G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે
- અમેરિકાના ટેરિફ છતાં ભારતની આર્થિક કામગીરી સ્થિતિસ્થાપક રહેવા પામી છે : મૂડી'સ

મુંબઈ : અમેરિકા દ્વારા જંગી ટેરિફ લાગુ કરાવા છતાં ૨૦૨૭માં ૬.૫૦ ટકા આર્થિક વિકાસ દર સાથે ભારત આગામી બે વર્ષ જી-૨૦ દેશોમાં સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર બની રહેશે. નિકાસમાં વૈવિધ્યતાના વ્યૂહ સાથે ભારતનો વિકાસ દર મજબૂત જોવાઈ રહ્યો છે એમ મૂડી'સ રેટિંગ્સ દ્વારા તેના ગ્લોબલ મેક્રો આઉટલુક ૨૦૨૬-૨૭ના રિપોર્ટમાં જણાવાયું હતું. ૨૦૨૬માં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૪૦ ટકા અંદાજાયો છે.
ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ સાવચેતીભર્યો હશે તો પણ માળખાકીય ક્ષેત્રે જોરદાર ઈન્વેસ્ટમેન્ટ, મજબૂત ઉપભોગ માગ તથા નિકાસમાં વૈવિધ્યકરણના ટેકા સાથે આર્થિક વિકાસની ગતિ જળવાઈ રહેશે.
વૈશ્વિક પડકારો અને કેટલીક નિકાસો પર અમેરિકાના ઊંચા ટેરિફ છતાં ભારતની આર્થિક કામગીરી સ્થિતિસ્થાપક રહેવા પામી છે.
ભારતના માલસામાન પર ૫૦ ટકા જેટલી ઊંચી ટેરિફ બાદ દેશના નિકાસકારોએ નિકાસને અન્યત્ર વાળતા સપ્ટેમ્બરમાં તેની એકંદર નિકાસમાં ૬.૭૫ ટકા વધારો જોવા મળ્યો છે, જ્યારે અમેરિકા ખાતેની નિકાસમાં ૧૧.૯૦ ટકા ઘટાડો નોંધાયો છે.
નાણાં નીતિના તટસ્થથી સરળ વલણ અને નીચા ફુગાવાને કારણે ભારતમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહી છે. આ પરિબળોને કારણે ઘરઆંગણેની સ્થિતિ વિકાસને ટેકારૂપ રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
મજબૂત આંતરરાષ્ટ્રીય મૂડી પ્રવાહને કારણે બહારી આંચકા સામે રક્ષણ મેળવવામાં મદદ મળી છે અને લિક્વિડિટી પણ જાળવી શકાઈ છે. રોકાણકારોના પોઝિટિવ માનસને કારણે મૂડી પ્રવાહ મજબૂત રહ્યો છે. આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન ઘરેલુ માગ રહી છે છતાં, મોટેપાયે બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ માટે ખાનગી ક્ષેત્રમાં વિશ્વાસ હજુ પ્રસ્થાપિત થવાનો બાકી હોવાનું પણ મૂડી'સ દ્વારા નોંધાયું છે.
દરમિયાન મૂડી'સે ૨૦૨૬ તથા ૨૦૨૭માં વૈશ્વિક વિકાસ દરનો અંદાજ ૨.૫૦ ટકાથી ૨.૬૦ ટકાની વચ્ચે મૂકયો છે. આમાં વિકસિત દેશોનો વિકાસ દર ૧.૫૦ ટકા આસપાસ જ્યારે ભારતની આગેવાની હેઠળ ઊભરતા અર્થતંત્રોનો વિકાસ દર ૪ ટકા રહેવાની ધારણાં છે.
અમેરિકામાં ઉપભોગ ખર્ચ અને એઆઈ સંબંધિત ઈન્વેસ્ટમેન્ટ અને સ્વીકારના ટેકા સાથે આર્થિક ગતિ ધીમી પરંતુ સ્થિર રહેશે. બીજી બાજુ ૨૦૨૫માં ચીનનો આર્થિક વિકાસ દર પાંચ ટકા રહેવાના માર્ગે છે.

