તમે પણ ચેતી જજોઃ GSTના નામે છેતરપિંડી, નકલી કંપનીઓ બનાવી કરોડોની હેરાફેરી

GST Fraud In Maharashtra : મહારાષ્ટ્રના ઠાણેની સાયબર પોલીસે હાઈટેક GST છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આમાં રૂપિયા 75.48 કરોડની રકમની ટેક્સ સિસ્ટમમાં હેરાફેરી કરવામાં આવી હતી. આ કેસમાં મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતા એક મુખ્ય આરોપી અને તેના સાથીદારો પર લેપટોપ સેલ્સ સર્વિસ પ્રોફેશનલની ઓનલાઇન ઓળખનો દુરુપયોગ કરીને ફ્રોડ કરવાનો આરોપ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
આરોપીએ પહેલા દોસ્તી કરી, પછી ID અને પાસવર્ડ મેળવ્યો
પોલીસના જણાવ્યા મુજબ, આ હાઈટેક કૌભાંડ નવેમ્બર 2024થી એપ્રિલ 2025ની વચ્ચે આચરવામાં આવ્યું હતું. આરોપીઓએ હાઈટેક ષડયંત્ર રચીને લેપટોપ સેલ્સ પ્રોફેશનલ અને તેના મિત્રને વિશ્વાસમાં લઈ લીધા હતા. આરોપીએ બંનેને વિશ્વાસ આપ્યો કે, તે તેમની મદદથી ઑનલાઇન GST ફાઈલિંગ કરશે. ત્યારબાદ આ બહાનું કાઢીને તેણે તેમનો યુઝર આઈડી અને પાસવર્ડ મેળવ્યો હતો.
આ પણ વાંચો : અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઑફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત
નકલી કંપનીઓના નામે બનાવ્યા કરોડોના બોગસ બિલ
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીએ પ્રોફેશનલ અને મિત્રના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને જીએસટી નંબરનો પણ દુરુપયોગ કર્યો હતો. તેણે જીએસટી નંબરથી નકલી અથવા ફર્જી કંપનીઓના નામે ખોટા બિલ જમા કરાવ્યા હતા. આ બનાવટી બિલ દ્વારા કુલ રૂપિયા 75,48,42,087નું ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ઊભું કરવામાં આવ્યું હતું. સિસ્ટમમાં કરોડો રૂપિયાનો કારોબાર થયું હોવાનું બતાવાયું, પરંતુ આ બધુ વાસ્તવમાં કૌભાંડ હતું.
નોટિસ આવતા છેતરપિંડી થઈ હોવાનું ખબર પડ્યું : ફરિયાદી
33 વર્ષના ફરિયાદીએ 31 ઓક્ટોબરે પોલીસને કહ્યું કે, ‘અમારા નામે નકલી જીએસટી ક્લેમની નોટિસ આવી હતી, ત્યારબાદ મને અને મારા મિત્રને છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. જ્યારે મેં એકાઉન્ટની તપાસ કરાવી, ત્યારે આખો ખેલ સામે આવ્યો. કોઈએ મારી આઈડીનો ઉપયોગ કરીને કરોડોની છેતરપિંડી કરી હતી. મુખ્ય આરોપી મુંબઈના અંધેરીમાં રહે છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

