ભારતીયો પર સરેરાશ પોણા પાંચ લાખ રૂપિયાનું દેવું! 28 કરોડ લોકોએ લોન લીધી; ગોલ્ડ લોનમાં 600 ટકાનો ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Household Debt Hits ₹4.77 Lakh: Unique Borrowers Cross 28 Crore | આજના આધુનિક યુગમાં સરળ હપ્તા અને તાત્કાલિક લોનની સુવિધાઓએ ભારતીય પરિવારોના નાણાકીય આયોજનનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. એક સમયે બચત પર નિર્ભર રહેતો ભારતીય મધ્યમ વર્ગ હવે પોતાની જરૂરિયાતો અને લાઇફસ્ટાઇલ માટે ક્રેડિટ એટલે કે ઉધાર નાણાં પર નિર્ભર થઈ રહ્યો છે.
લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ(લોન લેનારા સક્રિય ગ્રાહકો)ની સંખ્યા 28.3 કરોડને પાર કરી ગઈ છે, જ્યારે વ્યક્તિ દીઠ સરેરાશ દેવું વધીને રૂ. 4,77,583 પર પહોંચી ગયું છે.
સંસદમાં રજૂ થયેલા ચોંકાવનારા આંકડા: રૂ.69.39 લાખ કરોડનું પર્સનલ ક્રેડિટ
રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ, માર્ચ 2026 સુધીમાં દેશમાં કુલ પર્સનલ બૅંક લોનનો આંકડો ₹69.39 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
ગોલ્ડ લોનમાં 600%નો વિસ્ફોટક ઉછાળો: ક્યાં વપરાયા નાણાં?
રિઝર્વ બૅંક દ્વારા ટ્રેક કરવામાં આવતા વિવિધ ક્રેડિટ સેક્ટર્સમાં સૌથી વધુ વિસ્ફોટક વૃદ્ધિ સોનાના ઘરેણાં સામે અપાતી લોનમાં જોવા મળી છે.
છેલ્લા 4 વર્ષમાં ગોલ્ડ લોનમાં સીધો 6 ગણો ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે પરિવારો પોતાની ટૂંકા ગાળાની રોકડ જરૂરિયાતો પૂરી કરવા માટે ઘરમાં રહેલા સોનાનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.
ક્ષેત્રવાર પર્સનલ ક્રેડિટ ધિરાણ (રૂપિયા કરોડમાં)
લોનની કેટેગરી | માર્ચ 2022 | માર્ચ 2024 | માર્ચ 2026 | 4-વર્ષની વૃદ્ધિનો ટ્રેન્ડ |
હાઉસિંગ લોન (હોમ લોન) | ₹17,38,473 | ₹27,18,712 | ₹33,55,963 | રીટેલ ક્રેડિટનો મુખ્ય આધાર |
અન્ય પર્સનલ લોન્સ | ₹9,01,595 | ₹14,27,872 | ₹17,31,838 | વપરાશી ખર્ચ માટે ભારે મજબૂત માંગ |
વ્હીકલ લોન્સ (વાહન લોન) | ₹4,04,756 | ₹5,73,391 | ₹7,38,678 | ઓટો સેક્ટરમાં સ્થિર ફાઇનાન્સિંગ |
ગોલ્ડ જ્વેલરી લોન્સ | ₹74,738 | ₹93,301 | ₹4,61,373 | સૌથી મોટો 6 ગણો (600%) ઉછાળો |
એજ્યુકેશન લોન્સ | ₹83,693 | ₹1,19,380 | ₹1,55,824 | વર્ષાનુવર્ષ સતત વૃદ્ધિ |
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન | ₹17,834 | ₹23,445 | ₹21,962 | પ્રારંભિક ઉછાળા બાદ સ્થિર |
કુલ પર્સનલ ક્રેડિટ | ₹34,66,075 | ₹53,46,691 | ₹69,39,750 | 4 વર્ષમાં ધિરાણ બમણું થયું |
હોમ લોન હજુ પણ ધિરાણનો મજબૂત આધાર
ડેટા દર્શાવે છે કે કુલ પર્સનલ ક્રેડિટમાં સૌથી મોટો હિસ્સો હજુ પણ હાઉસિંગ લોનનો છે. માર્ચ 2022માં જે હોમ લોન ₹17.38 લાખ કરોડ હતી તે માર્ચ 2026માં વધીને ₹33.55 લાખ કરોડ થઈ ગઈ છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે સરળ ક્રેડિટના આ જમાનામાં ભારતીય પરિવારો માટે આ ધિરાણ આર્થિક સમૃદ્ધિનો માર્ગ બનશે કે પછી લાંબા ગાળે દેવાનો મોટો બોજ?









