Business

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ પડી પાંચ વર્ષના તળિયે

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં જુલાઈમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ લગભગ પાંચ વર્ષની નીચી સપાટીએ રહી. HSBCના સર્વે મુજબ, વેચાણ અને કાચા માલની ખરીદી ધીમી પડતાં ઉત્પાદન અને રોજગાર નિર્માણ પર અસર થઈ છે. જુલાઈનો PMI 53.50 રહ્યો, જે જૂનના 54.20 કરતાં ઓછો છે. પશ્ચિમ એશિયામાં તણાવને કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જોકે નિકાસ ઓર્ડર મજબૂત રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ પડી પાંચ વર્ષના તળિયે

જુલાઈમાં સતત ત્રીજા મહિને રોજગાર નિર્માણ નબળુ રહ્યું
ઉત્પાદન ક્ષેત્રનો જુલાઈનો પીએમઆઈ ૫૩.૫૦, જે જૂનમાં ૫૪.૨૦ હતો : ૨૦૨૧ના ઓગસ્ટમાં ૫૨.૩૦ જોવાયા બાદ ચાલુ વર્ષમાં જુલાઈનો પીએમઆઈ સૌથી નીચો રહ્યો
મુંબઈ : દેશમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ જુલાઈમાં નબળી પડીને લગભગ પાંચ વર્ષની નીચી સપાટીએ રહી હતી. વેચાણ તથા કાચા માલની ખરીદી ધીમી પડતા તેની અસર ઉત્પાદન પર પડી હતી. પશ્ચિમ એશિયામાં નવેસરની તાણને પરિણામે ઉત્પાદન ક્ષેત્રમાં કામકાજ ઘટી ગયુ હતુ જેને કારણે રોજગાર નિર્માણ પર પણ અસર પડી હતી એમ એચએસબીસીના ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
ઉત્પાદન ક્ષેત્રનો જુલાઈનો પીએમઆઈ ૫૩.૫૦ રહ્યો હતો જે જૂનમાં ૫૪.૨૦ હતો. ૨૦૨૧ના ઓગસ્ટમાં ૫૨.૩૦ જોવાયા બાદ વર્તમાન વર્ષના જુલાઈનો પીએમઆઈ સૌથી નીચો રહ્યો છે. નવા ઓર્ડરો, ઉત્પાદન, રોજગાર, પૂરવઠેદારોનો ડિલિવરી સમયગાળો તથા સ્ટોકસને ધ્યાનમાં રાખી પીએમઆઈ તૈયાર કરવામાં આવે છે.
૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. જુલાઈમાં સતત ૫૭માં મહિને પીએમઆઈ ૫૦ની ઉપર રહેવા પામ્યો છે. પૂરવઠેદારોનો ડિલિવરીનો સમયગાળો ઘટી રહ્યો છે જે એક સારી નિશાની છે. જોકે પશ્ચિમ એશિયામાં નવેસરની તાણને જોતા આ સ્થિતિ કેટલી લાંબી ટકે છે તે જોવાનું રહેશે. ઉત્પાદકો કાચા માલ તથા ફિનિશ્ડ પ્રોડકટસ બન્નેનો સ્ટોક વધારી રહ્યા છે.
શકય ખલેલને ધ્યાનમાં રાખી માલસામાનનો સ્ટોકસ કરવામાં આવી રહ્યો છે, એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે. નવા ઓર્ડરમાં વધારો છેલ્લા ચાર કરતા વધુ વર્ષમાં બીજો નબળો વધારો છે. વેચાણ વૃદ્ધિ પણ ૨૦૨૨ના મધ્ય બાદ સૌથી ધીમી જોવા મળી છે.
જુલાઈમાં કન્ઝયૂમર ગુડસ માટે નવા ઓર્ડરોમાં ધીમો વધારો થયો છે. જુલાઈમાં સતત ત્રીજા મહિને રોજગાર નિર્માણ નબળુ રહ્યું છે.
ખર્ચના દબાણમાં સતત પાંચમા ં મહિને ઘટાડો થયો છે. પરંતુ પરિવહન ખર્ચ ઊંચો રહેતા વેચાણ ભાવમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. નિકાસ ઓર્ડરો મજબૂત રહ્યા છે એટલું જ નહીં જુલાઈમાં પૂરવઠા સાંકળમાં સુધારો જોવાયો છે. જેને કારણે ઉત્પાદકો જૂનની સરખામણીએ કાચા માલનો સ્ટોક ઝડપથી ઊભો કરી શકયા છે.