Get The App

IT શેરોમાં બે દાયકામાં સૌથી મોટો ઘટાડો

- જો ફેબુ્રઆરીના બાકીના ટ્રેડિંગ સત્રોમાં ઇન્ડેક્સની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો તે એપ્રિલ ૨૦૦૩ પછીનો સૌથી ખરાબ માસિક દેખાવ હશે

- AI ના ડરને કારણે રોકાણકારોને રૂા. ૬.૨ લાખ કરોડનું નુકસાન

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
IT શેરોમાં બે દાયકામાં સૌથી મોટો ઘટાડો 1 - image

અમદાવાદ : સ્થાનિક માહિતી ટેકનોલોજી (આઈટી) કંપનીઓના શેર બે દાયકામાં સૌથી મોટો વેચવાલીનો સામનો કરી રહ્યા છે. આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ને કારણે નોંધપાત્ર વિક્ષેપની સંભાવનાએ રોકાણકારોની ચિંતા વધારી છે. મંગળવારે IT ઇન્ડેક્સ લગભગ ૫ ટકા ઘટતા આ મહિને તેનો કુલ ઘટાડો ૨૧ ટકા થયો છે.  જો કે આજે બુધવારે નવી લેવાલીએ આઇટી શેરો સુધરતા નિફટી આઇટી ઇન્ડેક્સ ૪૭૨ પોઇન્ટ વધ્યો હતો. જો ફેબુ્રઆરીના બાકીના ટ્રેડિંગ સત્રોમાં ઇન્ડેક્સની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો તે એપ્રિલ ૨૦૦૩ પછીનો તેનો સૌથી ખરાબ માસિક દેખાવ હશે.

વેચાણનો આ નવો રાઉન્ડ વૈશ્વિક રિસર્ચ કંપની સિટ્રિની ના એક અહેવાલ પછી આવ્યો છે, જે વૈશ્વિક ટેકનોલોજી સેવા ઉદ્યોગમાં એઆઈ ના વધતા પ્રભાવને પ્રકાશિત કરે છે. આ રિપોર્ટમાં એક એવી પરિસ્થિતિની રૂપરેખા આપવામાં આવી છે જેમાં ૨૦૨૭ સુધીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી મોટી ભારતીય આઇટી કંપનીઓમાં કરાર રદ કરવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે કારણ કે એઆઈ-સક્ષમ કોડિંગ ટૂલ્સ ખર્ચ ઘટાડે છે અને પરંપરાગત ઓફશોર લેબર મોડેલ્સ પર નિર્ભરતા ઘટાડે છે.

સિટ્રિની દલીલ કરે છે કે ભારતીય આઇટી સેવાઓ સ્પર્ધકો માટે આકર્ષક હતી અને પશ્ચિમી કંપનીઓની તુલનામાં નોંધપાત્ર રીતે સસ્તી હતી. એઆઈ કોડિંગ એજન્ટોના ખર્ચમાં ઝડપથી ઘટાડો થયો હોવાથી હવે આ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે સેવાઓની નિકાસમાં સતત ઘટાડો ભારતના બાહ્ય સંતુલનને જોખમમાં મૂકી શકે છે, કારણ કે આ ક્ષેત્ર ચાલુ ખાતાના સરપ્લસમાં સૌથી વધુ ફાળો આપે છે.

નિષ્ણાતોના મતે ભારતમાં એઆઈ વાર્તા હમણાં જ શરૂ થઈ છે. તેમણે કહ્યું કે વિશ્વની મોટી એઆઈ કંપનીઓ દાવો કરે છે કે એઆઈ સોફ્ટવેરની જરૂરિયાત ઘટાડી શકે છે. જો કે, ભારતીય આઈટી  કંપનીઓ ફક્ત કોડિંગ સુધી મર્યાદિત નથી, તેઓ ક્લાયન્ટ ઇન્ટરેક્શન, ડિઝાઇન, કન્સલ્ટિંગ અને અન્ય વિવિધ સેવાઓમાં પણ જોડાય છે.

આ મહિનામાં અત્યાર સુધીમાં, લિસ્ટેડ આઇટી કંપનીઓએ બજાર મૂડીકરણમાં આશરે રૂ. ૬.૨ લાખ કરોડનું ($૬૮ બિલિયન) ધોવાણ થયું છે, જેમાં ઘણી લાર્જ-કેપ કંપનીઓ વર્ષોના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. બ્રોકરેજ કંપનીઓ પણ વધુ સાવધ બની છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, જેફરીઝે ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ અને એમફેસિસને ડાઉનગ્રેેડ કર્યા હતા, અને મધ્યમ ગાળામાં વધતી અનિશ્ચિતતા વચ્ચે મૂલ્યાંકનમાં વધારો માટે મર્યાદિત અવકાશનો ઉલ્લેખ કર્યો હતો.

જેફરીઝે જણાવ્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટી આઇટી ઈન્ડેક્સમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે અને નિફ્ટી ૫૦ કરતા ૧૨ ટકા ઓછો દેખાવ કર્યો છે. જ્યારે ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં મોટાભાગની આઇટી કંપનીઓ માટે કમાણીમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે એઆઈમાં તાજેતરના વિકાસે મધ્યમથી લાંબા ગાળાના વિકાસના અંદાજ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને મૂલ્યાંકનમાં ૨૭ ટકાનો ઘટાડો કર્યો  છે.બ્રોકરેજ સંસ્થાઓ એવું માને છે કે શેરનું પ્રદર્શન હવે ટૂંકા ગાળાના કમાણી કરતાં લાંબા ગાળાના વ્યવસાય સાતત્યની ધારણાઓ દ્વારા વધુ નક્કી કરવામાં આવશે.

નિષ્ણાતોના મતે હાલની ગતિવિધિની વર્તમાન વ્યવસાય પર બહુ અસર નથી. વાસ્તવિક ચિંતા લાંબા ગાળાની વૃદ્ધિની છે. એઆઈ ક્ષેત્રમાં ભારતમાંથી કેટલીક સારી નાની કંપનીઓ ઉભરી શકે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું ભારતીય આઇટી કંપનીઓને આ નવી ટેકનોલોજીનો ફાયદો થશે કે નુકસાન થશે.