Budget-2026 : દેશના અર્થતંત્ર માટે સૌથી મહત્વના ગણાતા બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રના એજન્ડા અને રણનીતિ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે 27 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદ ભવનના મુખ્ય સમિતિ કક્ષમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ કરશે.
નિર્મલા સીતારમણનું સતત 9મું બજેટ
આ વર્ષનું કેન્દ્રીય બજેટ અનેક રીતે ઐતિહાસિક રહેવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરશે. આ સાથે જ તેઓ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના રેકોર્ડની બરાબરી કરશે. સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે, જેમણે 10 વખત બજેટ રજૂ કર્યું છે.
રવિવારે રજૂ થશે બજેટ : 26 વર્ષ જૂનો ઈતિહાસ પુનરાવર્તિત થશે
આ વખતે પહેલી ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં સરકાર પરંપરા મુજબ તે જ દિવસે બજેટ રજૂ કરશે. ભારતીય સંસદીય ઈતિહાસમાં 26 વર્ષ બાદ આવું બની રહ્યું છે જ્યારે રજાના દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. અગાઉ 1999માં તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ રવિવારે બજેટ રજૂ કર્યું હતું. રવિવાર હોવા છતાં શેરબજાર (BSE અને NSE) પણ આ દિવસે ચાલુ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો : ભારતની મુલાકાત બાદ UAEના પ્રમુખે પાકિસ્તાનને આપ્યો ઝટકો, જાણો શું થયું
બજેટ સત્રનું શિડ્યુઅલ
- 27 જાન્યુઆરી: સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક
- 28 જાન્યુઆરી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રનો પ્રારંભ
- 29 જાન્યુઆરી: આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે
- 01 ફેબ્રુઆરી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટની રજૂઆત
- 13 ફેબ્રુઆરી: સત્રના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ
- 09 માર્ચ: બીજા તબક્કાનો પ્રારંભ
- 02 એપ્રિલ: બજેટ સત્રનું સમાપન
મહત્વના બિલ અને શૂન્યકાળ
28 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં શૂન્યકાળ રહેશે નહીં. લોકસભામાં હાલમાં 9 મહત્વના વિધેયકો પેન્ડિંગ છે, જેમાં 'વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલ 2025' અને 'સિક્યોરિટીઝ માર્કેટ કોડ 2025' જેવા મહત્વના બિલનો સમાવેશ થાય છે. આ બિલ હાલમાં સંસદીય સમિતિઓની તપાસ હેઠળ છે. આ બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સ સ્લેબમાં રાહત અને મોંઘવારીમાંથી મુક્તિ મળે તેવી મોટી આશા સેવાઈ રહી છે.
આ પણ વાંચો : EUના પ્રમુખ ભારતની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત


