રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LPG Price Hike : મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે, જેનાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે.
રાંધણ ગેસ અને કોમર્શિયલ સિલિન્ડર મોંઘા
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ઓઈલ કંપનીઓએ 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 07 માર્ચ 2026 થી જ અમલી બની ગયા છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025 પછી ઘરેલું સિલિન્ડરના ભાવમાં આ પ્રથમ વધારો છે.
મેટ્રો શહેરોમાં નવી કિંમતો (14.2 કિલો સિલિન્ડર):
દિલ્હી: ₹853 થી વધીને ₹913
કોલકાતા: ₹879 થી વધીને ₹939
ચેન્નાઈ: ₹868.50 થી વધીને ₹928.50
કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં હવે ₹1883 અને મુંબઈમાં ₹1835 થયો છે.
સરકારનો આશ્વાસન આપતો સૂર
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, દેશમાં ઉર્જા અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોએ પુરવઠામાં અવરોધ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સરકાર સસ્તું અને ટકાવ ઈંધણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાના અહેવાલોને અફવા ગણાવી ફગાવી દેવામાં આવ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ છતાં ભારત સુરક્ષિત
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ખોરવાવાની આશંકા હોવા છતાં ભારત અત્યારે 'કમ્ફર્ટેબલ' સ્થિતિમાં છે. ભારત પાસે વિવિધ સ્ત્રોતોમાંથી એટલો એનર્જી સપ્લાય ઉપલબ્ધ છે કે જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રભાવિત થનારા જથ્થા કરતાં ઘણો વધારે છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના વધતા ભાવોની અસર કિંમતો પર જોવા મળી રહી છે.









