અમદાવાદ : ડિસેમ્બર ક્વાર્ટરમાં રિટેલ લોનની બાકી રકમ ૧૮.૧ ટકા વધીને રૂ.૧૬૨ લાખ કરોડ થઈ છે. સોનાના ભાવમાં વધારો, તહેવારોની માંગ અને જીએસટી દરમાં ઘટાડો થવાથી લોન વિતરણમાં વધારો થયો છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે.
ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની સીઆરઆઈએફ હાઇ માર્કના આ અહેવાલ મુજબ, હાઉસિંગ લોન સેગમેન્ટ રિટેલ લોનનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ સેગમેન્ટની બાકી લોન રકમ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૫ ક્વાર્ટર દરમિયાન ૧૦.૫ ટકા વધીને રૂ. ૪૩ લાખ કરોડ થઈ છે. આ દરમિયાન, ગોલ્ડ લોનમાં ૪૪.૧ ટકાનો તીવ્ર વધારો જોવા મળ્યો છે અને બાકી રકમ રૂ. ૧૬.૨ લાખ કરોડ સુધી પહોંચી છે.
ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન પર્સનલ લોન બાકી ૧૧.૬ ટકા વધીને રૂ.૧૫.૯ લાખ કરોડ થઈ છે. જીએસટી દરમાં ઘટાડાને કારણે વાહન લોનમાં વાર્ષિક ધોરણે ૧૪.૬ ટકા, ટુ-વ્હીલર લોનમાં ૧૨.૩ ટકા અને કન્ઝયુમર ડયુરેબલ્સ લોનમાં ૧૪.૩ ટકાનો વધારો થયો છે.
સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એકમાત્ર માલિકીની સંસ્થાઓ (સોલ પ્રોપરાઈટશિપ એન્ટિટિ)ને બાકી રહેલી લોનમાં ૨૬.૨ ટકાનો વધારો થયો છે. એસેટ ક્વોલિટીના મોરચે ૩૦થી ૧૮૦ દિવસની ડિલિન્ક્વન્સી ધરાવતી રિટેલ લોનનું પ્રમાણ ડિસેમ્બર ૨૦૨૫માં ઘટીને ૨.૮ ટકા થયું છે, જે એક વર્ષ પહેલા ૩.૨ ટકા હતું. હાઉસિંગ લોનના સંદર્ભમાં, એક્ટિવ લોન એકાઉન્ટની સંખ્યામાં ૩.૩ લાખનો વધારો થયો છે, જે સરેરાશ લોન કદમાં વધારો દર્શાવે છે.


