Business

IPOના 'જનરલ કોર્પોરેટ પરપઝ ફંડ'ના સંભવિત દુરૂપયોગ પર નિયમનકારની નજર

By GS Team
19 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં રિટેલ રોકાણકારોને IPOમાં ગ્રે માર્કેટ પ્રીમિયમને બદલે ઈસ્યુના હેતુઓ જાણવા જણાવાયું છે. નિષ્ણાતોના મતે, જનરલ કોર્પોરેટ પરપઝ (GCP) ફંડનો ઉપયોગ ક્યાંક અવાસ્તવિક વેલ્યુએશન દર્શાવવા, ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાવવા કે પ્રોપેગેન્ડા જેવી પ્રવૃત્તિમાં તો નથી થઈ રહ્યો તે જોવું અત્યંત જરૂરી છે. SEBI પણ આ અંગે ચિંતિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPOના 'જનરલ કોર્પોરેટ પરપઝ ફંડ'ના સંભવિત દુરૂપયોગ પર નિયમનકારની નજર

રિટેલ રોકાણકારોએ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર ભરોસો કરવાને બદલે ઈસ્યુના હેતુઓ જાણવા જરૂરી
જીસીપીનો ઉપયોગ ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાવવા, છપાવવા કે પછી પ્રોપેગેન્ડા કરાવવા જેવી પ્રવૃતિમાં તો નથી થઈ રહ્યો એ જોવું પણ એટલું જ જરૂરી બની ગયું છે
મુંબઈ : દેશના પ્રાઈમરી માર્કેટમાં અત્યારે સંખ્યાબંધ કંપનીઓ તેમની વિવિધ યોજનાઓ માટે અને પ્રમોટરો, વર્તમાન શેરધારકો પોતાનું નીચી પડતરનું શેરહોલ્ડિંગ પૈકી અમુક હોલ્ડિંગ પબ્લિકને વેચીને રોકડી કરવા ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવી રહી છે અને ઘણી કંપનીઓ હજુ હરોળમાં છે, ત્યારે કંપની માટે આઈપીઓ માત્ર મૂડી ઊભી કરવાનો માર્ગ નથી, પરંતુ પબ્લિક રોકાણકારોના વિશ્વાસની કસોટી પણ છે. આઈપીઓના ઓફર ડોક્યુમેન્ટમાં કંપનીએ ઊભી કરેલી મૂડીનો ઉપયોગ ક્યા હેતુ માટે કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવી જરૂરી હોય છે. જો કે, આ સમગ્ર માળખામાં જનરલ કોર્પોરેટ પરપઝ (જીસીપી) નામની એક એવી કેટેગરી છે, જેના ઉપયોગ અંગે છેલ્લા કેટલાક વર્ષોમાં નિયમનકારોની ચિંતા વધી છે. સંભવિત દુરૂપયોગ કે રિટેલ રોકાણકારો ગેરમાર્ગે દોરાઈ શકે એવી ગેરકાયદે પ્રવૃતિઓ પાછળ ફંડિંગ થવાની શંકાએ પણ નિયામક તંત્રો ચિંતિત બન્યા છે.
જીસીપીનો મૂળ હેતુ કંપનીને એવા સામાન્ય અથવા અણધાર્યા ખર્ચ માટે નાણાકીય લવચીકતા આપવાનો છે, જેના માટે આઈપીઓ સમયે ચોક્કસ રકમ ફાળવવી શક્ય ન હોય. તેમાં વર્કિંગ કેપિટલની જરૂરિયાત, સપ્લાય ચેઈન ખર્ચ, માર્કેટિંગ અથવા અન્ય સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતોનો સમાવેશ થઈ શકે છે. પરંતુ મુદ્દો ત્યારે ઊભો થાય છે, જ્યારે આઈપીઓની મોટી રકમ જીસીપી હેઠળ રાખવામાં આવે અને તેના ચોક્કસ ઉપયોગ અંગે રોકાણકારોને પૂરતી માહિતી ન આપવામાં આવે. આવી સ્થિતિમાં રોકાણકારો માટે એ સમજવું મુશ્કેલ બને છે કે, તેમણે કંપનીને આપેલા નાણાનો વાસ્તવિક ઉપયોગ ક્યાં થવાનો છે.
નિયમનકારી ચિંતાનું એક મહત્વનું કારણ એ છે કે, ભૂતકાળમાં જીસીપી હેઠળ રાખવામાં આવેલી રકમના ઉપયોગ અંગે વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. તેમાં સંબંધિત પક્ષોને ઈન્ટર-કોર્પોરેટ લોન, ઓફર ડોક્યુમેન્ટમાં સ્પષ્ટ રીતે ન દર્શાવાયેલી સંપત્તિની ખરીદી, શેરહોલ્ડર લોનની ચૂકવણી, અસંબંધિત બિઝનેસમાં વૈવિધ્યિકરણ અથવા ઓછા વળતર આપતી ફિક્સ્ડ ડિપોઝિટોમાં નાણા રાખવા જેવી બાબતોનો સમાવેશ થઈ શકે છે. આવા ઉપયોગો દરેક કિસ્સામાં આપમેળે ગેરકાયદેસર ગણાય તેવું નથી. પરંતુ જો રોકાણકારોએ આઈપીઓ સમયે જે પ્રકારના ઉપયોગની અપેક્ષા રાખી હતી, તેના બદલે જાહેર નાણાનો ઉપયોગ અન્ય હેતુઓમાં થાય, તો પારદર્શિતા અને રોકાણકારોના વિશ્વાસ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.
અત્યારના સમયમાં અને છેલ્લા કેટલાક વર્ષોમાં સેબી અને શેર બજારો દ્વારા જીસીપી સંબંધિત ડિસ્કલોઝર પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આઈપીઓના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી)ની સમીક્ષા દરમિયાન કંપનીઓ પાસેથી જીસીપીના સંભવિત ઉપયોગને વધુ ચોક્કસ કેટેગરીમાં સમજાવવાની અપેક્ષા વધી રહી છે. રિટેલ રોકાણકારોએ પણ આઈપીઓમાં માત્ર કંપનીના શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ, અમુક કિસ્સાઓમાં ઈસ્યુઓ કેટલા ગણા છલકાયા એના પર માત્ર ભરોસો રાખવાને બદલે ઓબ્જેક્ટસ(હેતુઓ) ઓફ ઈસ્યુને પણ ધ્યાનથી વાંચવા, જાણવા જોઈએ. બજારના નિષ્ણાંતોના મતે, જીસીપીનો મૂળ હેતુ, કંપનીને અણધાર્યા ખર્ચ માટે લવચીકતા આપવાનો જરૂરી છે, પરંતુ પબ્લિક મૂડીનો મોટો હિસ્સો અસ્પષ્ટ રાખવાથી રોકાણકારોના હિતોને નુકશાન થઈ શકે છે. આ સાથે જનરલ કોર્પોરેટ પરપઝ ફંડનો ઉપયોગ ક્યાંક અવાસ્તવિક વેલ્યુએશન દર્શાવવા, ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાવવા કે છપાવવા કે પછી પ્રોપેગેન્ડા માટે ફંડિંગ જેવી પ્રવૃતિમાં તો નથી થઈ રહ્યો એ જોવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. તાજેતરના દિવસોમાં ઘણી કંપનીઓના કિસ્સામાં એવું જોવાયું છે કે, આઈપીઓ પૂર્વે ફેક પ્રીમિયમ જે બોલાવવામાં આવતું હોય એ ઈસ્યુ ખુલતાની સાથે અડધું બોલાવા લાગે અને લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થવાની સાથે રોકાણકારો છેતરાઈ જતાં હોય છે.