Get The App

સોના-ચાંદીના ઊંચા ભાવથી ભારતની વ્યાપારી ખાધમાં તોતિંગ વધારો

- ભારતની ડોલર સામેની ચૂકવણીમાં વધારાની અસર

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીના ઊંચા ભાવથી ભારતની વ્યાપારી ખાધમાં તોતિંગ વધારો 1 - image

અમદાવાદ : વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની વ્યાપારી ખાધ  વધીને ૩૩૩.૨ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ સોના અને ચાંદીના આયાત મૂલ્યમાં નોંધાયેલો ૨૧.૧૯ અબજ  ડોલરનો જંગી ઉછાળો છે.  વૈશ્વિક અસ્થિરતા અને ટ્રમ્પ ટેરિફના ભયને કારણે રોકાણકારો અને સેન્ટ્રલ બેંકોએ કિંમતી ધાતુઓમાં ભારે રોકાણ કર્યું હતું, જેના પરિણામે ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સોનાની આયાતનું બિલ અંદાજે ૨૪.૦૮% વધીને ૭૧.૯૮ અબજ ડોલર પર પહોંચ્યું હતું. જોકે, રસપ્રદ વાત એ છે કે આયાત કરવામાં આવેલા સોનાનો વાસ્તવિક જથ્થો ઘટયો છે.

જો કે સોનાનો આયાત જથ્થો ૪.૭૮% ઘટીને ૭૨૧.૦૩ ટન રહ્યો હતો. પરંતુ કિંમતોમાં ૩૦.૨૯%નો વધારો થતા (પ્રતિ કિલો ૯૯,૮૨૫ ડોલર) આયાત મૂલ્યમાં તોતિંગ વધારો થયો હતો.

વાણિજ્ય મંત્રાલયના વિશ્લેષણ મુજબ, જો સોનાના ભાવ ગત વર્ષ જેટલા જ રહ્યા હોત, તો આયાતનું મૂલ્ય ૫૮.૦૧ અબજ ડોલરથી ઘટીને ૫૫.૨૪ અબજ ડોલર થઈ ગયું હોત. એટલે કે, સમગ્ર આર્થિક બોજ માત્ર વધતી કિંમતોને કારણે વધ્યો છે.

ચાંદીના કિસ્સામાં સોના કરતા અલગ ચિત્ર જોવા મળ્યું છે. અહીં ઉંચી કિંમતો પણ ભારતીય બજારની માંગને રોકી શકી નથી. ચાંદીની આયાત મૂલ્યની દ્રષ્ટિએ ૧૪૯.૪૮% વધીને ૧૨.૦૫ અબજ ડોલર થઈ છે. ચાંદીના એકમ દીઠ ભાવમાં ૭૫.૭૭% નો વધારો (પ્રતિ કિલો ૧૬૪૨ ડોલર) થયો હોવા છતાં, આયાત જથ્થો ૪૨.૦૩% વધીને ૭,૩૩૪ ટન નોંધાયો હતો.

 જો ભાવ સ્થિર રહ્યા હોત, તો ચાંદીની આયાત પાછળનો ખર્ચ માત્ર ૬.૮૬ અબજ ડોલર થયો હોત, જે વાસ્તવિક રીતે ૧૨.૦૫ અબજ ડોલર પર પહોંચી ગયો છે.વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની કુલ વ્યાપારી ખાધ ગત વર્ષના ૨૮૪.૫ અબજ ડોલરથી વધીને ૩૩૩.૨ અબજ ડોલર થઈ છે.