For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાંદીનો ચળકાટ વધશે, દેશમાં રેકોર્ડ બ્રેક 8000 ટન આયાત સંભવ

- વધતી રોકાણલક્ષી માંગથી ચાંદીની આયાત ત્રણ ગણી વધશે

- વર્ષ ૨૦૨૨ના પ્રથમ સાત મહિનામાં ૫૧૦૦ ટન ચાંદીની આયાત થઇ જ્યારે પાછલા વર્ષે માત્ર ૧૧૦ ટન આયાત થઇ હતી

Updated: Aug 17th, 2022

Article Content Image

મુંબઇ : ભારતમાં ચાલુ વર્ષ ૨૦૨૨માં પાછલા વર્ષની તુલનાએ ત્રણ ગણી વધારે ચાંદીની આયાત થઇ શકે છે. બુલિયન એનાલિસ્ટોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨ દરમિયાન ભારતમાં ચાંદીની આયાત ૮૦૦૦ ટનની વિક્રમી ઉંચી સપાટીને સ્પર્શી શકે છે. 

 વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના તાજેતરના આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૨૨ના પ્રથમ સાત મહિનાઓમાં ચાંદીની આયાત વાર્ષિક તુલનાએ અનેક ગણી વધીને ૫૧૦૦ ટને પહોંચી ગઇ છે જ્યારે પાછલા વર્ષે સમિક્ષાધીન સમયગાળામાં માત્ર ૧૧૦ ટન ચાંદીની આયાત થઇ હતી.

નોંધનીય છે કે, કેલેન્ડર વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન ભારતમાં અનુક્રમે ૨૨૧૮ ટન અને ૨૭૭૩ ટન ચાંદીની આયાત થઇ હતી. તો કોરોના મહામારી પૂર્વના વર્ષ ૨૦૧૯માં ૫૯૬૯ ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી.

કોરોના મહામારી દરમિયાન ઓગસ્ટ ૨૦૨૦માં ભારતીય બજારોમાં ચાંદીની કિંમત પ્રતિ કિગ્રા દીઠ રૂ. ૭૭૪૯૯ની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શી હતી ત્યારબાદ ભાવ સતત ઘટી રહ્યા છે અને હાલ રૂ. ૫૮૦૦૦ની આસપાસ બોલાઇ રહ્યા છે. 

ઔદ્યોગિક ક્ષેત્રમાંથી ચાંદીની માંગ વધી 

ચાંદીનો દાગીના બનાવવા ઉપરાંત વિવિધ ઔદ્યોગિક ઉપયોગ પણ થાય છે. વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, સોલાર પેનલ, વાહન ઉદ્યોગ જેવા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ચાંદીનો ભરપૂર ઉપયોગ થાય છે. ભારતના ઉદ્યોગો હોંગકોંગ, યુનાઇટેડ કિંગડમ, ચીન અને રશિયાથી આયાત મારફતે પોતાની મોટાભાગની ચાંદીની જરૂરિયાતને સંતોષે છે. 

મર્યાદિત સપ્લાયની સામે માંગ ઉંચી રહેતા બેન્કો અ બુલિયન ડિલરો ચાંદીમાં વૈશ્વિક બજારની તુલનાએ પ્રતિ ઔંસ દીઠ ૩૦ સેન્ટ જેટલુ પ્રીમિયમ વસૂલી રહ્યા છે તો સોનામાં ડિસ્કાઉન્ટ બોલાઇ રહ્યુ છે, જ્યારે પાછલા વર્ષે સોનામાં પ્રીમિયમ અને ચાંદીમાં ડિસ્કાઉન્ટ કામકાજ થઇ રહ્યા હતા. 

Gujarat