Business

પ્રાથમિક સર્વેમાં નવેમ્બરની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સાધારણ વધારો

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં HSBC ફ્લેશ ઈન્ડિયા PMI રિપોર્ટ મુજબ, નવેમ્બરમાં ખાનગી ક્ષેત્રની વ્યાપાર પ્રવૃત્તિમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. ઉત્પાદન ક્ષેત્રે 56.00 સાથે 9 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ભરતીમાં વધારો કર્યો, જ્યારે સેવા ક્ષેત્ર 55.30 પર ધીમું પડતાં કર્મચારીઓમાં ઘટાડો કર્યો. આંતરરાષ્ટ્રીય ઓર્ડરથી સેવા ક્ષેત્રને ટેકો મળ્યો, પરંતુ સ્થાનિક બજારમાં નબળાઈ રહી.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રાથમિક સર્વેમાં  નવેમ્બરની  સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સાધારણ વધારો

ઉત્પાદન ક્ષેત્રમાં ભરતી સહેજ વધી જ્યારે સેવા ક્ષેત્રમાં ઘટાડો
મુંબઈ : ચાલી રહેલા નવેમ્બરમાં દેશમાં પ્રાથમિક સર્વે પ્રમાણે ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિમાં સાધારણ વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની સારી કામગીરીને પરિણામે સેવા ક્ષેત્રમાં ધીમી ગતિની અસર ભરપાઈ થઈ શકી હતી એમ એચએસબીસી ફલેશ ઈન્ડિયા પરચેઝિગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) રિપોર્ટમાં જણાવાયુ હતું.
ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પ્રાથમિક પીએમઆઈ નવેમ્બરમાં વધી ૫૬.૩૦ જોવા મળ્યો છે. ઓકટોબરમાં સંયુકત પીએમઆઈ૫૬.૨૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ થયાનું ગણાય છે.
વર્તમાન મહિનામાં ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૬.૦૦ સાથે નવ મહિનાની ટોચે રહ્યો હતો જે ઓકટોબરમાં ૫૪.૭૦ જોવા મળ્યો હતો. બીજી બાજુ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી પડી છે. સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે ઓકટોબરમાં ૫૫.૮૦ હતો તે નવેમ્બરમાં પ્રારંભિક અંદાજમાં ઘટી ૫૫.૩૦ રહ્યો છે.
ઘરઆંગણે નવા ઓર્ડરના ટેકા સાથે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે સેવા ક્ષેત્રમાં વિદેશમાંથી સારા ઓર્ડર મળ્યા છે, પરંતુ ઘરઆંગણે તેમાં નબળાઈ જોવા મળી છે.
નવા વેપારમાં જૂન બાદ સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે. બજારની સાનુકૂળ સ્થિતિને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. ફાર્મા, કેમિકલ્સ, ઈલેકટ્રોનિકસ, મેટલ્સ સહિતના ક્ષેત્રોમાં સારી માગ નીકળી છે. નિકાસ ઓર્ડરમાં પણ વધારો જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વેપારની સ્થિતિને ધ્યાનમાં રાખી ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓએ કર્મચારીઓની ભરતીમાં વધારો કર્યો છે જ્યારે સેવા ક્ષેત્રની કંપનીઓએ કર્મચારીબળમાં ઘટાડયો છે. એક વર્ષમાં પહેલી જ વખત ઘટાડો જોવા મળ્યો છે.
કાચા માલના ખર્ચ મોરચે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રને રાહત રહી છે, પરંતુ કામકાજ પાછળનો ખર્ચ સાધારણ વધ્યો છે. નવેમ્બરમાં બિઝનેસ કોન્ફિડેન્સ વધ્યો છે અને આગામી બાર મહિના માટેનો આશાવાદ મે બાદ સૌથી ઊચો રહ્યો છે.