Business

54% વધુ શહેરી પરિવારોના મતે 1 વર્ષમાં આર્થિક સ્થિતિ કથળી, RBIના સરવેમાં ચોંકાવનારો દાવો

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં RBIના સર્વે મુજબ, 54% થી વધુ શહેરી પરિવારો માને છે કે છેલ્લા એક વર્ષમાં આર્થિક સ્થિતિ કથળી છે. રોજગાર અને ભાવવધારાની ચિંતાને કારણે ગ્રાહક વિશ્વાસ નબળો પડ્યો છે. 95% લોકોએ ભાવવધારો અનુભવ્યો છે, જ્યારે 84.30% વધુ વધારાની અપેક્ષા રાખે છે. જોકે, આવક અને ખર્ચ અંગે લોકો હજુ પણ આશાવાદી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

54% વધુ શહેરી પરિવારોના મતે 1 વર્ષમાં આર્થિક સ્થિતિ કથળી, RBIના સરવેમાં ચોંકાવનારો દાવો

RBI Report : છેલ્લા એક વર્ષમાં આર્થિક સ્થિતિ કથળી ગઈ હોવાનું 54 ટકાથી વધુ શહેરી પરિવારો માની રહ્યા છે. રોજગાર તથા ભાવમાં થઈ રહેલા વધારાની ચિંતાને પરિણામે કન્ઝયૂમર કોન્ફિડેન્સ પણ નબળો પડી રહ્યો છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના સપ્ટેમ્બર, 2026 માટેના અરબન કન્ઝયૂમર કોન્ફિડેન્સ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.

સર્વેમાં ભાગ લેનારામાંથી 54.50 ટકા લોકોએ સામાન્ય આર્થિક સ્થિતિ કથળી રહી હોવાનું જણાવ્યું હતું. વર્તમાન વર્ષના જુલાઈમાં 50.50 ટકા તથા ગયા વર્ષના સપ્ટેમ્બરમાં 40.90 ટકા લોકો આવું માની રહ્યા હતા.

25.30 ટકા લોકોએ જ આર્થિક સ્થિતિ સુધરી રહી હોવાનું જણાવ્યું હતું જે જુલાઈમાં 27.10 ટકા લોકો માનતા હતા. આરબીઆઈનો સપ્ટેમ્બરનો કરન્ટ સિચ્યુએશન ઈન્ડેકસ (સીએસઆઈ) 87.90 રહ્યો છે જે જુલાઈમાં 88.30 રહ્યો હતો.

આવનારા વર્ષ માટે દેશના પરિવારોનો આશાવાદ નબળો પડયો છે. આગામી 12 મહિના માટેના આઉટલુકમાં પણ ચિંતાના સંકેત જોવા મળ્યા છે. ફ્યુચર એકસપેકટેશન ઈન્ડેકસ (એફઈઆઈ) જે જુલાઈમાં 115.30 હતો તે સપ્ટેમ્બરમાં ઘટી 113.50 જોવા મળ્યો છે. રોજગાર તથા ફુગાવો ચિંતાની મુખ્ય બાબતો રહેલી છે.

સર્વેમાં ભાગ લેનારામાંથી 50 ટકા જેટલા લોકોએ છેલ્લા એક વર્ષમાં રોજગારની સ્થિતિ કથળી હોવાનું જણાવ્યું હતું જ્યારે 35.50 ટકા લોકોએ આગામી 12 મહિનામાં રોજગાર સ્થિતિ વધુ ખરાબ થવાની ધારણાં મૂકી હોવાનું રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું. છેલ્લા એક વર્ષમાં ભાવ વધારો થયો હોવાનું 95 ટકા લોકોએ જણાવ્યું હતું અને ભાવમાં વધુ વધારો થશે એમ 84.30 ટકા લોકો માની રહ્યા છે.

આ બધી ચિંતાઓ છતાં, આવક તથા ખર્ચને મુદ્દે પરિવારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળ્યુ હતું. આર્થિક સ્થિતિ, રોજગાર તથા ભાવમાં વધારા બાબતે ચિંતાઓ છતાંઆવક તથા ખર્ચ અંગે ઉપભોગ માનસ આશાવાદી હોવાનું રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.