Get The App

રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ

- દેશમાં ક્રૂડ સહિત આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ

- ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ઉછળી ૧૦૦ની સપાટી કૂદાવી ગયો

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ 1 - image

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ મંદી આગળ વધી હતી તથા રૂપિયો ગબડી નવા નીચા રૂ.૯૨.૪૯નાં તળિયે ઉતરી ગયો હતો. રૂપિયામાં આવો એકધારો કડાકો આ પૂર્વે જોવા મળ્યો નથી એવું બજરના પીઢ તજજ્ઞાોએ જણાવ્યું હતું.

 શેરબજારમાં કડાકો તથા વિશ્વ બજારમાં વોરના પગલે ક્રૂડ તેલના ભાવમાં તેજીના પગલે ઘરઆંગણે રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં દેશમાં આયાત થતી ક્રૂડ સહિતની વિવિધ ચીજોની ઈમંપોર્ટ કોસ્ટ વધતાં મોંઘવારી-ફુગાવો વધુ વકરવાની ભીતિ બજારના જાણકારો દર્શાવી રહ્યા હતા.

દરમિયાન, ડોલરના ભાવ રૂ.૯૨.૨૦ વાળા જે સવારે રૂ.૯૨.૩૪ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૨.૩૧ તથા ઉંચામાં ભાવ રૂ.૯૨.૪૯ થઈ રૂ.૯૨.૪૩ રહ્યા હતા. ડોલરના ભાવ આજે વધુ ૨૩ પૈસા ઉછળતાં રૂપિયો ૦.૨૫ ટકા ગબડયો હતો.

રૂપિયાને પીઠબળ આપવા રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે વિવિધ સરકારી બેન્કો ડોલર વેંચી રહી હતી છતાં રૂપિયા પર દબાણ ચાલુ રહેતાં હવને ડોલરના ભાવ વધુ વધી ઉંચામાં રૂ.૯૨.૮૦ તથા ત્યારબાદ રૂ.૯૩ સુધી પહોંચી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. જો કે રૂપિયો ગબડતાં દેશના નિકાસકારોને ફાયદો થયો છે તથા નિકાસ વધવાની શક્યતા પણ જન્મી છે.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૫૧ ટકા વધી ૧૦૦ની સપાટી કુદાવી ઉંચામાં ૧૦૦.૩૦ થઈ ૧૦૦.૨૪ રહ્યાના નિર્દેશોની અસર પણ ઘરઆંગણે કરન્સી બજાર પર દેખાઈ હતી. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ છેલ્લા બે વિકથી સતત વધતાં જોવા મળ્યો છે. યુરોના ભાવ ડોલર સામે તૂટી નવેમ્બર ૨૦૨૫ પછીના નવા તળિયે ઉતર્યા છે.  અમેરિકા તથા યુરોપમાં હવે આવતા સપ્તાહમાં મળનારી ફેડરલ રિઝર્વ તથા સેન્ટ્રલ બેન્કની મિટિંગ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. 

દરમિયાન, મુંબઈ બજારમાં આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૯૦ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૨૨.૫૨ થઈ રૂ.૧૨૨.૫૮ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૮૧ પૈસા ઘટી રૂ.૧૦૫.૭૦ થઈ રૂ.૧૦૫.૭૬ રહ્યા હતા.  જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૦૭ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૫ ટકા નરમ રહી હતી. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ ૧૭ તથા ૧૮મી માર્ચે યોજવામાં આવનાર છે. આ મિટિંગમાં વ્યાજ દર વિષયક  કેવા સંકેતો આપવામાં આવે છે. તેના પર બજારની નજર હતી.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૯૨.૪૩

પાઉન્ડ

રૃા. ૧૨૨.૫૮

યુરો

રૃા.૧૦૫.૭૬

યેન

રૃા. ૦.૫૮