ચીપ્સ મોંઘી થતા ભારતમાં મોબાઈલની કિંમતોમાં વૈશ્વિક સ્તરે સૌથી વધુ વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સપ્ટેમ્બરથી ડિસેમ્બરના તહેવારો દરમિયાન વેચાણ મંદ રહેશે
મુંબઈ : મેમરી ચીપ્સના ભાવમાં વધારો થવાને કારણે વર્તમાન વર્ષમાં દેશમાં સ્માર્ટફોનની કિંમતમાં ગયા વર્ષની સરખામણીએ સરેરાશ વીસ ટકા વધારો થયો છે. વૈશ્વિક સ્તરે સરેરાશ ૧૫ ટકા વધારા સામે ભારતમાં ભાવ વધારો સૌથી ઊંચો રહ્યો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયુ હતું.
ભારતની મોબાઈલ માર્કેટમાં ૫૦ ટકા મોબાઈલ નીચા તથા મધ્યમ ભાવ સેગમેન્ટના છે. મોબાઈલ ફોનના ભાવ રૂપિયા ૨૦,૦૦૦થી નીચે છે.
ભારતની સરખામણીએ અન્ય દેશો જેમ કે, ચીન, અમેરિકા તથા યુરોપમાં મોબાઈલની કિંમતમાં અનુક્રમે સરેરાશ દસ ટકા, પાંચ ટકા અને સાત ટકા વધારો થયો છે. બીજી બાજુ એશિયા-પેસિફિક બજારોમાં ૧૯ ટકા અને મધ્ય પૂર્વ તથા આફ્રિકાની બજારોમાં ૧૮ ટકા વધારો જોવા મળ્યો છે. લેટિન અમેરિકામાં ૧૬ ટકા વૃદ્ધિ જોવા મળી છે.
દરમિયાન ભાવ વધારાને પરિણામે સપ્ટેેમ્બરથી ડિસેમ્બર સુધીની વર્તમાન વર્ષની તહેવારોની મોસમમાં સ્માર્ટફોનની માગ મંદ રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. ઊંચા ભાવ અને નીચા ડિસ્કાઉન્ટને કારણે ગ્રાહકો પોતાની ખરીદી ઢીલમાં મૂકશે તેવી શકયતા નકારાતી નથી.
આ અગાઉના બે ત્રિમાસિક ગાળામાં પણ વેચાણ મંદ રહ્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે દેશમાં તહેવારો દરમિયાન સ્માર્ટફોન પર સારા ડિસ્કાઉન્ટ ઓફર થતા હોય છે અને ગ્રાહકો તેની રાહ પણ જોતા હોય છે. પરંતુ આ વર્ષ સ્થિતિ બદલાયેલી છે અને રિટેલમાં મોટા ડિસ્કાઉન્ટની શકયતા જોવાતી નથી.
તહેવારો દરમિયાન વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો જોવા મળવાની પણ શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.




