Business

મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભાવવધારો, ખાનગી કંપની નાયરા એનર્જીનો નિર્ણય

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
નાયરા એનર્જીએ શનિવાર સવારથી દેશના 7,108 ફ્યુઅલ સ્ટેશનો પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100ને પાર થતાં કંપનીએ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો ઝીંક્યો છે. સરકારી કંપનીઓએ ભાવ સ્થિર રાખ્યા છે, જેથી તેમના પંપ પર જૂના ભાવે જ ઇંધણ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભાવવધારો, ખાનગી કંપની નાયરા એનર્જીનો નિર્ણય

Petrol Diesel Price Hike : આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડ ઓઇલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે દેશની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલ કંપની નાયરા એનર્જી (Nayara Energy) એ ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. કંપનીએ શનિવાર સવારથી જ પોતાના તમામ આઉટલેટ્સ પર પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ₹3 નો સીધો વધારો અમલી બનાવી દીધો છે.

જુલાઈમાં ઘટાડેલા ભાવ ફરી વધારવા પડ્યા

રિપોર્ટ અનુસાર, નવી કિંમતો શનિવાર સવારથી દેશભરમાં આવેલા નાયરાના તમામ 7,108 ફ્યુઅલ સ્ટેશનો પર લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઈરાન અને વેસ્ટ એશિયામાં ચાલી રહેલા રાજકીય તણાવના કારણે માર્ચ મહિનામાં કંપનીએ ભાવ વધાર્યા હતા. પરંતુ ત્યારબાદ સ્થિતિ થાળે પડતાં અને કૂડના ભાવ ઘટતાં 1 જુલાઈના રોજ કંપનીએ વધારેલો ભાવ પાછો ખેંચી લીધો હતો. પરંતુ હવે ફરી એકવાર બેરલ દીઠ ક્રૂડ ઓઇલના ભાવ $100ની ઉપર પહોંચી જતાં કંપનીએ પોતાની પડતર કિંમત સરભર કરવા માટે ફરી ભાવવધારો ઝીંક્યો છે.

સરકારી કંપનીઓના પંપ પર ભાવ સ્થિર

નાયરા એનર્જી દ્વારા કરાયેલો આ ભાવવધારો માત્ર તેના પોતાના પંપ પૂરતો જ સીમિત છે. દેશના 90%થી વધુ ઇંધણ બજાર પર કંટ્રોલ ધરાવતી સરકારી તેલ કંપનીઓ - ઈન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલીયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ જ વધારો કર્યો નથી, જેથી સામાન્ય જનતાને સરકારી પંપો પરથી જૂના ભાવે જ ઇંધણ મળી રહેશે.