5 કારણોસર ભારતીય શેરબજાર ડામાડોળ, 4 દિવસમાં રોકાણકારોના ₹21 લાખ કરોડ સ્વાહા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Stock Market News : ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી જબરદસ્ત કડાકો બોલી ગયો છે. મધ્ય પૂર્વ (West Asia) માં વધી રહેલા ભૌગોલિક તણાવ અને ક્રૂડ ઓઇલ (Crude Oil) ની કિંમતોમાં અતિશય તેજીના કારણે રોકાણકારોની ચિંતા સાતમા આસમાને પહોંચી ગઈ છે. આ ચાર દિવસના ટૂંકા અને તોફાની સપ્તાહમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ વેલ્યુએશન અંદાજે ₹20.79 લાખ કરોડ ઘટી ગયું છે. સપ્તાહના અંતે સેન્સેક્સ 1605 પોઈન્ટથી વધુ ગગડીને 73123.83 ના સ્તરે બંધ રહ્યો છે.
શેરબજારમાં કડાકાના 5 મુખ્ય કારણો
- પશ્ચિમ એશિયામાં વધતો તણાવ:
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ તથા સંભવિત સૈન્ય હુમલાઓની આશંકાએ વૈશ્વિક સ્તરે રોકાણકારોમાં ડરનો માહોલ ઊભો કર્યો છે.
- ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભયાનક ઉછાળો:
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) 3% ઉછળીને 116.73 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચેલા તેલના ભાવોને કારણે ભારતમાં આયાત બિલ અને મોંઘવારી વધવાની દહેશત છે.
- મોંઘવારી અને કંપનીઓની વધતી ઉત્પાદન કિંમત
ઊર્જા અને ઇંધણ મોંઘા થવાથી અર્થતંત્ર અને કોર્પોરેટ કંપનીઓના પ્રોફિટ માર્જિન પર ભારે દબાણ સર્જાયું છે.
- અમેરિકન શેરબજાર ડામાડોળ
વૉલ સ્ટ્રીટ (અમેરિકન બજારો) માં જોવા મળેલી નબળાઈને કારણે ભારતીય રોકાણકારો પણ સતર્ક બન્યા અને મોટા પાયે પ્રોફિટ બુકિંગ/વેચવાલી કરી.
- રૂપિયામાં નબળાઈ અને બોન્ડ યીલ્ડમાં વધારો
ડોલર સામે રૂપિયાની કમજોરી અને યુએસ બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાને કારણે વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું છે.
કઈ કંપનીઓને સૌથી વધુ ફટકો પડ્યો?
શુક્રવારના કારોબારમાં સેન્સેક્સની મોટી કંપનીઓમાં ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ્સ ના શેરો 3% થી વધુ તૂટ્યા હતા. આ ઉપરાંત ટ્રન્ટ, ટેક મહિન્દ્રા, BEL, ઇન્ડિગો, બજાજ ફિનસર્વ અને કોટક બેન્ક પણ ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે, આ મુશ્કેલ સમયમાં પણ L&T, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, ઇન્ફોસિસ અને ICICI બેન્ક જેવા કેટલાક શેરોમાં ખરીદી જોવા મળી હતી.
આગામી સપ્તાહે બજારની નજર આ મોટા સંકેતો પર રહેશે:
કંપનીઓના ત્રિમાસિક પરિણામો: પેટીએમ, એલએન્ડટી, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), સન ફાર્મા અને અદાણી પોર્ટ્સના Q2 પરિણામો બજારની ચાલ નક્કી કરશે.
યુએસ ફેડરલ રિઝર્વની બેઠક: 27-28 ઓક્ટોબરે યોજાનારી ફેડની બેઠકમાં વ્યાજદરો અંગે શું સંકેત મળે છે તેના પર સૌની નજર રહેશે.
જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms) ની લિસ્ટિંગ: ₹30213 કરોડનું માતબર આઈપીઓ લાવનાર જિયોના શેર આગામી 28 ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવા જઈ રહ્યા છે, જેના પર બજારનું વિશેષ ધ્યાન રહેશે.




