Business

IT, ઓટો, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ ૧૧૦૯ પોઈન્ટની છલાંગે ૭૩૦૩૪

By GS Team
14 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામનના સંકેતો અને HCL ટેક્નોલોજીસના સારા પરિણામોથી તેજી જોવા મળી. નિફ્ટી 359 પોઈન્ટ ઉછળીને 22722 થયો, જ્યારે સેન્સેક્સ 1109 પોઈન્ટ વધ્યો. IT, ઓટો, બેન્કિંગ અને કન્ઝ્યુમર શેરોમાં આક્રમક ખરીદીથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.58 લાખ કરોડનો વધારો થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

IT, ઓટો, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ ૧૧૦૯ પોઈન્ટની છલાંગે ૭૩૦૩૪

નિફટી સ્પોટ ૩૫૯ પોઈન્ટ ઉછળીને ૨૨૭૨૨ : રોકાણકારોની સંપત્તિમાં રૂ.૪.૫૮ લાખ કરોડનો વધારો
મુંબઈ : લોંગ ટર્મ કેપિટલ ગુઈન ટેક્ષ (એલટીસીજી) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) સંબંધિત લાંબા સમયથી ટ્રેડરો, ઈન્વેસ્ટરોની રાહતની માંગને લઈ હવે સરકારની વાટાઘાટ-વિચારણાના નાણા પ્રધાન નિર્મલા સીતારામને સંકેત આપતાં ભારતીય શેર બજારોને આજે જોઈતો બૂસ્ટર ડોઝ મળ્યો હતો. કોર્પોરેટ પરિણામોની ત્રિમાસિક સીઝન શરૂ થવા સાથે આઈટી જાયન્ટ એચસીએલ ટેકનોલોજીસના ગઈકાલે અપેક્ષાથી સારા રિઝલ્ટ જાહેર થતાં ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોની આગેવાનીએ આક્રમક તેજી કરી હતી. વૈશ્વિક મોરચે પણ ક્રુડ ઓઈલના ભાવ બે ટકા જેટલા ઘટી આવતાં તેમ જ ઓઈલ કંપનીઓની ડોલરની દૈનિક જરૂરિયાતને આરબીઆઈ દ્વારા પૂરી કરવાની નવી પહેલને પરિણામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો બે દિવસમાં દોઢ રૂપિયા જેટલો મજબૂત બનતાં શેરોમાં તેજી આક્રમક બની હતી. સેન્સેક્સ ૧૧૦૯.૧૦ પોઈન્ટની છલાંગે ૭૩૦૩૩.૭૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૫૮.૬૦ પોઈન્ટ ઉછળીને ૨૨૭૨૧.૯૫ બંધ રહ્યા હતા.
આઇટી શેરો ઉછળ્યા
એચસીએલ ટેકનોલોજીસના ત્રિમાસિક પરિણામમાં ચોખ્ખો નફો ૨૧.૨ ટકા વધીને રૂ.૫૧૩૨ કરોડ થતાં અને આવક ૧૧.૫ ટકા વધીને રૂ.૩૫૬૨૦ કરોડ થતાં શેરમાં આકર્ષણે રૂ.૧૦૧ ઉછળીને રૂ.૧૩૨૧, ટાટા એલેક્સી રૂ.૧૭૧.૪૦ વધીને રૂ.૩૪૨૬.૪૦, એમ્ફેસીસ રૂ.૧૨૧.૪૦ વધીને રૂ.૨૪૬૫, ટેક મહિન્દ્રા રૂ.૭૨ વધીને રૂ.૧૫૪૨, વિપ્રો રૂ.૭.૩૦ વધીને રૂ.૧૬૮.૯૦, કોફોર્જ રૂ.૮૨.૩૦ વધીને રૂ.૧૯૨૫.૯૫, ઈન્ફોસીસ રૂ.૪૫.૨૦ વધીને રૂ.૧૦૬૨.૨૦, એક્સેલ સોફ્ટ રૂ.૩.૪૨ વધીને રૂ.૮૨.૯૩, માસ્ટેક રૂ.૬૭.૧૫ વધીને રૂ.૧૭૧૩.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૩૪૦.૫૫ પોઈન્ટ ઉછળીને ૨૮૫૬૦.૪૯ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફરી આક્રમક ખરીદી
તહેવારોની સીઝન શરૂ થતાં વાહનોની ખરીદી વધવાની અપેક્ષાએ આજે ફંડોએ પસંદગીના ઓટોમોબાઈલ શેરોમાં ફરી આક્રમક ખરીદી કરી હતી. ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૧૧.૯૦ વધીને રૂ.૪૧૬.૮૫, અશોક લેલેન્ડ રૂ.૨.૯૫ વધીને રૂ.૧૪૭.૩૫, બજાજ ઓટો રૂ.૧૮૯.૧૫ વધીને રૂ.૧૦,૨૪૯.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૭.૫૫ વધીને રૂ.૨૮૬૩, હીરો મોટોકોર્પ રૂ.૭૩.૭૦ વધીને રૂ.૪૯૯૯.૮૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૬.૯૦ વધીને રૂ.૧૯૬૯ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૯૭.૪૪ પોઈન્ટ ઉછળીને ૫૬૨૫૯.૨૦ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૫૭૮ પોઈન્ટ ઉછળ્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૩.૧૦ વધીને રૂ.૮૭૬, કેનેરા બેંક રૂ.૨.૧૦ વધીને રૂ.૧૨૦.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૯૦ વધીને રૂ.૯૫૫.૯૦, એચડીએફસી બેંક રૂ.૯.૯૫ વધીને રૂ.૭૧૪.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૨૦ વધીને રૂ.૧૩૬૦.૨૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૬૦ વધીને રૂ.૨૩૭.૬૦, એક્સિસ બેંક રૂ.૧૩ વધીને રૂ.૧૨૬૯ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૭૭.૯૩ પોઈન્ટ વધીને ૬૨૪૩૯.૧૫ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં ફંડોની ખરીદી
તહેવારોની સીઝન શરૂ થતાં હોમ એપ્લાયન્સિસની માંગમાં પણ વૃદ્વિની અપેક્ષાએ ફંડોએ આજે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદી કરી હતી. બ્લુ સ્ટાર રૂ.૨૭.૧૦ વધીને રૂ.૧૫૯૨, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૮.૯૦ વધીને રૂ.૬૬૩૯, વોલ્ટાસ રૂ.૧૬ વધીને રૂ.૧૦૩૭ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૫૭.૧૪ પોઈન્ટ ઉછળીને ૫૭૯૭૦.૪૮ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં તેજી
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ ફરી તેજી કરી હતી. નાલ્કો રૂ.૯ વધીને રૂ.૩૨૦,હિન્દાલ્કો રૂ.૧૫.૭૦ વધીને રૂ.૯૦૦.૪૦, ટાટા સ્ટીલ રૂ.૨.૪૦ વધીને રૂ.૧૭૪.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૪૫.૧૮ પોઈન્ટ ઉછળીને ૩૮૩૭૬.૬૭ બંધ રહ્યો હતો.
ઓઈલ શેરો વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બે ટકા જેટલા ઘટી આવતાં અને રૂપિયાની મજબૂતીના આકર્ષણે ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં પણ પસંદગીની ખરીદી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૯.૪૦ વધીને રૂ.૫૭૨.૪૦, ઓએનજીસી રૂ.૨.૫૦ વધીને રૂ.૨૨૨.૫૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૭૦ વધીને રૂ.૧૧૬૬.૭૦, બીપીસીએલ રૂ.૧.૮૦ વધીને રૂ.૨૮૬.૮૦ રહ્યા હતા.
FPIs/FIIની રૂ.૧૩૦૫ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૩૦૫.૧૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૪૩૯.૨૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
રોકાણકારોની સંપતિ વધી
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટીમાં આક્રમક તેજી સાથે અનેક શેરોમાં ફંડોની ખરીદીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૫૮ લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૦૩ લાખ કરોડ રહ્યું હતું.