Business

ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે વેપાર માટે ઉદ્યોગોની નજર સાઉદી તરફ

By GS TEAM
15 Nov 20251 min read
ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે  વેપાર માટે ઉદ્યોગોની નજર સાઉદી તરફ

મુંબઈ : ટેરિફના મુદ્દાને કારણે ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા અને પોતાનો વેપાર ટકાવી રાખવા દેશના ઉદ્યોગો સાઉદી અરેબિયા તરફ વધુને વધુ નજર દોડાવી રહ્યા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

હાલમાં ચાલી રહેલી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સાઉદી અરેબિયા વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ માટે મુખ્ય મથક બની રહ્યું છે.

એક ખાનગી બેન્ક દ્વારા હાથ ધરાયેલા સર્વમાં ભાગ લેનારામાંથી  દેશના ૮૫ ટકા જેટલા વેપાર ગૃહોએે હાલની વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ માટે સાઉદી અરેબિયાને આકર્ષક મથક ગણાવ્યું હતું.

માત્ર ભારતના જ નહીં વિદેશની બજારોના વેપાર ગૃહો પણ સાઉદી અરેબિયાને આકર્ષક મથક માની રહ્યા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

મોટાભાગની કંપનીઓને માળખાકીય તથા ટેકનોલોજી ક્ષેત્રમાં રહેલી તકોમાં રસ છે. 

૧૦માંથી ૮ આંતરરાષ્ટ્રીય વેપાર ગૃહો   આગામી પાંચ વર્ષમાં સાઉદી અરેબિયામાં વેપાર તથા ઈન્વેસ્ટમેન્ટ વધારવા યોજના ધરાવે છે. સાઉદી અરેબિયાની આર્થિક મજબૂતાઈને પરિણામે વેપાર ગૃહોનો ત્યાં રસ વધી રહ્યો છે.

મધ્ય પૂર્વના વેપાર ગૃહો જેમણે સર્વેમાં ભાગ લીધો હતો તેમાંના ૫૯ ટકા લોકોએ પણ સાઉદીની આર્થિક સ્થિરતાને મુખ્ય પોઝિટિવ પરિબળ તરીકે ગણાવી હતી. 

૨૦૨૫માં સાઉદીનો આર્થિક વિકાસ દર ૪ ટકા આસપાસ રહેવાની ધારણાં છે. ઓઈલ સિવાયના ક્ષેત્રોની સ્થિતિ મજબૂત છે. કોરોના પહેલાના સ્તરેથી નોન-ઓઈલ ક્ષેત્રમાં ૪૦ ટકાથી વધુનો વધારો થયો છે. 

વૈશ્વિક સ્તરે વધી રહેલા જોખમો વચ્ચે ભારતની કંપનીઓ વિકાસની વિશ્વસ્નિય તકો શોધી રહી છે.