Get The App

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
Meta layoffs May 2026


(IMAGE - IANS)

Meta layoffs May 2026: અમેરિકન ટેક દિગ્ગજ કંપની મેટા(ફેસબુક) આવતા મહિને તેના ગ્લોબલ વર્કફોર્સમાં મોટો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ મુજબ, કંપની તેના કુલ કર્મચારીઓના ઓછામાં ઓછા 10 ટકા એટલે કે અંદાજે 8,000 કર્મચારીઓને છૂટા કરી શકે છે. એટલું જ નહીં, વર્ષના બીજા ભાગમાં પણ વધુ છટણી થવાની શક્યતા છે. જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના વિકાસ સાથે જોડાયેલી યોજનાઓ સંપૂર્ણ રીતે લાગુ થશે, તો કંપની તેના કુલ કર્મચારીઓના 20% એટલે કે લગભગ 16,000 જેટલી નોકરીઓમાં કાપ મૂકી શકે છે. ડિસેમ્બર 2025 સુધી મેટામાં આશરે 79,000 કર્મચારીઓ કાર્યરત હતા. જોકે, માર્ક ઝુકરબર્ગની કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ટેક ક્ષેત્રમાં નોકરીઓનો કપરો કાળ

વર્ષ 2026માં વિશ્વભરની ટેક કંપનીઓમાં છટણીનો સિલસિલો ખૂબ જ ઝડપી બન્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ 80,000થી વધુ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને આ આંકડો વર્ષના અંત સુધીમાં 3 લાખને પાર કરી શકે છે. નિષ્ણાતોના મતે, કોવિડ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી આડેધડ ભરતી બાદ હવે કંપનીઓ સંતુલન જાળવવા માટે આ પગલાં ભરી રહી છે. 2021 પછી અત્યાર સુધીમાં દુનિયાભરમાં 10 લાખથી વધુ ટેક નોકરીઓ ખતમ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી

છટણી પાછળ AI અને ઓટોમેશન મુખ્ય કારણ

મહત્ત્વની વાત એ છે કે, 2026માં થઈ રહેલી લગભગ અડધી છટણી પાછળ AI અને ઓટોમેશન મુખ્ય કારણ માનવામાં આવે છે. આ છટણીની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી છે, જ્યાં અત્યાર સુધીમાં આશરે 77 ટકા નોકરીઓ ગઈ છે. કંપનીઓની વાત કરીએ તો, ઓરેકલે અત્યાર સુધીમાં સૌથી વધુ 25,000થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે, જ્યારે એમેઝોને પણ લગભગ 16,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. ટેક કંપનીઓ હવે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે સામાન્ય કર્મચારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી 2 - image