Business

IT શેરો કડ્ડડ્ડભૂસ :શેરોમાં સાર્વત્રિક ધબડકો સેન્સેક્સ ૮૧૩ પોઈન્ટ ખાબકી ૭૪૭૬૪

By GS Team
10 Sep 20266 mins read
TukuTouch Logo
ઈરાન-અમેરિકાના યુદ્ધથી ક્રૂડ $100ને પાર થતાં વૈશ્વિક બજારોમાં કડાકો બોલાયો હતો. મુંબઈ શેરબજારમાં સેન્સેક્સ 813.35 પોઈન્ટ અને નિફ્ટી 203.60 પોઈન્ટ તૂટી 23431.50 બંધ રહ્યો. આઈટી જાયન્ટ કોફોર્જના ચેરમેનના રાજીનામાથી આઈટી શેરો ગબડ્યા. FPIs/FIIsએ ₹583 કરોડની વેચવાલી કરી, જ્યારે DIIsએ ₹1510 કરોડની ખરીદી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

IT શેરો કડ્ડડ્ડભૂસ :શેરોમાં સાર્વત્રિક ધબડકો  સેન્સેક્સ ૮૧૩ પોઈન્ટ ખાબકી ૭૪૭૬૪

પશ્ચિમી દેશો ફરી યુદ્વની આગમાં લપેટાયા : ક્રુડ ૧૦૦ ડોલર પાર
નિફટી સ્પોટ ૨૦૪ પોઈન્ટ તૂટીને ૨૩૪૩૧ : આઈટી ઈન્ડેક્સ ૯૨૩ પોઈન્ટ તૂટયો : FPIs/FIIની કેશમાં રૂ.૫૮૩ કરોડની વેચવાલી
મુંબઈ : ઈરાન પર અમેરિકાના વધુ ખતરનાક હુમલામાં પાંચ ઓઈલ ટેન્કરોને નિશાન બનાવાતા અને વળતા પ્રહારમાં ઈરાને જોર્ડનમાં અમેરિકાના બેઝ પર હુમલા કર્યાના અહેવાલ વચ્ચે આ ભીષણ યુદ્વ પશ્ચિમી દેશોને ફરી દાઝાડવા લાગતાં વૈશ્વિક બજારોમાં આજે કડાકો બોલાઈ ગયો હતો. ફરી વિશ્વને ઓઈલનો પુરવઠો અટકી જવાનું જોખમ અને અમેરિકા, રશિયા સહિતના દેશોમાં ઈંધણની અછત સાથે ભાવો વધવા લાગતાં મોંઘવારીનો દાનવ વૈશ્વિક અર્થતંત્રને પાયમાલ કરશે એવા સંકેતોએ આજે વૈશ્વિક ફંડો મંદીમાં આવી ગયા હતા. ભારતીય શેર બજારોમાં પણ ક્રુડ ઓઈલની આગ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો ૨૮ પૈસા નબળો પડતાં શેરોમાં કડાકો બોલાયો હતો. આઈટી જાયન્ટ કોફોર્જના ઓડિટ રિપોર્ટ બાદ કંપનીના ચેરમેન ઓ.પી. ભટ્ટએ રાજીનામું આપી દેતાં ભારતીય આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો કડ્ડડ્ડભૂસ થઈ ગયા હતા. આ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, એફએમસીજી, હેલ્થકેર, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. જો કે મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોએ તેજીનો ચમકારો બતાવ્યો હતો. સેન્સેક્સ ૮૧૩.૩૫ પોઈન્ટ તૂટીને ૭૪૭૬૪.૨૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૦૩.૬૦ પોઈન્ટ ગબડીને ૨૩૪૩૧.૫૦ બંધ રહ્યા હતા.
કોફોર્જ ઓડિટ રિપોર્ટે શેર રૂ.૧૦૨ તૂટયો : જેનેસીસ, એચસીએલ ટેકનો, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા ગબડયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં આજે કોફોર્જ પાછળ ફંડોએ મોટાપાયે હેમરિંગ કર્યું હતું. આઈટી જાયન્ટ કોફોર્જના ઈન્ટર્નલ ઓડિટ રિપોર્ટને લઈ કંપનીના ચેરમેન ઓ.પી.ભટ્ટએ રાજીનામું આપી દેતાં ઉદ્યોગ માટે આ ડેવલપમેન્ટ નેગેટીવ લેખાવી ફંડો, મહારથીઓએ આઈટી શેરોમાં કડાકો બોલાવી દીધો હતો. કોફોર્જ રૂ.૧૦૨.૨૦ તૂટીને રૂ.૧૮૪૬.૯૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૪.૮૫ તૂટીને રૂ.૨૭૩.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૫૮.૪૫ તૂટીને રૂ.૧૨૨૬.૫૫, ઈન્ફોસીસ રૂ.૪૭.૯૫ ગબડીને રૂ.૧૦૩૫, ટેક મહિન્દ્રા રૂ.૬૦.૪૦ તૂટીને રૂ.૧૫૦૨.૨૫, નેટવેબ રૂ.૧૮૭.૯૦ તૂટીને રૂ.૪૮૯૯.૫૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૪૩૬.૯૦, ટાટા એલેક્સી રૂ.૧૦૩.૨૫ ઘટીને રૂ.૩૩૮૭.૭૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૫૮.૬૦ ઘટીને રૂ.૫૩૯૦,ટીસીએસ રૂ.૫૧ ઘટીને રૂ.૨૨૦૯, સાસ્કેન રૂ.૪૦.૯૫ ઘટીને રૂ.૧૮૫૯.૨૫, રામકો સિસ્ટમ રૂ.૧૨.૮૫ ઘટીને રૂ.૫૯૭.૩૦, વિપ્રો રૂ.૪ ઘટીને રૂ.૧૬૭.૫૦, સોનાટા સોફ્ટવેર રૂ.૭.૧૦ ઘટીને રૂ.૨૬૭.૧૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૨૨.૭૮ પોઈન્ટ તૂટીને ૨૭૮૦૦.૫૬ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૪૭૪ પોઈન્ટ તૂટયો : એચડીએફસી બેંક રૂ.૧૬ તૂટયો : એયુ બેંક, પીએનબી, કોટક બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે મોટી વેચવાલી કરતાં ધોવાણ થયું હતું. એચડીએફસી બેંક રૂ.૧૫.૬૫ ઘટીને રૂ.૬૮૭.૨૫, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૧૦૬૧, પીએનબી રૂ.૧૧૫.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨.૮૫ ઘટીને રૂ.૪૧૪.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૪૦ ઘટીને રૂ.૧૦૦૧.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૩.૯૫ પોઈન્ટ ગબડીને ૬૩૭૩૩.૪૭ બંધ રહ્યો હતો. આ સાથે મનીબોક્સ રૂ.૧૧.૪૦ તૂટીને રૂ.૪૫.૬૦, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૧૬૬.૩૦ તૂટીને રૂ.૩૪૩૨.૦૫, આઈએફસીઆઈ રૂ.૩.૫૬ ઘટીને રૂ.૮૯.૦૪, એચડીએફસી લાઈફ રૂ.૧૯.૬૫ ઘટીને રૂ.૫૧૪.૩૫, એડલવેઈઝ રૂ.૫ ઘટીને રૂ.૧૩૩.૮૦ રહ્યા હતા.
દુકાળનાભયે મોંઘવારી વધતાં એફએમસીજી શેરોમાં વધતી વેચવાલી : બજાજ હિન્દુસ્તાન, ઉગાર સુગર તૂટયા
દેશમાં અલનીનોની અસરે દુકાળનો ભય વધવા લાગતાં અને અન્ય મોંઘવારી બેફામ બનવા લાગી હોઈ માંગ પર મોટી અસર પડવા લાગતાં એફએમસીજી શેરોમાં ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. બજાજ હિન્દુસ્તાન સુગર રૂ.૧.૩૦ તૂટીને રૂ.૨૧.૩૭, ઉગાર સુગર રૂ.૨.૫૩ તૂટીને રૂ.૫૦.૭૬, દ્વારકેશ સુગર રૂ.૧.૧૮ ઘટીને રૂ.૪૬.૭૩, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩૭.૫૦ ઘટીને રૂ.૧૯૪૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૫૪.૬૩ પોઈન્ટ ઘટીને ૧૭૨૬૯.૨૨ બંધ રહ્યો હતો.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૦૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૮૪.૨૦ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૦૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૮૪.૨૦ લાખ કરોડ રહ્યું હતું.
પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતો વધારો : વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડાના એંધાણ : ઓટો શેરો તૂટયા
તહેવારોની સીઝન શરૂ થઈ રહી હોવા છતાં એક તરફ દુકાળની જોખમી પરિસ્થિતિ ઊભી થતાં અને બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલર પાર થતાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા વધારાને પરિણામે વાહનોનું વેચાણ મંદ પડવાના જોખમે આજે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં વેચવાલી રહી હતી. ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૧૧.૨૦ તૂટીને રૂ.૪૪૪.૭૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૭.૫૦ ઘટીને રૂ.૨૨૦૮, એક્સાઈડ રૂ.૭ ઘટીને રૂ.૪૧૦.૯૦, હીરો મોટોકોર્પ રૂ.૮૭ ઘટીને રૂ.૫૨૩૮, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૯.૩૫ ઘટીને રૂ.૨૧૮૮, ભારત ફોર્જ રૂ.૨૯.૪૦ ઘટીને રૂ.૧૯૭૬.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૧૧.૧૬ પોઈન્ટ ગબડીને ૬૧૧૨૯.૧૬ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલમાં ભાવમાં ભડકો : ઈન્દ્રપ્રસ્થ ગેસ, રિલાયન્સ, ઓએનજીસી, પેટ્રોનેટ, બીપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતા જઈ આજે બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૨.૭૫ ડોલર વધીને ૧૦૦.૭૫ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ બેરલ દીઠ ૨.૧૫ ડોલર વધીને ૯૫.૨૦ ડોલર નજીક પહોંચી જતાં ફંડોની ઓઈલ માર્કેટીંગ પીએસયુ, રિફાઈનરી શેરોમાં વેચવાલી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧.૬૦ ઘટીને રૂ.૧૫૨.૪૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩.૩૦ ઘટીને રૂ.૧૨૮૧, ઓએનજીસી રૂ.૨.૪૦ ઘટીને રૂ.૨૩૩.૮૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૬૫ ઘટીને રૂ.૨૮૫.૪૫, બીપીસીએલ રૂ.૩૦૩.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૮૪.૨૨ પોઈન્ટ ઘટીને ૨૫૭૬૭.૫૩ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો વેચીને હળવા થયા : પીટીસીઆઈએલ, એલજી, જયોતી સીએનસી ઘટયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડો વેચીને હળવા થતાં જોવાયા હતા. અલબત વેચવાલીની તીવ્રતા સાધારણ રહી હતી. પીટીસીઆઈએલ રૂ.૮૯૭.૯૫ તૂટીને રૂ.૨૨,૮૧૫.૭૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૯.૬૫ ઘટીે રૂ.૬૧૮.૯૦, જયોતી સીએનસી રૂ.૨૮ ઘટીને રૂ.૧૦૦૮.૭૦, હોનટ રૂ.૯૨૧.૭૫ ઘટીને રૂ.૩૪,૧૫૯.૩૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૫૧.૪૫ ઘટીને રૂ.૨૨૨૧.૬૫, ભારત ડાયનામિક્સ રૂ.૨૬.૩૦ ઘટીને રૂ.૧૨૧૭.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૭.૮૯ પોઈન્ટ ઘટીને ૭૮૫૫૬.૭૧ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૨૪ પોઈન્ટ ઘટયો : ડિક્સન રૂ.૨૮૦ તૂટયો : હવેલ્સ, બર્જર પેઈન્ટ ઘટયા
હોમ એપ્લાયન્સિસ અને કન્ઝયુમર ડયુરેબલ્સની માંગ મંદ પડી રહ્યાના અહેવાલોએ આજે ફંડોની શેરોમાં વેચવાલી રહી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૨૭૯.૭૦ તૂટીને રૂ.૧૩,૮૨૦.૩૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૧૧૨૧.૧૦, બર્જર પેઈન્ટ રૂ.૭.૮૫ ઘટીને રૂ.૪૭૧.૬૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૦.૦૫ ઘટીને રૂ.૭૨૪૫.૯૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં ફંડોનું ઉછાળે પ્રોફિટ બુકિંગ : એસએમએસ ફાર્મા, સુવેન, વનસોર્સ, સિન્જેન તૂટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોનું આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. એસએમએસ ફાર્મા રૂ.૨૨.૪૦ તૂટીને રૂ.૩૭૩.૭૫, સુવેન રૂ.૧૩.૬૫ ઘટીને રૂ.૨૯૯.૬૦, વનસોર્શ રૂ.૬૪.૧૫ ઘટીને રૂ.૧૬૮૩.૯૫, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૮.૧૫ ઘટીને રૂ.૨૧૭, સિન્જેન રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૩૯૮.૮૫, થેમીસ મેડી રૂ.૩.૪૫ ઘટીને રૂ.૧૦૪.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૪.૩૫ પોઈન્ટ ઘટીને ૫૧૫૦૦.૭૫ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૭૮૫ ઉછળ્યો : જિન્દાલ સ્ટેનલેસ, અદાણી એન્ટર., ટાટા સ્ટીલ, નાલ્કો, હિન્દ. ઝિંક વધ્યા
અમેરિકામાં કોપરનો સંગ્રહ થઈ રહ્યાના અહેવાલો અને વિશ્વ બજારમાં નોન-ફેરસ, ઈન્ડસ્ટ્રીયલ મેટલના ભાવોમાં તેજીને પરિણામે ફંડોએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ મોટી ખરીદી કરતાં ભાવો ઉછળ્યા હતા. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૪.૩૦ વધીને રૂ.૭૮૨.૮૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૪૦.૨૦ વધીને રૂ.૩૧૦૦, ટાટા સ્ટીલ રૂ.૪.૪૫ વધીને રૂ.૧૮૮.૫૫, નાલ્કો રૂ.૭.૯૦ વધીને રૂ.૩૭૯, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૮૦ વધીને રૂ.૬૦૬, હિન્દાલ્કો રૂ.૧૩.૮૫ વધીને રૂ.૧૦૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૮૪.૭૯ પોઈન્ટ ઉછળીને ૪૨૪૯૪.૦૧ બંધ રહ્યો હતો.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ગાબડાં : માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ : ૨૬૦૦ શેરો નેગેટીવ બંધ
ફરી ફંડો, હાઈ નેટવર્થ ીનવેસ્ટરો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી કરતાં અનેક શેરોમાં ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૦૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૦૯થી ઘટીને ૧૭૯૨ અને ઘટનારની સંખ્યા ૨૩૮૪થી વધીને ૨૬૦૦ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૫૮૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૫૧૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૮૨.૯૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૫૦૯.૦૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.