ભારતની વાર્ષિક ઓઈલ આયાતમાં 8 વર્ષ બાદ OPECનો હિસ્સો વધ્યો

અમદાવાદ : ૨૦૨૪માં ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં ઓપેકનો હિસ્સો વધ્યો છે. નવ વર્ષમાં પ્રથમ વખત ભારતના ઓઈલ ઈમ્પોર્ટમાં ઓપેક સમૂહનો હિસ્સો વધ્યો છે. મહત્વનું છે કે ૨૦૨૪માં સસ્તી આયાત છતા અમેરિકા તરફથી પ્રતિબંધની આશંકાએ ટોચના સપ્લાયર રશિયાનો હિસ્સો સ્થિર રહ્યો છે. મહત્વનું છે કે ગત શુક્રવારે વોશિંગ્ટને રશિયન ઉત્પાદકો અને ટેન્કરોને ટાર્ગેટ કરવા કડક પ્રતિબંધોની જાહેરાત કરતા વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાતકાર અને ગ્રાહક દેશ ભારતની ઓઈલ માંગમાં રશિયાનો હિસ્સો ૨૦૨૫માં ઘટવાની ધારણા છે.
ડેટા દર્શાવે છે કે ભારતે ૨૦૨૪માં દરરોજ ૪.૮૪ મિલિયન બેરલ તેલ આયાત કર્યું હતું, જે પાછલા વર્ષ કરતાં ૪.૩ ટકા વધુ છે. ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝનો હિસ્સો ૨૦૨૪માં ભારતની ક્રૂડ આયાતમાં વધીને લગભગ ૫૧.૫ ટકા થયો છે, જે ૨૦૨૩માં ૪૯.૬ ટકા હતો.
૨૦૨૪ના વર્ષમાં રશિયાનો હિસ્સો લગભગ ૩૬ ટકા આસપાસ સ્થિર રહ્યો છે તેમ ડેટા રિપોર્ટમાં જણાવાયું છે. ભારતીય રિફાઇનર્સે ૨૦૨૪ના અંતથી મધ્ય પૂર્વીય ગ્રેડની ખરીદીમાં વધારો કર્યો છે.
ડિસેમ્બરમાં ભારતની ક્રૂડ આયાતમાં મધ્ય પૂર્વીય ઓઈલનો હિસ્સો ૨૨ મહિનાની ટોચે પહોંચીને લગભગ ૫૨ ટકા થયો છે તેમ ડેટા દર્શાવે છે. જોકે ડિસેમ્બરમાં રશિયા ભારતનું ટોચનું ઓઈલ સપ્લાયર રહ્યું હતુ અને ત્યારબાદ ઇરાક અને સાઉદી અરેબિયા સૌથી મોટા નિકાસકાર રહ્યાં હતા.
પશ્ચિમી દેશોએ ભાવ મર્યાદા લાદ્યા પછી અને મોસ્કો પાસેથી ખરીદી ટાળ્યા પછી રિફાઇનર્સ દ્વારા મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરાતા ભારત સહિતના દેશો રશિયન ઓઈલ તરફ આકર્ષાયા હતા અને તાજેતરના વર્ષોમાં રશિયા ભારતનું ટોચનું સપ્લાયર બન્યું હતુ. તેના કારણે ભારતમાં ઓપેકનો બજાર હિસ્સો ૨૦૨૩માં લગભગ ૫૦ ટકા થઈ ગયો હતો, જે ૨૦૨૨માં ૬૪.૫ ટકા હતો. જોકે ૨૦૧૬થી જ ઓપેકનો હિસ્સો પણ સતત ઘટી રહ્યો છે કારણકે ભારતીય રિફાઇનર્સે ખર્ચ ઘટાડવા માટે તેમની ખરીદીમાં વિવિધતા લાવવાની શરૂઆત કરી હતી.




