ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા
GST On UPI Transaction OF 2000 Rupees: કેન્દ્ર સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવતી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવાઓ પર જીએસટી લાદવાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યો છે. સરકારે યુપીઆઈ મારફત રૂ. 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાદવાની કોઈ યોજના ન હોવાની સ્પષ્ટતા કરી છે. રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે GST કાઉન્સિલે 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાદવાની કોઈ ભલામણ કરી નથી.
જીએસટી લાદવાની અટકળો
છેલ્લા કેટલાક સમયથી અટકળો વહેતી થઈ હતી કે, જીએસટી કાઉન્સિલ યુપીઆઈ મારફત રૂ.2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાદવા વિચારણા કરી રહ્યું છે. ટૂંકસમયમાં તેનો અમલ થશે. કર્ણાટકના વેપારીઓને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના આંકડાઓના આધારે જીએસટી માગની નોટિસ મળતાં કેન્દ્ર સરકારે આ મુદ્દે સ્પષ્ટતા આપી હતી કે, જીએસટી લાદવાની કોઈ યોજના નથી.
કેન્દ્ર અને રાજ્યના નિવેદનમાં વિરોધાભાસ
કેન્દ્રીય ખાદ્ય, જાહેર વિત્તરણ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નાના વેપારીઓ તરફથી જાહેર કરવામાં આવેલી જીએસટી નોટિસ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી નહીં. જ્યારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ દાવા પર સ્પષ્ટતા આપી હતી કે, નોટિસ જાહેર કરવામાં રાજ્યની કોઈ ભૂમિકા નથી. તેમણે જોષીના આ નિવેદને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું.
કર્ણાટક સરકારે નોટિસ પાઠવી હોવાનો દાવો
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, કર્ણાટકના કોમર્શિયલ ટેક્સ ઓફિસર્સે નાના વેપારીઓને જીએસટી બાકી હોવાની નોટિસ પાઠવી હતી. તેમ છતાં રાજ્ય સરકાર ખોટુ બોલી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે, આમાં તેને કોઈ હાથ નથી. તે માત્ર જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે. જો નોટિસ કેન્દ્ર સરકાર દ્વારા પાઠવવામાં આવી હોત તો અન્ય રાજ્યોના વેપારીઓને પણ મળી હોત. પરંતુ આમ કંઈ બન્યું નથી આ નોટિસ માત્ર કર્ણાટકમાં જ કેમ મોકલાઈ? વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, જીએસટીના કેન્દ્ર સરકારના આધિન સીજીએસટી અને રાજ્ય સરકારોને આધિન એસજીએસટી બે ઘટક છે. કર્ણાટકના નાના વેપારીઓને આ નોટિસ રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મળી હતી.