Get The App

વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો

- ઊંચા વળતરને પગલે પારિવારિક રોકાણકારોનું ઈક્વિટીમાં આકર્ષણ

- વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નિફટી શેરોમાં માલિકી ઘટી આઠ ત્રિમાસિકની નીચી સપાટીએ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો 1 - image

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં દેશના પરિવારા (રિટેલ)ના ઈક્વિટી હોલ્ડિંગ્સનો આંક રૂપિયા ૧૦ ટ્રિલિયન (દસ લાખ કરોડ) વધ્યો છે. એનએસઈના  ભારતના માર્કેટ પલ્સ રિપોર્ટ પ્રમાણે એપ્રિલ, ૨૦૨૦થી પારિવારિક ઈક્વિટી હોલ્ડિંગ રૂપિયા ૫૭ લાખ કરોડ વધ્યું છે.

૨૦૨૫ના ડિસેમ્બર, ત્રિમાસિકમાં કુલ પારિવારિક ઈક્વિટી હોલ્ડિંગમાં રૂપિયા ૩.૪૦ લાખ કરોડનો વધારો થયો છે. આ હોલ્ડિંગ્સમાં ઈક્વિટીમાં સીધા રોકાણ તથા મ્યુચ્યુઅલ ફન્ડસ મારફતના રોકાણનો સમાવેશ થાય છે.

પારિવારિક ઈક્વિટી હોલ્ડિંગ્સનો એકંદર આંક રૂપિયા ૮૮ લાખ કરોડ થયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. જે માર્ચ ૨૦૨૦થી વાર્ષિક ધોરણે ૩૪.૨૦ ટકાનો વધારો દર્શાવે છે.

કોરોના બાદના સમયગાળામાં પારિવારિક ઈક્વિટી હોલ્ડિંગમાં જોરદાર વધારો દેશમાં બચત કરવાની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરબદલ થયાનું સૂચવે છે. 

બેન્ક થાપણો તથા બોન્ડ જેવા ઋણ સાધનોમાં વ્યાજ દર પ્રમાણમાં નીચા રહેતા હોવાથી ઘરેલુ બચતકારો પોતાની બચતને ઈક્વિટી તથા ગોલ્ડ જેવી એસેટસમાં રોકવા તરફ વળ્યા છે, જેના પર છેલ્લા કેટલાક સમયથી સારા વળતર પ્રાપ્ત થઈ રહ્યા છે.

રિટેલ રોકાણકારો ઈક્વિટીમાં સીધા રોકાણ ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત પણ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. 

એનએસઈ પર લિસ્ટેડ શેરોમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નું  હોલ્ડિંગ્સ ડિસેમ્બર ત્રિમાસિકમાં વધી ૧૯ ટકા પહોંચી ગયું છે જ્યારે રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ સહેજ ઘટી ૯.૩૦ ટકા પર આવી ગયું છે. 

ડિસેમ્બર, ત્રિમાસિકમાં એનએસઈ પર રિટેલ રોકાણકારોએ રૂપિયા ૨૪૯૬૪ કરોડનું રેકોર્ડ વેચાણ કર્યું છે. 

નાણાં વર્ષ ૨૦૧૯થી આડકતરા ઈક્વિટી  હોલ્ડિંગ વધવાની ગતિ એકદમ ઝડપી રહી હતી, જે વ્યવસાયીક ધોરણે સંચાલિત પ્રોડકટસમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની બાબતને પ્રાધાન્યતા અપાઈ રહ્યાના સંકેત આપે છે.

બીજી બાજુ નિફટી૫૦માં ડીઆઈઆઈનો હિસ્સો ડિસેમ્બર, ૨૦૨૫ ત્રિમાસિકના અંતે વધી ૨૪.૮૦ રહ્યો હતો જ્યારે એફઆઈઆઈનો હિસ્સો ઘટી ૨૪.૩૦ ટકા પર આવી ગયો હતો. 

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નિફટી ઈન્ડેકકસ શેરોમાં માલિકી ઘટી આઠ ત્રિમાસિકની નીચી સપાટીએ પહોંચી હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.