For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડોલર સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઈતિહાસની સૌથી નીચી સપાટીએ

Updated: Sep 26th, 2022

ડોલર સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઈતિહાસની સૌથી નીચી સપાટીએ

અમદાવાદ તા. 26 સપ્ટેમ્બર 2022,સોમવાર

વૈશ્વિક બજારમાં ડોલરની સલામતી તરફ રોકાણકારોની દોટ અને મંદીમાં ફસાયેલા બ્રિટનના અર્થતંત્રમાં ગત સપ્તાહે છેલ્લા ૫૦ વર્ષમાં જાહેર થયેલા સૌથી મોટા કરકપાતના પગલાં બાદ સોમવારે એશિયન સત્રમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ અમેરિકન ડોલર સામે છેલ્લા ૨૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી નીચા સ્તરે પહોચી ગયા હતા. 

સોમવારે એશીયાઇ સત્રમાં ટ્રેડીંગ શરુ થયું ત્યારે પાઉન્ડના ભાવ એક ડોલર સામે ૧.૦૩ થઇ ગયા હતા જે ઈ.સ. ૧૭૭૬ પછીની સૌથી નીચી સપાટી છે. જોકે, એકદમ નીચા સ્તરે સામાન્ય ખરીદી જોવા મળતા ભાવ ફરી વધી ૧.૦૭ પાઉન્ડ પ્રતિ ડોલર થઇ ગયા હતા. 

અમેરિકન ડોલરનું વિશ્વની છ અગ્રણી કરન્સી સામે મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ આજે એક તબક્કે વધી ૧૧૪.૫૦ થઇ ગયો હતો જે અત્યારે ૧૧૩.૬૮ની સપાટી ઉપર છે. 

ડોલર સામે યુરોનો ભાવ અગાઉથી બે દાયકાની નીચી સપાટી ઉપર છે. આજે યુરોનો ભાવ ૦.૯૬ રહ્યો હતો. ઓસ્ટ્રેલીયન ડોલર ૦.૬૪૯૬ હતો. ડોલર સામે યેનનો ભાવ ૩૪ વર્ષની નીચી સપાટી ૧૪૪ ઉપર હતો. 

ભારતીય સત્રમાં અમેરિકન ડોલર સામે રૂપિયો આજે વધુ એક વખત ઐતિહાસિક નિચી સપાટી ૮૧.૬૦ બંધ રહ્યો હતો.

Gujarat