Get The App

નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી 310 પોઈન્ટ ઉછળ્યો

- યુરોપમાં તેજી : અમેરિકી બજારોમાં તેજી આગળ વધી

- ઈરાન-અમેરિકા વચ્ચે ફરી શાંતી મંત્રણાના અહેવાલે વૈશ્વિક બજારોમાં રિકવરી

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી  310 પોઈન્ટ ઉછળ્યો 1 - image

મુંબઈ : ભારતીય શેર બજારો આજે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિતે બંધ રહ્યા હતા. જ્યારે વૈશ્વિક બજારોમાં આજે ફરી રિલીફ રેલી આવી હતી. ઈરાન-અમેરિકા વચ્ચેની પાકિસ્તાનમાં યોજાયેલી શાંતી મંત્રણાનો પ્રથમ દોર નિષ્ફળ રહેતાં અને અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થનારા કોઈપણ ઈરાન બંદર સંબંધિત જહાજોને રોકશે એવી ચીમકી અને  બીજી તરફ ઈરાન પણ અમેરિકાની શરતો નહીં સ્વિકારીને લડી લેવાના મૂડમાં હોવાની આક્રમકતા બતાવતા વિશ્વ પર ફરી સંકટના વાદળો ઘેરાતાં અને અમેરિકા સામે ચાઈનાએ પણ આક્રમક વલણ અપનાવતાં મામલો બિચકવાના એંધાણ હતા.

પરંતુ ફરી આ મામલે  મિડલ ઈસ્ટના દેશો ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતી મંત્રણા  આગળ વધે એ માટે ફરી પાકિસ્તાનમાં બીજો દોર યોજવાની તરફેણમાં આવતાં વૈશ્વિક બજારોમાં આજે કંઈક અંશે રાહતરૂપી સુધારાનો દોર જોવાયો હતો.

એશીયા-પેસેફિક દેશોના બજારોમાં આજે તેજી જોવાઈ હતી. ઈરાન-અમેરિકા વચ્ચે ઘર્ષણમાં ઉકેલ આવવાની અપેક્ષા અને ફરી વાટાઘાટનો દોર આગળ વધવાના અહેવાલોની પોઝિટીવ અસર જોવાઈ હતી. આ સાથે અમેરિકી શેર બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં ૩૦૨ પોઈન્ટની તેજી અને નાસ્દાકમાં ૨૮૦ પોઈન્ટના ઉછાળાએ બજારને મજબૂતી આપી હતી.

અમેરિકી બજારોમાં ભારતીય આઈટી કંપનીઓ વિપ્રો સહિતના એડીઆરના ભાવ ચારથી પાંચ ટકા વધી આવ્યા હતા. અમેરિકી શેર બજારોમાં  આજે ખુલતામાં સુધારો આગળ વધતો જોવાયો હતો. ડાઉ જોન્સ ખુલતામાં ૩૦૮ પોઈન્ટનો સુધારો અને નાસ્દાકમાં ૩૪૮ પોઈન્ટનો સુધારો જોવાયો હતો.

ઈરાન-અમેરિકા વચ્ચે ઘર્ષણમાં ઉકેલની અપેક્ષાએ ફરી ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટી આવીને સાંજે બ્રેન્ટ ક્રુડ  બેરલ દીઠ ૧.૪૨ ડોલર ઘટીને ૯૭.૯૪ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૩.૧૯ ડોલર ઘટીને ૯૫.૮૯ ડોલર નજીક આવી જતાં વૈશ્વિક બજારોમાં મજબૂતી  જોવાઈ હતી.

એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૩૭૫ પોઈન્ટ ઉછળીને ૫૭૮૭૭, હોંગકોંગનો હેંગસેંગ ૨૧૧ પોઈન્ટ વધીને ૨૫૮૭૨, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૫૫ પોઈન્ટ વધીને ૪૭૦૧, દક્ષિણ  કોરિયાનો કોસ્પી ૧૫૯ પોઈન્ટ વધીને ૫૯૬૭, તાઈવાન વેઈટેજ ૮૩૮ પોઈન્ટ ઉછળીને ૩૬૨૯૬ રહ્યા હતા.

યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૨ પોઈન્ટનો સુધારો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૬૬ પોઈન્ટનો સુધારો અને જર્મનીનો ડેક્ષ ૨૯૫ પોઈન્ટનો સુધારો બતાવતા હતા.