮૦ ઘટીને રૂ.૧૪૮.૩૦, જિન્દાલ વર્લ્ડ રૂ.૨૦.૯૫ તૂટીને રૂ.૪૦૦.૫૫, પોલીસી બઝાર રૂ.૮૭.૭૦ ઘટીને રૂ.૧૭૨૫.૫૫, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૩૯.૨૦ તૂટીને રૂ.૮૬૧.૬૫, સ્પન્દના સ્ફૂર્તિ રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૩૫૪.૦૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૨૦.૭૦ ઘટીને રૂ.૫૨૬.૧૦, કેફિન ટેક રૂ.૪૭.૧૫ ઘટીને રૂ.૧૨૦૪.૪૦, જીઈ શિપિંગ રૂ.૩૪.૩૦ ઘટીને રૂ.૯૫૩.૪૦ રહ્યા હતા.

FPIs/FIIની કેશમાં રૂ.૩૩૧૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૫૭૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  શુક્રવારે કેશમાં રૂ.૩૩૧૮.૦૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૪૮૬.૪૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૮૦૪.૫૧ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૫૭૨.૮૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૨,૪૯૬.૫૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૯૨૩.૬૬ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૨ હજાર કરોડ વધીને રૂ.૪૨૮.૭૨ લાખ કરોડ

રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩૨ હજાર કરોડ વધીને રૂ.૪૨૮.૭૨  લાખ કરોડ પહોંચ્યું હતું.