Get The App

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે 1 - image


Nvidia Bonus: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ બનાવતી અમેરિકન દિગ્ગજ કંપની એનવીડિયાએ ભારતમાં કામ કરતાં તેના કર્મચારીઓ માટે ખજાનો ખોલી દીધો છે. ભારતમાં કંપનીના અંદાજે 10,000 કર્મચારીઓ છે. જેમાંથી મોટાભાગના લોકોને જેન્સન સ્પેશિયલ સ્ટોક ગ્રાન્ટ હેઠળ શેરના રૂપમાં મોટું બોનસ મળ્યું છે.

5 લાખથી 1 કરોડ સુધીનું બોનસ

રિપોર્ટ મુજબ, કર્મચારીઓને મળનારી આ બોનસની રકમ 5 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની છે. આ રકમ આગામી 4 વર્ષમાં ધીમે-ધીમે હપ્તાવાર કર્મચારીઓને મળશે. આ સ્પેશિયલ ગ્રાન્ટ અંતર્ગત કર્મચારીઓને તેમના શરૂઆતના રેસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ્સ(RSU)ના વધારાના 25 ટકા શેર મળ્યા છે.

પૈસા ક્યારે અને કેવી રીતે મળશે?

આ રકમ ચાર વર્ષના ગાળામાં આપવામાં આવશે. તેની કિંમત 898.2 ડૉલરના સરેરાશ શેર ભાવ પર નક્કી કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બર, 2024થી 6.25 ટકાના પ્રથમ હપ્તા સાથે તેની શરૂઆત થઈ ચૂકી છે. હવે વર્ષ 2028 સુધી દર ત્રિમાસિક ગાળે તેના હપ્તા આપવામાં આવશે. 

આ પણ વાંચો: યુરોપિયન દેશો ટ્રમ્પનો ખેલ પાડી દેવાના મૂડમાં, હોર્મુઝ સ્ટ્રેટ માટે બનાવ્યો 'સીક્રેટ પ્લાન'!

એન્જિનિયરોનો પગાર સાંભળીને આંખો પહોળી થઈ જશે

એનવીડિયામાં કામ કરતાં એન્જિનિયરોની સેલરી અને પેકેજ હાલમાં આઇટી સેક્ટરમાં ચર્ચાનો વિષય છે. ટોપ એન્જિનિયર્સને સ્ટોક ઍવૉર્ડ્સ સાથે તેમનો વાર્ષિક પગાર 2થી 3 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. મિડ-લેવલ કર્મચારીઓને સ્પેશિયલ ગ્રાન્ટ હેઠળ વધારાના 8 RSU (કિંમત અંદાજે 5.3 લાખ) મળી રહ્યા છે, જે તેમના વાર્ષિક ઈક્વિટી ગ્રાન્ટ ઉપરાંતના છે. એનવીડિયામાં કુલ સેલરી પેકેજમાં ઈક્વિટી(શેર)નો હિસ્સો 50થી 75 ટકા જેટલો હોય છે.

દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની

માર્કેટ કેપની દૃષ્ટિએ એનવીડિયા હાલમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની છે, જેનું માર્કેટ કેપ અંદાજે 4.776 ટ્રિલિયન ડૉલર છે. સીઈઓ જેન્સન હુઆંગની આ સ્પેશિયલ ગ્રાન્ટ રણનીતિને કારણે કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.