Business

ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો

By GS Team
27 Feb 20262 mins read
ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો

મુંબઈ : અમેરિકન સુપ્રીમ કોર્ટે રેસિપ્રોકલ ટેરિફ નાબુદ કરતા અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ૧૫ ટકાને બદલે ૧૦ ટકા વૈશ્વિક ટેરિફ લાગુ કર્યા બાદ દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે લેધર, રેડીમેડ ગારમેન્ટસ, ડાયમન્ડસ, એન્જિનિયરિંગ માલસામાન વગેરેના નિકાસકારોને તેમના અમેરિકા ખાતેના આયાતકારો તરફથી ઓર્ડર પેટે ઈન્કવાયરી શરૂ થયાનું સ્થાનિક ટ્રેડરો જણાવી રહ્યા છે.

ભારતના માલસામાન પર ૧૮ ટકા રેસિપ્રોકલ ટેરિફને બદલે હાલમાં ૧૦ ટકા જ ટેરિફ લાગુ થતા આયાતકારો ઓર્ડર આપવા ઉત્સાહ ધરાવી રહ્યા છે, એમ લેધર ગુડસના સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું.

અમેરિકા ખાતેના આયાતકારો જેમણે નિકાસકારો સાથે ટેરિફની આપસમાં વહેચણીની વ્યવસ્થા કરી હતી તેમના તરફથી ભારતના નિકાસકારોને રિફન્ડ મળવાની અથવા તો ભાવિ વેપારમાં તે એડજસ્ટ થવાની અપેક્ષા છે. જો કે આનો આધાર ટ્રમ્પ વહીવટીતંત્ર તેમણે વસૂલેલા ટેરિફના રિફન્ડ કઈ રીતે આપે છે, તેના પર રહેલો છે.

સમર સીઝન માટેના ઓર્ડર જે સામાન્ય રીતે નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં આવી જતા હોય છે તે ઓર્ડર આ વખતે વિયેતનામ તથા બાંગલાદેશ જેવા સ્પર્ધક દેશો તરફ વળી ગયા છે, કારણ કે તે વેળાએ આ દેશો પર ટેરિફની માત્રા નીચી હતી અને ભારત પર ૫૦ ટકા જેટલી ઊંચી હતી.

હવે સ્થિતિ બદલાઈ છે અને ઓર્ડરો ફરી ભારતને મળવા લાગશે એમ રેડીમેડ ગારમેન્ટના એક નિકાસકારે જણાવ્યું હતું. હાલમાં જે રીતે ઈન્કવાયરી શરૂ થઈ છે તે જોતા ઓર્ડર શરૂ થવાની શકયતા વધી ગઈ છે.

હાલમાં જે ૧૦ ટકા ટેરિફ છે તેની મુદત પાંચ મહિના સુધી જ છે ત્યારપછી ટ્રમ્પ કેવો અભિગમ અપનાવશે તેને લઈને અમેરિકાના ખરીદદારો હજુ અવઢવની સ્થિતિમાં છે, માટે તેઓ ઓર્ડર આપવામાં સાવચેતી ધરાવી રહ્યા છે એમ એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ વાર્ષિક ધોરણે ૨૧ ટકા ઘટી ૬.૬૦ અબજ ડોલર રહી હતી.