મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉછળતાં રૂપિયો ગબડી નવા નીચા તળીયે પટકાયો હતો. શેરબજારમાં પીછેહટ વચ્ચે કરન્સી બજારમાં આજે ડોલરમાં ઈમ્પોર્ટરો તથા ઓઈલ રિફાઈનરીઓની ખરીદી જોવા મળી હતી. ડોલરના ભાવ રૂ.૯૫.૦૯ વાળા આજે સવારે રૂ.૯૫.૩૧ ખુલ્યા પછી ઉંચામાં ભાવ એક તબક્કે ૯૫.૪૪ સુધી ઉછળ્યા પછી રૂ.૯૫.૩૮ રહ્યા હતા.
જોકે વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટાડા પર રહ્યાના સમાચાર હતા અને તેના પગલેરૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા મથાળેથી સાધારણ ઘટતાં રૂપિયો નવા તળીયે પટકાયા પછી ફરી ધીમા સુધારા પર રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૯૮.૪૦ તથા ઉંચામાં ૯૮.૫૮ થઈ ૯૮.૪૯ રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ ઈરાન તથા અમેરિકા વચ્ચે ફરી તંગદીલી વધતાં વૈશ્વિક ડોલરમાં સેફ હેવન બાઈંગ ફરી વધ્યાના વાવડ મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં હાલના માહોલમાં હવે આગળ ઉપર ડોલર સામે રૂપિયો ગબડી રૂ.૯૬ના નવા તળીયે ઉતરી જવાની શક્યતા જાણકારોમાં ચર્ચાઈ રહી હતી.
દરમિયાન, રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે આજે અમુક સરકારી બેન્કો ઉછાળે ડોલર વેંચી રહ્યાના ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી. દેશમાં ડોલરનો આઉટફલો ઘટાડી ઈન્ફલો વધારવા માટે રિઝર્વ બેન્ક દ્વારા વિવિધ પગલાંઓ પર વિચારણા શરૂ થઈ છે અને આ પગલાંઓ હવે ક્યારે અમલી બનાવવામાં આવે છે તેના પર બજારની નજર રહી હતી.
દેશમાં એનઆરઆઈ થાપણો વધારવા તથા સરકારી બોન્ડમાં ફોરેન ઈન્વેસ્ટરોને વેરાકિય રાહત આપવા માટે રિઝર્વ બેન્ક દ્વારા વિચારણા શરૂ થયાના નિર્દેશો તાજેતરમાં મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૯.૨૪ થઈ રૂ.૧૨૯.૧૪ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે નીચામાં રૂ.૧૧૧.૩૫ તથા ઉંચામાં રૂ.૧૧૧.૫૬ થઈ રૂ.૧૧૧.૪૬ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૧૨ ટકા વધી હતી જ્યારે ચીનના કરન્સી રૂપિયા સામે ૦.૨૬ ટકા પ્લસમાં ટ્રેડ થતી જોવા મળી હતી.
ભારતમાં હવે વેપાર ખાધ વધવાની શક્યતા વચ્ચે તાજેતરમાં ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થયા પછી હવે શુક્રવારે આ રિઝર્વના બહાર પડાનારા નવા આંકડાઓ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. ભારતમાં હાલ ફોરેક્સ રિઝર્વ જોકે ૭૦૦ અબજ ડોલર ઉપર રહ્યું છે પરંતુ બજારના જાણકારોના જણાવ્યા મુજબ રિઝર્વ બેન્કની નેટ શોર્ટ ફોરવર્ડ પોઝીશન બાદ કરીએ તો આવું રિઝર્વ ૬૦૦ અબજ ડોલર ગણાય છે. યુધ્ધના માહોલમાં ભારતનું ઈમ્પોર્ટ બિલ પણ વધી રહ્યું છે. દેશની કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ પણ વધવાની ભીતી જાણકારો બતાવી રહ્યા હતા.
ફોરેક્સ ભાવ
|
ડોલર |
રૃ.૯૫.૩૮ |
|
પાઉન્ડ |
રૃ.૧૨૯.૧૪ |
|
યુરો |
રૃ.૧૧૧.૪૬ |
|
યેન |
રૃ.૦.૬૧ |


