Get The App

આરઆરપી સેમીકન્ડક્ટર કંપનીનાં રૂ.10ના શેરનો ભાવ રૂ.11094

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
આરઆરપી સેમીકન્ડક્ટર કંપનીનાં રૂ.10ના શેરનો ભાવ રૂ.11094 1 - image

- માત્ર બે કર્મચારી, શૂન્ય ઉત્પાદન અને 20 મહિનામાં 55000 રીટર્ન

- RRP 2024માં રિયલ એસ્ટેટમાંથી સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીમાં આવી : ફાઉન્ડર અને પરિચિતો પાસે 98 ટકા શેર્સ   

- સેબી દ્વારા ઉછાળાની તપાસ કરવામાં આવી રહી છે : બોમ્બે સ્ટોક એક્સચેન્જે અનેક વખત ચેતવણી ઉચ્ચારી હતી

મુંબઈ : એશિયાના સ્ટોક એક્સચેન્જ અને ચિપમેકિંગ કંપનીઓ હવે રોકાણકારોને એઆઈ સંબંધિત હોટ ગણાતા શેર્સ પાછળ આંઘળી દોટના જોખમ અંગે ચેતવણી આપવા લાગ્યા છે. આ ચેતવણીનું તાજું ઉદાહરણ ભારતની આરઆરપી સેમીકન્ડક્ટર લિમિટેડ છે. આ કંપનીના શેરમાં ડિસેમ્બર ૧૭ સુધીના છેલ્લા ૨૦ મહિનામાં ૫૫,૦૦૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. કંપનીના શેરની મૂળ કિંમત રૂ. ૧૦ હતી. શેરની કિંમત ગુરુવારે રૂ. ૧૧,૦૯૪ નોંધવામાં આવી હતી. એક વર્ષ પહેલા રૂ. ૧૦૦૦નું રોકાણ રૂ. ૭૧,૩૭૩.૧૧ થઈ ગયું છે. ૧ અબજ ડોલરથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં આ દુનિયાભરનો સૌથી મોટો ઊછાળો છે. પરંતુ, તેજી પાછળના આંકડા ચિંતાજનક છે. 

કંપનીએ તાજેતરના નાણાકીય પરિણામોમાં નેગેટિવ આવક દર્શાવી છે. સપ્ટેમ્બર ત્રિમાસિક માટે રૂ. ૬.૮૨ કરોડનો નેગેટિવ રેવન્યુ અને રૂ. ૭.૧૫ કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. વાર્ષિક અહેવાલ મુજબ, કંપનીમાં ફક્ત બે ફૂલ ટાઈમ કર્મચારીઓ છે.  હજી સુધી કંપનીએ ઉત્પાદન શરૂ કર્યું નથી. ઓનલાઈન હાઈપ, બહુ જ નાના ફ્રી ફ્લોટ અને ભારતના વધતા રિટેલ રોકાણકારોના આધારે શેરે સતત ૧૪૯ દિવસ સુધી અપર સર્કિટ લગાવી હતી. આ દરમિયાન એક્સચેન્જ તરફથી ચેતવણી જારી કરવામાં આવી હતી.  સેબી આરઆરપીના શેરમાં આવેલા ઉછાળાની તપાસ કરી રહી છે. 

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફાઈલિંગ મુજબ, આરઆરપી ગુ્રપના ફાઉન્ડર રાજેશ ચોડણકર અને તેના પરિચિતો પાસે કંપનીના ૯૮ ટકા શેર્સ છે. તેમાં, આરઆરપી ડિફેન્સ, ઈન્ડિયન લિંક ચેઈન મેન્યુફેક્ચર્સ, આરઆરપી ઈલેક્ટ્રોનિક્સ અને આરઆરપી એસ૪ઈ ઈનોવેશન છે.  એપ્રિલ મહિનામાં બીએસઈએ કંપનીની શેર વેચવાની મંજૂરી પાછી ખેંચી હતી. જેને આરઆરપીએ કોર્ટમાં પડકારી છે. ઓક્ટોબર મહિનામાં ફરી એકવાર બોમ્બે સ્ટોક એક્સચેન્જે ચેતવણી આપી હતી. 

આશરે ૧.૭ અબજ ડોલર માર્કેટ કેપ ધરાવતા શેરને હવે એક્સચેન્જ દ્વારા અઠવાડિયામાં ફક્ત એક જ વાર ટ્રેડિંગ માટે મર્યાદિત કરવામાં આવ્યો છે. તે નવેમ્બર ૭ની ટોચથી લગભગ ૬ ટકા ઘટયો છે. જાણકારોના મતે ચોંકાવનારી વાત એ છે કે,રોકાણકારો કોઈપણ એઆઈ નામવાળા શેરને તક તરીકે જોઈ રહ્યાં છે.