Business

સેન્સેક્સમાં ૧૫૦૦ પોઇન્ટ, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૫૦ લાખ કરોડનો ઉછાળો

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: વિદેશી રોકાણકારોની રૂ. 4479 કરોડની જંગી ખરીદીથી ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ છવાયો હતો. સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળીને 83938.28 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 470 પોઈન્ટના ઉછાળા સાથે 25819.25 પર પહોંચ્યો. આ ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.50 લાખ કરોડનો વધારો થયો હતો. ક્રૂડના ભાવમાં ઘટાડો અને બેંકિંગ શેરોમાં લેવાલીથી બજાર સુધર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સમાં ૧૫૦૦ પોઇન્ટ, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૫૦ લાખ કરોડનો ઉછાળો
  • વિદેશી રોકાણકારોની રૂ. ૪૪૭૯ કરોડની ખરીદી
  • સેન્સેક્સમાં ઇન્ટ્રા ડે ૨,૦૦૦થી પણ વધુ પોઇન્ટનો કૂદકો જ્યારે નિફ્ટી ૪૭૦ પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ : ભારતીય શેરબજારના સૂચકાંકોએ ડિસેમ્બર શ્રેણીની આજે મજબૂત ટ્રેન્ડ સાથે શરૂઆત કરી હતી. ગત સોમવારે જોવા મળેલી ભારે વેચવાલી બાદ આજે નીચા મથાળે નીકળેલી નવી લેવાલી પાછળ આજે સેન્સેક્સમાં ઇન્ટ્રા ડે ૨,૦૦૦થી પણ વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયા બાદ કામકાજના અંતે ૧,૫૦૦ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં ૪૭૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સના ઉછાળા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં પણ રૂ. ૩.૫૦ લાખ કરોડનો વધારો થયો હતો.
અમેરિકા દ્વારા ભારત પર ફરી એકવાર ટેરીફ નાખવાની ચીમકીને અવગણીને આજે ભારતીય શેરબજારમાં ફરી એકવાર તેજીનું તોફાન જોવા મળ્યું હતું. વિદેશી ભંડોળના સતત વધતા પ્રવાહ, ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો અને પસંદગીના ક્ષેત્રો - ખાસ કરીને એફએમસીજી, બેંક અને નાણાકીય (ફાઇનાન્શિયલ) શેરોમાં નવી ઝડપી લેવાલી હાથ ધરાતા બજારમાં સંગીન સુધારો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે મિશ્ર સંકેતો હોવા છતાં, સ્થાનિક બજારો ઉછાળા સાથે ખુલ્યાં અને જેમ જેમ સત્ર આગળ વધ્યું તેમ તેમ તેમાં વધુ વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીએ દિવસ દરમિયાન ૨૫,૯૫૧.૬૫ની ઊંચી સપાટી સ્પર્શી હતી. જોકે, સત્રની મધ્યમાં ખાસ કરીને મીડિયા, મેટલ અને કન્ઝયુમર ડયુરેબલ્સ (ગ્રાહક ટકાઉ વસ્તુઓ) ક્ષેત્રના શેરોમાં નફા વસૂલી (પ્રોફિટ બુકિંગ) થવાને કારણે થયેલા વધારામાં થોડો ઘટાડો આવ્યો હતો.
દિવસના અંતે, સેન્સેક્સ ૧,૫૦૨.૨૯ પોઈન્ટ અથવા ૧.૮૨ ટકાના ઉછાળા સાથે ૮૩,૯૩૮.૨૮ની નવ માસની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૬૯.૬૦ પોઈન્ટ અથવા ૧.૮૫ ટકાના વધારા સાથે ૨૫,૮૧૯.૨૫ પર મજબૂત રહ્યો હતો.
સેન્સેક્સમાં ઉછાળાને પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ.) ૩.૫૦ લાખ કરોડનો વધારો થતા અંતે રૂ. ૫૧૨.૪૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.