India

વાવાઝોડું ‘અર્નબ’ બન્યું અતિ રૌદ્ર : દેશના 8 રાજ્યો પર સંકટ, કેન્દ્ર સરકાર પણ હાઈ એલર્ટ પર

By GS Team
26 Oct 20263 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત 'અર્નબ' વધુ વિકરાળ બની, બુધવારે સવાર સુધીમાં આંધ્રપ્રદેશના બાપટલા-વિશાખાપટ્ટનમ વચ્ચેના યાનમ નજીક દરિયાકાંઠે ટકરાશે. 140 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી. આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત 9 રાજ્યો અને પુડુચેરીમાં એલર્ટ જાહેર કરાયું છે. તમિલનાડુના નાગપટ્ટિનમ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવાઝોડું ‘અર્નબ’ બન્યું અતિ રૌદ્ર : દેશના 8 રાજ્યો પર સંકટ, કેન્દ્ર સરકાર પણ હાઈ એલર્ટ પર

Cyclone Arnab Alert In India : બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘અર્નબ’ વધુ વિકરાળ બનીને ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ ગંભીર ચક્રવાતી તોફાનમાંથી અતિ ગંભીર તોફાનમાં ફેરવાઈ રહી છે. આ કુદરતી આફતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી છે. વાવાઝોડાની અસર હેઠળ આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત પુડુચેરીમાં તંત્રને સંપૂર્ણપણે એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ થવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું બુધવારે સવાર સુધીમાં આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આવેલા યાનમ આસપાસ દરિયાકાંઠે ટકરાઈ શકે છે. લેન્ડફોલ વખતે પવનની ઝડપ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝાટકા સાથે 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તમામ જિલ્લાઓમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને કાંઠા વિસ્તારમાં સતત ચેતવણી આપવા આદેશ આપ્યા છે.

ઓડિશામાં 27 થી 29 ઓક્ટોબર અતિભારે વરસાદની ચેતવણી

આઈએમડી ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, વાવાઝોડું 26 ઓક્ટોબરની મધ્યરાત્રિ સુધીમાં ગંભીર અને 27 ઓક્ટોબર સુધીમાં અતિ ગંભીર ચક્રવાતમાં ફેરવાશે. તેના કારણે ઓડિશામાં 27 થી 29 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં પુરી, ગંજમ, ગજપતિ, રાયગડા અને કોરાપુટમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 30 ઓક્ટોબરથી વરસાદનું પ્રમાણ ઘટશે.

તમિલનાડુના દરિયાકાંઠે કરંટ

વાવાઝોડું તીવ્ર બનતાં તમિલનાડુના દરિયાકાંઠે મોજાં ઉછળવા લાગ્યા છે અને દરિયો તોફાની બન્યો છે. સાવચેતીના ભાગરૂપે નાગપટ્ટિનમ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધીને ચક્રવાતી તોફાન બની ચૂકી છે.

બંગાળમાં કડક સુરક્ષા વ્યવસ્થા

પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને દાર્જિલિંગ જેવા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર પર નિયંત્રણ મુકાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું સંકટ

વાવાઝોડાના પ્રભાવથી ઉત્તર પ્રદેશમાં 28 થી 31 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે. રાજ્યમાં 28 ઓક્ટોબરે સોનભદ્ર, વારાણસી અને મિર્ઝાપુર સહિતના જિલ્લાઓમાં 30 થી 40 કિમીની ગતિએ પવન ફૂંકાવા સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 29 ઓક્ટોબરે પ્રયાગરાજ, કૌશામ્બી અને ચિત્રકૂટ સહિત 10 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આશંકાને કારણે ઓરેન્જ એલર્ટ અપાયું છે. વરસાદને પગલે રાજ્યમાં તાપમાનમાં 5 થી 8 ડિગ્રી સુધીનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે.

ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સલાહ

યુપી રાહત કમિશનર કાર્યાલય દ્વારા નાગરિકોને વાવાઝોડા દરમિયાન કાચા બાંધકામ, મોટા ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવા તથા અનિવાર્ય ન હોય તો મુસાફરી ટાળવા વિનંતી કરવામાં આવી છે. આકાશી વીજળીથી બચવા ખુલ્લા મેદાનો કે ખેતરોમાં ન જવા તાકીદ કરાઈ છે. ખેડૂતોને પોતાના તૈયાર પાક અને અનાજને સુરક્ષિત રાખવા તેમજ પશુધનને સલામત જગ્યાએ ખસેડવા માટે ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.