ભારત પર વિદેશી દેવું વધ્યું ! એક વર્ષમાં રૂ.2.18 લાખ કરોડનો વધારો, કુલ 72 લાખ કરોડ : RBIના રિપોર્ટમાં ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Foreign Debt Crosses 72 Lakh Crore RBI Report : ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે, પરંતુ આ દરમિયાન ભારતીય રિઝર્વ બૅંક(RBI)ના તાજેતરના આંકડાઓએ દેશની બહારની નાણાકીય જવાબદારીઓનું નવું ચિત્ર રજૂ કર્યું છે. RBIના તાજેતરના અહેવાલ મુજબ, દેશનું કુલ વિદેશી દેવું(Total Foreign Debt) વધીને 762.8 અબજ ડૉલર એટલે કે, અંદાજે 72.15 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. માર્ચ 2026ના અંત સુધીમાં ભારતનું વિદેશી દેવું, એક વર્ષ અગાઉની સરખામણીએ 26.3 અબજ ડૉલર વધ્યું છે.
વેલ્યુએશન ઇફેક્ટ અને GDP સાથે દેવાનો ગુણોત્તર
RBIના જણાવ્યા અનુસાર, યુએસ ડોલરની મજબૂતાઈએ વિદેશી દેવાના વાસ્તવિક વધારાને આંશિક રીતે છુપાવી દીધો છે. જો વેલ્યુએશન ઇફેક્ટ(Valuation Effect)ને હટાવી દેવામાં આવે તો, વિદેશી દેવામાં આ વધારો 26.3 અબજ ડૉલર નહીં, પરંતુ અંદાજે 51 અબજ ડૉલર હોત. કોઈપણ દેશ માટે માત્ર દેવાની રકમ જ મહત્ત્વની નથી હોતી, પરંતુ તેની અર્થવ્યવસ્થાના કદની સરખામણીમાં દેવું કેટલું છે તે જોવામાં આવે છે. આ માપદંડ પર જોઈએ તો, ભારતનું વિદેશી દેવું-GDP ગુણોત્તર (Foreign Debt-to-GDP Ratio) વધીને 20.8 ટકા પર પહોંચી ગયું છે, જે એક વર્ષ પહેલા 19.8 ટકા હતું. જોકે, અન્ય ઉભરતી અને વિકસિત અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં આ ગુણોત્તર હજુ પણ નિયંત્રિત ગણાય છે.
સરકારનું દેવું ઘટ્યું, ખાનગી ક્ષેત્રની ઉધારી વધી
રિપોર્ટમાં એક રસપ્રદ બાબત સામે આવી છે કે, વિદેશી દેવામાં આ તાજેતરના વધારા પાછળ મુખ્ય હાથ પ્રાયવેટ સેક્ટર(Private Sector)નો છે, જ્યારે સરકારનું વિદેશી દેવું ઘટ્યું છે. નોન-ફાયનાન્સિયલ કોર્પોરેટ કંપનીઓ એકલી જ કુલ વિદેશી દેવામાં 36.4 ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી બજારોમાંથી અપેક્ષાકૃત સસ્તું ફંડ મળવાને કારણે ભારતીય કંપનીઓ બહારથી વધુ ઉધારી લઈ રહી છે.
શોર્ટ ટર્મ દેવું વધતાં ચિંતા
એક વર્ષ કે તેથી ઓછા ટૂંકા ગાળાના (Short Term) વિદેશી દેવાનો હિસ્સો વધીને 19.6 ટકા થયો છે, જે ગયા વર્ષે 18.3 ટકા હતો. વૈશ્વિક પરિસ્થિતિ બગડે કે, ડૉલર વધુ મજબૂત થાય ત્યારે ટૂંકા ગાળાના દેવાનું જોખમ ઝડપથી વધે છે. વિદેશી મુદ્રા ભંડારની સરખામણીમાં શોર્ટ ટર્મ દેવાનો ગુણોત્તર પણ વધીને 21.6 ટકા થયો છે, જે ગયા વર્ષે 20.1 ટકા હતો.
કઈ કરન્સીમાં સૌથી વધુ દેવું છે?
ભારતના કુલ વિદેશી દેવામાં સૌથી મોટો હિસ્સો અમેરિકી ડૉલરનો છે.
અમેરિકી ડૉલર: 55.5%
ભારતીય રૂપિયો: 29.4%
જાપાનીઝ યેન: 6.4%
SDR (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ): 4.3%
યુરો: 3.7%
રાહત આપનારા સમાચાર શું છે?
વિદેશી દેવું વધવા છતાં ભારત માટે કેટલીક બાબતો સકારાત્મક છે.
લોંગ ટર્મ ડેટ: માર્ચ 2026ના અંત સુધીમાં લાંબા ગાળાનું દેવું 613.5 અબજ ડૉલર રહ્યું છે, જેથી તાત્કાલિક ચૂકવણીનું દબાણ ઓછું છે.
ડેટ સર્વિસિંગ રેશિયો: વિદેશી દેવા પર મુદ્દલ અને વ્યાજ ચૂકવણીનો ગુણોત્તર ઘટીને 5.8 ટકા રહી ગયો છે, જે ગયા વર્ષે 6.6 ટકા હતો. આનો અર્થ એ કે, દેવું ચૂકવવાનો બોજ થોડો ઓછો થયો છે.
મજબૂત ફોરેક્સ રિઝર્વ: ભારત પાસે પૂરતો વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserve) હાજર છે, જે કોઈપણ વૈશ્વિક આંચકા સામે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.









