Get The App

રૂપિયામાં સ્થિરતા લાવવા રિઝર્વ બેન્કની કવાયત

- બિન નિવાસી ભારતીયોને ડોલર ડિપોઝિટ માટે પ્રોત્સાહિત કરાય તેવી વકી

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
રૂપિયામાં સ્થિરતા લાવવા રિઝર્વ બેન્કની કવાયત 1 - image

મુંબઈ : રૂપિયા પર આવી રહેલા દબાણને હળવું કરવા તથા ફોરેકસ રિઝર્વમાં વધારો કરવાના ભાગરૂપ ડોલર પ્રવાહ વધારવા કેવા પગલાં લઈ શકાય તેના પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) હાલમાં વિચારણા કરી રહી છે. ઈરાન યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ ઊંચે જતા રૂપિયા પર દબાણ આવ્યું છે.

ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે આયાત બિલ ઊંચુ રહેશે જેને કારણે ફોરેકસ રિઝર્વ પર દબાણ આવવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારોના આઉટફલોસને પગલે ડોલર સામે રૂપિયો હાલમાં ઘટી ઓલટાઈમ લો સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

ભારતનું ફોરેકસ રિઝર્વ હાલમાં ૭૦૦ અબજ ડોલરની અંદર ઊતરી ૬૯૮.૪૯ અબજ ડોલર પર આવી ગયું છે. રિઝર્વનું હાલનું સ્તર ૧૧ મહિનાના આયાત બિલની ચૂકવણી જેટલુ પૂરતું છે. જો કે એપ્રિલમાં યોજાઈ ગયેલી નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં ફોરેકસ રિઝર્વ વધારવા બાબત ચર્ચા થઈ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. 

આ અગાઉ ૨૦૧૩માં ડોલર પ્રવાહ વધારવા ખાસ યંત્રણા કાર્યાન્વિત કરાઈ હતી જેમાં બિન-નિવાસી ભારતીયો પાસેથી ડોલર ડિપોઝિટસ આકર્ષવા પ્રોત્સાહન અપાયા હતા. 

આ ઉપરાંત સરકારી બોન્ડમાં વિદેશી રોકાણકારોને થતી વ્યાજ આવક પરના વિથહોલ્ડિંગ ટેકસ નાબુદ કરવા બાબત પણ વિચારાઈ રહ્યું છે જેથી ડોલર પ્રવાહમાં વધારો થઈ શકે, એમ સુત્રોએ ઉમેર્યું હતું. ટેકસ દર પાંચ ટકા છે. 

રૂપિયામાં સ્થિરતા લાવવા ૨૦૧૩માં ડોલર ડિપોઝિટ સ્કીમ લવાઈ હતી જે મારફત ૨૫ અબજ ડોલરનો પ્રવાહ આકર્ષાયો હતો. 

૨૦૨૫મા ં વિદેશી રોકાણકારોએ ભારતના સરકારી બોન્ડમાં ૬.૫૦ અબજ ડોલરની નેટ ખરીદી કરી હતી. જો કે આ ખરીદી હાલમાં મંદ પડી છે. જ્યારે ઈક્વિટીસમાંથી તેમનું રોકાણ સતત પાછું ખેંચાઈ રહ્યું છે. વર્તમાન વર્ષમાં અંદાજે ૨૦ અબજ ડોલરથી વધુનો આઉટફલોસ રહ્યો છે જે ૨૦૨૫ના સંપૂર્ણ વર્ષના આઉટફલોસ કરતા વધુ છે. 

પશ્ચિમ એશિયામાં સતત અશાંતિને પરિણામે ડોલર સામે રૂપિયામાં વધુ ઘટાડો થવાની શકયતા નકારાતી નથી, એમ પણ રિઝર્વ બેન્કના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.