Business

MCX : સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો: ચાંદી 8,680 રૂપિયા તૂટી, સોનું 3,311 રૂપિયા સસ્તું થયું

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
મંગળવારે, 24 નવેમ્બર, 2026ના રોજ MCX પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ગુરુ નાનક જયંતિ બાદ સાંજે બજાર ખુલતા જ ચાંદી 1.50 લાખની સપાટી તોડી 8,680 રૂપિયા ઘટી 1,45,537 રૂપિયા પ્રતિ કિલો થઈ. જ્યારે સોનું 3,311 રૂપિયાના ઘટાડા સાથે 1,22,685 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું. આ ઘટાડો વેચવાલીના દબાણને કારણે નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

MCX : સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો: ચાંદી 8,680 રૂપિયા તૂટી, સોનું 3,311 રૂપિયા સસ્તું થયું

MCX Silver-Gold Price Today : એક દિવસના ઉછાળા બાદ મંગળવારે (24 નવેમ્બર, 2026) સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગુરુ નાનક જયંતિની રજા હોવાથી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારનું સત્ર બંધ રહ્યું હતું, પરંતુ સાંજે 5 વાગ્યે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રાત્રે 9.30 વાગ્યા સુધીના ટ્રેડિંગમાં ચાંદી 1.50 લાખની સપાટી તોડીને નીચે ઉતરી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ 3,300 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

ચાંદીના ભાવમાં 8,680 રૂપિયાનો મોટો ઘટાડો

મંગળવારે સાંજે MCX પર 4 ડિસેમ્બર, 2026ની એક્સપાયરી ધરાવતા 1 કિલો ચાંદીના વાયદાનો ભાવ 1,49,233 રૂપિયા પર ખુલ્યો હતો, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 1,54,217 રૂપિયા પર બંધ થયો હતો. બજાર ખુલતાની સાથે જ 4,984 રૂપિયાના ઘટાડા બાદ સત્ર દરમિયાન ચાંદીએ 1,51,200 રૂપિયાની ઊંચી સપાટી (High) બનાવી હતી. જોકે, ત્યારબાદ ફરી વેચવાલી નીકળતા તે 1,49,233 રૂપિયાની નીચલી સપાટી (Low) તોડીને વધુ નીચે ગઈ હતી અને રાત્રે 9.30 વાગ્યે 8,680 રૂપિયાના મોટા ઘટાડા સાથે 1,45,537 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.

ઓલ-ટાઈમ હાઈ અને નવેમ્બર મહિનામાં ચાંદીની ચાલ

સતત ઘટાડાને કારણે ચાંદી હવે તેના સર્વોચ્ચ સ્તરથી ઘણી નીચે આવી ગઈ છે. 29 જાન્યુઆરીના રોજ વાયદા બજારમાં ચાંદી 4,20,048 રૂપિયા પ્રતિ કિલોની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી, જ્યાંથી હવે તે 2,74,511 રૂપિયા સસ્તી મળી રહી છે. નવેમ્બર મહિનાના 24 દિવસમાં મોટાભાગના સત્રોમાં ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસે 1 કિલો ચાંદીનો ભાવ 1,79,132 રૂપિયા પર બંધ થયો હતો, જેની સરખામણીએ નવેમ્બરમાં અત્યાર સુધીમાં ચાંદી 33,595 રૂપિયા પ્રતિ કિલો તૂટી ચૂકી છે.

સોનાના ભાવમાં પણ 3,311 રૂપિયાનો કડાકો

ચાંદીની સાથે-સાથે સોનાની ચમક પણ ફીકી પડી છે. MCX પર 4 ડિસેમ્બર, 2026ની એક્સપાયરી ધરાવતું 10 ગ્રામ સોનું અગાઉના સત્રમાં 1,25,996 રૂપિયા પર બંધ થયું હતું. મંગળવારે સાંજે બજાર ખુલતાની સાથે જ સોનું 1,555 રૂપિયા ઘટીને 1,24,441 રૂપિયા પર ખુલ્યું હતું. કારોબાર દરમિયાન સોનાએ 1,25,549 રૂપિયાની હાઈ સપાટી બનાવી હતી, પરંતુ ત્યારબાદ તેમાં મોટો કડાકો બોલાયો હતો. સોનું 1,24,402 રૂપિયાની દિવસની લો સપાટી તોડીને વધુ નીચે ગબડ્યું હતું અને રાત્રે 9.30 વાગ્યે અગાઉના બંધ ભાવથી 3,311 રૂપિયા તૂટીને 1,22,685 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.