ફિનફલુએન્સર્સની માફક IPO પ્રીમિયમ 'સર્જક' ફેક એપ, પ્લેટફોર્મ પર SEBIએ લગામ તાણવી જરૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈસ્યુ અનેકગણા છલકાવવા ગ્રે માર્કેટમાં બેફામ પ્રીમિયમ બોલાવવાનું બેરોકટોક ચાલતું રેકેટ
પ્રીમિયમની આડમાં આવા 'ફેક' એપ, પ્લેટફોર્મ થકી અન્ય ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાની શંકા
મુંબઈ : દેશના મૂડી બજારમાં અત્યારે અસંખ્ય શેરોના પબ્લિક ઈસ્યુઓ-ઈનિશિયિલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)નો રાફડો ફાટી નીકળતાં અને રૂમરના નામે ગ્રે માર્કેટમાં અસાધારણ ઊંચા પ્રીમિયમ બોલાવવાના ચાલતાં રેકેટને લઈ સમીક્ષકોએ ચિંતા વ્યક્ત કરીને રિટેલ રોકાણકારોને આ પ્રકારના લોભામણા ઊંચા પ્રીમિયમો કે રૂમર ભાવો જોઈને ભોળવાઈ નહીં જવાની તાકીદ કરવા લાગ્યા છે. આ મામલે સજાગ થઈને ઈસ્યુઓમાં રોકાણમાં ખૂબ જ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત સેબી દ્વારા જે પ્રકારે બેફામ બનેલા ફિનફ્લુએન્સર્સ પર લગામ તાણવામાં આવી છે, એ પ્રકારે હવે બેલગામ, બેફામ બનેલા પ્રાઈમરી માર્કેટના આઈપીઓમાં શેરોના પ્રીમિયમ બોલાવનારા, પોતાની રીતે મનફાવે એવા પ્રીમિયમ સર્જનારા બિલાડીના ટોપની માફક ફૂંટી નીકળેલા એપ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ-માધ્યમો પર લગામ તાણવી અને તેમનું કડક નિયમન કરવું જરૂરી બની ગયું છે.
તાજેતરના મહિનાઓમાં આઈપીઓના પ્રીમિયમો બોલાવતી અનેક ફેક એપ, પ્લેટફોર્મનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે આ પ્રકારે પ્રીમિયમ સર્જનારા પ્લેટફોર્મથી અંજાઈ જઈને આઈપીઓમાં રોકાણ કરવા ધસારો કરનારા રિટેલ રોકાણકારો ખોટના ખાડામાં ઉતરી ન જાય એ માટે રોકાણકારોના હિતમાં આવા માધ્યમો પર નિયામક તંત્રનો અંકુશ જરૂરી બની ગયો હોવાની માંગ ઉઠી છે. આઈપીઓ પ્રીમિયમની આડમાં આ પ્રકારના પ્લેટફોર્મ થકી આઈપીઓના અન્ડરરાઈટીંગ જેવી ગેરકાયદે માર્કેટ એક્વિટી થતી હોવાની ચર્ચાએ પણ જોર પક્ડયું હોઈ આ મામલે પણ તપાસ થવી જરૂરી બની ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓને અનેક ગણા છલકાવવાનો અને પ્રીમિયમ બોલાવીને લલચાવવાનો ખતરનાક ખેલ ચાલી રહ્યો છે. બેલગામ તેજીમાં રોજબરોજ અસંખ્ય કંપનીઓના આઈપીઓથી પ્રાઈમરી માર્કેટમાં અતિનો અતિરેક થતો જોવાયો હતો. ઈન્વેસ્ટરોના હિતને નેવે મૂકીને એવી અનેક કંપનીઓના આઈપીઓ લાવીને રોકાણકારોને બેફામ પ્રીમિયમ અને લિસ્ટિંગમાં જુગારી માનસ સાથે શેરોમાં સટ્ટાકીય તોફાન મચાવીને રોકાણકારોને મનફાવે એ ભાવે રોકાણ કરવા માટે લલચાવવામાં આવ્યા હતા. રોકાણકારો પણ પ્રીમિયમ બોલાવતી અને લિસ્ટિંગ સાથે ટૂંકાગાળામાં એવી અનેક કંપનીઓ કે જેના ફંડામેન્ટલ નહોતા એમના શેરોના ભાવો અનેકગણા ચગાવીને રિટેલ રોકાણકારોને ઊંચા ભાવે શેરો પધરાવી દેવાયા હતા. આગળ જતાં આ પ્રાઈમરી માર્કેટનો ફુગ્ગો ફૂટતાં લેભાગુ પ્રમોટરોની કંપનીઓનો અત્તોપત્તો જ નહીં રહેતાં રોકાણકારોએ તેમની મહામૂલી મૂડીનું નાહી નાખવું પડયું હતું.
પ્રાઈમરી માર્કેટમાં અત્યારે મેઈનબોર્ડની સાથે શેર બજારોના એસએમઈ પ્લેટફોર્મ પર પબ્લિક ઈસ્યુ લાવીને મચાવવામાં આવી રહેલું ગ્રે માર્કેટ અને લિસ્ટિંગમાં તોફાન બજારમાં કોઈ મોટી સિન્ડિકેટ સક્રિય હોવાનું અને બેલગામ તોફાન મચાવી રહ્યાની શંકા ઉપજાવે છે. જે પ્રકારે નિયામક તંત્ર ડબ્બા ટ્રેડિંગ પર લગામ તાણવા પગલાં લઈ રહ્યું છે, એ જ પ્રકારે આ ગ્રે માર્કેટમાં થઈ રહેલા પ્રીમિયમના બેલગામ કારોબાર સામે પગલાં લેવા જરૂરી બની ગયા છે. ગ્રે માર્કેટના પ્રીમિયમ જોઈને આઈપીઓ અનેક ગણા છલકાવવાનું અને પછી વાસ્તવિક લિસ્ટિંગ સમયે ફિયાસ્કો પણ થતો હોવાના જોવાઈ રહેલા કેટલાક કિસ્સાઓથી રોકાણકારોએ પણ ચેતી જવાની જરૂર છે.




