‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ

Raghuram Rajan On India-US Trade Deal : પૂર્વ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર રઘુરામ રાજને ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર સમજૂતીની ચર્ચા-વિચારણા અંગે કેન્દ્ર સરકારને મહત્ત્વની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, ‘અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા સુધીના ટેરિફ ઝિંક્યો છે, તો ભારતે 10થી 20 ટકાની વચ્ચે ટેરિફ રાખવાનું લક્ષ્ય રાખવું જોઈએ.’
‘ભારતે 10થી 20 ટકા ટેરિફનું લક્ષ્ય રાખવું જોઈએ’
અમેરિકન મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રઘુરામ રાજનને કહ્યું કે, ‘જો ટેરિફ મર્યાદા શૂન્ય હોય તો શ્રેષ્ઠ ગણાશે. અન્ય વિકાસશીલ દેશોએ નીચા ટેરિફ સ્તર હાંસલ કરી લીધા છે, ત્યારે ભારત પરનો ટેરિફ દર પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાના હરીફ દેશો સાથે સ્પર્ધાત્મક કરી શકે, તેટલો હોવો જોઈએ. આ માટે ભારતે અમેરિકા સાથેની વાતચીતમાં 10થી 20 ટકા ટેરિફનું લક્ષ્ય રાખવું જોઈએ.’
મોટાભાગના દેશોએ 19 ટકા સુધીની ટેરિફ સમજૂતી કરી
રઘુરામ રાજને કહ્યું કે, ‘પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશોએ અમેરિકા સાથે સમજૂતીઓ કરી લીધી છે. આ દેશોએ લગભગ 19 ટકા સુધીની ટેરિફ સમજૂતી કરી છે, ઘણા દેશોએ તેને સ્વીકારી પણ લીધી છે. અન્ય વિકસિત દેશો જેવા કે યુરોપ અને જાપાન 15 ટકા પર સંમત થયા છે, જ્યારે સિંગાપોર 10 ટકા પર સંમત થયું છે. તો ભારતે પણ આ દાયરામાં રહેવાનો ટાર્ગેટ રાખવો જોઈએ. જો ભારત અર્થવ્યવસ્થા પર બિનજરૂરી બોજ પડતું વચન આપશે, આવી ભૂલ કરશે તો નુકસાન થઈ શકે છે.’
‘ભારતે વૈશ્વિક સપ્લાય ચેન જાળવવા ઝડપી પગલા ભરવા જોઈએ’
આરબીઆઈના પૂર્વ ગર્વનરે ચેતવણી આપી છે કે, ‘ભારતે વૈશ્વિક સપ્લાય ચેનમાં સ્થિતિ જાળવી રાખવા માટે ઝડપી પગલા ભરવા પડશે. વર્તમાન સ્થિતિમાં ભારત માટે જરૂરી છે કે, આપણું ટેરિફ કેવી રીતે ઘટાડી શકાય? ખાસ કરીને ભારતે ટેક્સટાઈલ સહિતના શ્રમ-પ્રધાન ઉદ્યોગો પર ટેરિફ મામલે ધ્યાન આપવું જોઈએ.’
આવા શોર્ટ ટર્મના પ્લાનથી જોખમ : રઘુરામ રાજન
તેમણે જાપાન યુરોપનું ઉદાહરણ આપતા સ્પષ્ટ કહ્યું કે, ટ્રેડ ડિલની વાતચીત દરમિયાન ભારતે એવું વચન ન આપવું જોઈએ, જે પુરુ ન થઈ શકે. જાપાન-યુરોપ દ્વારા એવા મોટા વચનો કરાયા છે કે, રોકાણથી થનારો મોટાભાગનો લાભ અમેરિકાને મળશે, પરંતુ મને લાગતું નથી કે, બંનેની અર્થવ્યવસ્થાને નુકસાન થયા વગર, આ વચનો પુરા કરી શકાશે. કેટલાક દેશો અત્યારથી આવી સમજૂતી કરી નાખે છે અને પછી ટેરિફ ઘટાડવા માટે ફરી અમેરિકા સાથે વાતચીત કરવાની આશા રાખે છે, પંરતુ આવા પ્રકારના શોર્ટ ટર્મના પ્લાન જોખમ ઉભું કરી શકે છે. આવા દેશોને લાગતું હોય છે કે, આ માત્ર વાતચીત છે અથવા અત્યારે વર્તમાન તંત્ર હોવાથી ચલાવી લઈશું અને પછી ફરી વાતચીત કરી શકીશું. તેથી મને લાગે છે કે, આવા પ્રકારની ડીલથી આવા વચનો કરવા સમજદારી હોય.’

