NBFCના ગોલ્ડ લોન પોર્ટફોલિઓની વ્યાપક ચકાસણીની આવશ્યકતાઃ RBI
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોલ્ડ પર લોનના ઊંચા પ્રમાણ સામે પણ ધિરાણદારોને ચેતવણી
મુંબઈ : સોનાના ભાવમાં તાજેતરમાં થયેલા જોરદાર ઘટાડાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસીસ)ને તેમના ગોલ્ડ લોન પોર્ટફોલિઓની વ્યાપક ચકાસણીની આવશ્યકતા હોવાનું જણાવ્યુ હતું.
સોનાના ભાવમાં તાજેતરના ઘટાડાને કારણે મૂલ્યથી લોનનું પ્રમાણ ખોરવાઈ ગયું છે. ગોલ્ડ સામે ૮૫ ટકા જેટલા લોનના ઊંચા પ્રમાણ સામે પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
સોનાના ભાવમાં ૩૫થી ૪૦ ટકા ઘટાડો થયો છે ત્યારે તેમાં વધુ સાવચેત રહેવાની જરૂરત હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠકમાં એનબીએફસીસના સીઈઓ ને તાકીદ કરી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.
સદર બેઠકમાં એનબીએફસીસ ઉપરાંત હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ તથા માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓના ડાયરેકટર્સ તથા એક્ઝિકયૂટિવ્સ પણ હાજર રહ્યા હતા.
ગ્રાહકોને સરળ સેવા, ફરિયાદ નિવારણ માટે અસરકારક યંત્રણા તથા રિકવરીની યોગ્ય પદ્ધતિ પર પણ ગવર્નરે ભાર આપ્યો હતો.
ભારત સહિત વિશ્વના અનેક દેશોની નાણાં સંસ્થાઓ પર સાઈબર હુમલામાં વધારો થયો છે, જેને પરિણામે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સાઈબર સિક્યુરિટી માળખાને મજબૂત બનાવવા પણ નિર્દેશ અપાયો હતો.
એનબીએફસીસ તથા હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા કરાતા ધિરાણ જવાબદારીભર્યા રહે તે પણ આવશ્યક છે.
એપ્લિકેશન પ્રોગ્રામીંગ ઈન્ટરફેસિસ (એપીઆઈસ) સંબંધિત નિયંત્રણોને મજબૂત બનાવવા, થર્ડ પાર્ટી સિસ્ટમ્સ માટે સલામતિ સખત કરવા તથા ફન્ડસ ટ્રાન્સફર પરની દેખરેખ વધારવા આરબીઆઈએ બેન્કો, તથા એનબીએફસીસને આ અગાઉ જ સૂચના આપેલી છે.




